World

UAEનો મોટો નિર્ણય: OPECથી અલગ થઈ સસ્તું તેલ બજારમાં લાવશે

ગરીબ દેશો પર અસર? ગ્લોબલ ક્રૂડ માર્કેટમાં મોટી ઉથલપાથલ શરૂ

વિશ્વના તેલ બજારમાં આજે એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સંયુક્ત અરબ અમીરાત એટલે કે UAE એ 1 મે થી OPEC અને OPEC+ જેવી આંતરરાષ્ટ્રીય તેલ ઉત્પાદક સંસ્થાઓથી અલગ થવાનો નિર્ણય લીધો છે. UAEના આ પગલાથી વૈશ્વિક ક્રૂડ ઓઇલ માર્કેટમાં ભારે હલચલ મચી ગઈ છે.

UAE હવે પોતાના ઉત્પાદન પર સંપૂર્ણ નિયંત્રણ રાખીને વધુ પ્રમાણમાં સસ્તું તેલ બજારમાં મૂકવાની તૈયારીમાં છે. નિર્ણયનો સીધો અસર તે દેશો પર પડી શકે છે જે અત્યાર સુધી OPECના ક્વોટા સિસ્ટમ હેઠળ ઉત્પાદન કરતા હતા. જોવા જઈએ તો ખાસ કરીને આફ્રિકાના ગરીબ અને વિકાસશીલ દેશો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે. તેલના ભાવમાં ઘટાડો થવાથી આયાતકાર દેશોને તો રાહત મળશે, પરંતુ નિકાસ પર આધારિત દેશો માટે આ મોટો ઝટકો સાબિત થઈ શકે છે. UAE જો મોટા પાયે સસ્તું તેલ બજારમાં મૂકે છે તો સ્પર્ધા વધશે અને અન્ય દેશોના ક્રૂડની માંગ ઘટી શકે છે.

વિશ્વના ઊર્જા નિષ્ણાતો માનતા છે કે આ પગલું ગ્લોબલ સપ્લાય ચેઇન પર પણ અસર કરશે. OPECનું મુખ્ય ઉદ્દેશ્ય તેલના ભાવને સ્થિર રાખવાનું રહ્યું છે, પરંતુ UAEના આ નિર્ણયથી આ સંતુલન બગડી શકે છે. આ સાથે જ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને ઇરાન સાથેના સંબંધો પણ આ નિર્ણય પાછળના કારણો તરીકે જોવામાં આવી રહ્યા છે. જો પરિસ્થિતિ વધુ તંગ બનશે તો તેલના ભાવમાં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે.

ભારત જેવા મોટા તેલ આયાતકાર દેશો માટે આ એક સકારાત્મક સંકેત બની શકે છે, કારણ કે સસ્તું ક્રૂડ મળવાથી અર્થતંત્રને મજબૂતી મળશે. પરંતુ વૈશ્વિક સ્તરે જોતા આ નિર્ણય લાંબા ગાળે કેવી અસર કરશે તે જોવાનું રહ્યું. હાલ માટે ખાસ એક વાત ચોક્કસ છે કે UAEના આ પગલાએ વિશ્વના તેલ બજારમાં નવી સ્પર્ધા અને અનિશ્ચિતતા બંને ઉભી કરી છે. હવે નજર રહેશે કે અન્ય દેશો આ બદલાતી પરિસ્થિતિમાં કેવી રીતે પોતાનું સ્થાન બચાવે છે.

Most Popular

To Top