Editorial

‘સુપર અલ નીનો’ની આગાહી ખૂબ ચિંતાજનક છે

એપ્રિલ મહિનામાં દેશમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી પડી છે અને હજી તો આખો મે મહિનો બાકી છે. આમ પણ ચાલુ વર્ષ 2026  માટે ક્લાયમેટ મોડલ્સ સતત ચિંતાજનક સંકેતો આપી રહ્યા છે. વૈજ્ઞાનિકો દરેક અપડેટ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે કારણ કે એક  વિનાશક ‘મેગા અલ નીનો’ની આશંકા વધુ ઘેરી બની રહી છે. શરૂઆતી અંદાજ મુજબ આવો સખત અલ-નીનો સર્જાઇ શકે છે. આ બાબત આજથી  દોઢસો વર્ષ પહેલાં 1877-78ના એ ભયાનક સમયગાળાની યાદ અપાવી રહી  છે, જેને ઇતિહાસની સૌથી ઘાતક આબોહવા સંબંધી ઘટનાઓમાંથી  એક માનવામાં આવે છે. પ્રશાંત મહાસાગર પર અભ્યાસ કરી રહેલા સંશોધકોનું કહેવું છે કે સમુદ્રની સપાટીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે, જે  અલ નીનો વિકસિત થવાનો મુખ્ય સંકેત છે.

જો વર્તમાન વલણ ચાલુ રહેશે, તો 2026માં એક ‘સુપર અલ નીનો’ આકાર લઈ શકે છે. અલ-નીનો  એ પ્રશાંત અથવા પેસેફિક મહાસાગરના પાણી ગરમી થવાની પ્રાકૃતિક ઘટના છે જેને કારણે ભારત સહિતના કેટલાક દેશોમાં વરસાદ ઓછો પડે  છે. પરંતુ આ વખતે વધુ ચિંતાજનક બાબત એ છે કે આ વખતે એક સુપર અલ-નીનો કે મેગા અલ-નીનો આકાર લઇ શકે છે. અને સ્વાભાવિક રીતે જ આ મોટા અલ-નીનો પરિબળને કારણે તેની અસર પણ વધુ તીવ્ર રહી શકે છે અને વરસાદ વધુ પડતો ઓછો પડે તેવી શક્યતા રહે છે.

આમ પણ માણસે કરેલા બેફામ પ્રદૂષણને કારણે ગ્લોબલ વૉર્મિંગ અને વૈશ્વિક આબોહવા પરિવર્તનને કારણે હવામાનને લગતી હોનારતો વધી ગઇ છે. પૃથ્વીનું તાપમાન ઘણુ વધી ગયું છે તેમાં આ સુપર અલ-નીનોની આગાહી આવી ગઇ છે. આબોહવા પરિવર્તન સાથે મળીને આ ઘટના 2027 સુધીમાં વૈશ્વિક તાપમાનને નવા રેકોર્ડ સ્તરે પહોંચાડી શકે છે. આજથી લગભગ 150 વર્ષ પહેલાં આવેલા એ સુપર અલ નીનોએ વિશ્વના મોટા ભાગમાં ભીષણ લૂ, લાંબો દુષ્કાળ પેદા કર્યો હતો.

આંકડાઓ અનુસાર, તે દરમિયાન તત્કાલીન  વૈશ્વિક વસ્તીના લગભગ 4 ટકા લોકોના મોત થયા હતા, જેના કારણે કરોડોની વસ્તીનો સફાયો થઈ ગયો હતો. વૈજ્ઞાનિકોને એ વાતની ચિંતા સતાવી રહી છે કે શું 2026માં ઇતિહાસ ફરી પોતાનું પુનરાવર્તન કરવા જઈ રહ્યો છે? આ દરમ્યાન વિશ્વ હવામાન સંસ્થા(WMO)એ ચેતવણી  આપી છે કે મે થી જુલાઈની વચ્ચે અલ નીનોની સ્થિતિ વિકસી શકે છે, જેના કારણે ભારત સહિત દક્ષિણ એશિયાના હવામાન પર મોટી અસર  પડશે. અગાઉ એવો અંદાજ હતો કે આ સ્થિતિ ચોમાસાના બીજા ભાગમાં (ઓગસ્ટ-સપ્ટેમ્બર) બનશે, પરંતુ હવે તે વહેલી આવવાની શક્યતા  દર્શાવવામાં આવી છે.

