Gujarat Main

ધોરણ-10નું પરિણામ જાહેર: 17,186 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો

ગાંધીનગર : ધોરણ-10ના (SSC) નિયમિત વિદ્યાર્થીઓ (STUDENTS)નું પરિણામ (RESULT) 29 જૂન 2021ને રાત્રિના આઠ વાગ્યે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)ના પરીક્ષા વિભાગના સચિવ બી.એ. ચૌધરીએ જણાવ્યું હતું કે ધોરણ- 10ના નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવી હતી. નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની સરકાર દ્વારા જાહેર કરાયેલી નીતિ મુજબ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના વિષય મુજબ મેળવેલા ગુણને બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા હતાં. જેના આધારે બોર્ડ દ્વારા ધોરણ-10ના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવેલું છે. આ પરિણામ બોર્ડની વેબસાઇટ પર 29 જૂન 2021ના રોજ રાત્રે 8 કલાકે જાહેર કરવામાં આવ્યું હતું. માધ્યમિક શાળાઓએ તેઓનું પરિણામ શાળાના ઇન્ડેક્સ નંબર પરથી લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે. શાળાઓએ વિદ્યાર્થીઓને ગુણપત્રકની નકલ આપવાની રહેશે, અને તેના પરિણામની જાણ કરવાની રહેશે. આ ઉપરાંત સંસ્કૃત પ્રથમ આનું પરિણામ 1 જુલાઈ 2021ના રોજ જાહેર કરવામાં આવશે.

17,186 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે રાત્રે આઠ વાગે ધોરણ- 10ના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં 17,186 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. ધોરણ- 10માં નિયમિત વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 8,57,204 હતી. જેમાં નિયમિત છોકરાઓની સંખ્યા 4,90,482, જ્યારે છોકરીઓની સંખ્યા 3,66,722 હતી. ગ્રેડવાર પરિણામોની સ્થિતિ જોઈએ તો એ–1 ગ્રેડમાં 17,186, એ-2 ગ્રેડમાં 57,362, બી-1 ગ્રેડમાં 1,00,97૩, બી-2 ગ્રેડ 1,50,432, સી-1 ગ્રેડમાં 1,85,266, સી-2 ગ્રેડમાં 1,72,253 અને ડી ગ્રેડમાં 1,73,332 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિષયવાર પરિણામ જોઈએ તો, ગુજરાતીમાં 16,316 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. હિન્દીમાં 254 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. અંગ્રેજીમાં 1,721 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. સામાજીક વિજ્ઞાનમાં 27,913 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. વિજ્ઞાનમાં 20,865 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. ગણિતમાં 26,809 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. સંસ્કૃતમાં 35,036 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે.

ધો.9ની અને 10ની પરીક્ષાના આધારે માર્કશીટ તૈયાર કરી
મહત્વની વાત છે કે ધોરણ 10નું પરિણામ આગળની ત્રણ પરીક્ષાનાં રિઝલ્ટ પરથી તૈયાર કર્યું છે.. દા.ત. ત્રણ પરીક્ષામાં 50 ટકા પરિણામ આવ્યું હોય તો પરિણામ 50 ટકા જ આવશે. જો ત્રણેય પરીક્ષામાં અલગ અલગ માર્ક્સ આવ્યા, જેમ કે એકમાં 40, બીજીમાં 30 અને ત્રીજીમાં 70 માર્ક્સ આવ્યા હોય તો એની એવરેજ કાઢીને માર્ક્સ આપવામાં આવશે. ધો.9માં જેને ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય તેને આમાં ફર્સ્ટ કલાસ આવી શકે.

Most Popular

To Top