અલ નીનો એ એક એવી આબોહવાકીય સ્થિતિ છે, જે દર 2 થી 7 વર્ષમાં એકવાર આવે છે અને લગભગ 9 થી 12 મહિના સુધી રહે છે. તેના કારણે  વિશ્વના અલગ-અલગ ભાગોમાં તાપમાન અને વરસાદની પેટર્ન બદલાઈ જાય છે અને સામાન્ય રીતે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. ભારતના  હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય કરતા ઓછો વરસાદ થવાનો અંદાજ અગાઉથી જ વ્યક્ત કર્યો છે.

WMO અનુસાર, વિષુવવૃત્તીય પેસિફિક  મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે, જે આગામી મહિનામાં એલ નીનોની સ્થિતિ બનવાના સંકેત આપી રહ્યું છે.  સંસ્થાએ જણાવ્યું છે કે મે-જૂન-જુલાઈ દરમિયાન જમીનનું તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતા છે, એટલે કે લગભગ દરેક જગ્યાએ  વધુ ગરમી પડી શકે છે. વિશ્વ હવામાન સંસ્થા કહે છે કે કૃષિ, જળ વ્યવસ્થાપન, ઉર્જા અને આરોગ્ય જેવા ક્ષેત્રો માટે હવામાનની આવી આગાહીઓ અત્યંત જરૂરી છે, જેથી સમયસર તૈયારીઓ કરી શકાય.

WMO ના ક્લાઈમેટ ફોરકાસ્ટ ચીફ વિલફ્રાન મૌફુમા ઓકિયાએ જણાવ્યું હતું કે વર્ષની શરૂઆતમાં સ્થિતિ તટસ્થ હતી, પરંતુ હવે તમામ મોડેલો  એલ નીનો બનવાની પુષ્ટિ કરી રહ્યા છે અને આગામી મહિનાઓમાં તે વધુ મજબૂત થવાની સંભાવના છે. વરસાદ ઓછો થવાની આગાહી છે ત્યારે એક બીજા પણ ચિંતાજનક અહેવાલ છે. અહેવાલ મુજબ, હિંદુ કુશ હિમાલય ક્ષેત્રમાં આ વર્ષે બરફનું પ્રમાણ સામાન્ય કરતા 27.8% ઓછું રહ્યું છે, જે છેલ્લા 20 વર્ષોમાં સૌથી ઓછું છે. આનાથી નદીઓના પાણીના પ્રમાણ પર અસર પડી શકે  છે અને લગભગ 2 અબજ લોકોની જળ સુરક્ષા માટે ખતરો ઊભો થઈ શકે છે.

સામાન્ય રીતે એલ નીનો દરમિયાન ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા અને  ભારતના કેટલાક ભાગોમાં ઓછો વરસાદ કે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે, જ્યારે દક્ષિણ અમેરિકા, અમેરિકાના દક્ષિણ ભાગો, આફ્રિકાના કેટલાક  વિસ્તારો અને મધ્ય એશિયામાં વધુ વરસાદ જોવા મળે છે. ભારતમાં વરસાદ ખૂબ ઓછો પડે તો સિંચાઇ પર આધારિત ખેતી પર મોટી અસર થઇ શકે છે અને કેટલાક ભાગોમાં દુકાળની પણ સ્થિતિ સર્જાઇ શકે છે. સરકારે આ માટે અત્યારથી જ તૈયારી રાખવી જોઇએ. આમ પણ ઇરાન યુદ્ધથી દુનિયાભરમાં આર્થિક તકલીફો સર્જાઇ છે તેમાં આ સુપર અલ-નીનો ભારત સહિતના કેટલાક દેશોમાં સ્થિતિ ઓર બગાડી શકે છે.

Most Popular

To Top