Sports

લખનઉને પછાડી ગુજરાતની પ્લેઓફમાં સૌથી પહેલા એન્ટ્રી

પુણે : આઇપીએલની (IPL) આજે અહીં રમાયેલી 57મી મેચમાં આવેશ ખાનની આગેવાનીમાં લખનઉના બોલરોની અંકુશિત બોલીંગને પ્રતાપે કથળેલી શરૂઆત પછી શુભમન ગીલની નોટઆઉટ 63 રનની ઇનિંગ અને ડેવિડ મિલર સાથેની તેની અર્ધશતકીય ભાગીદારી ઉપરાંત રાહુલ તેવટિયાની 22 રનની ઇનિંગની મદદથી ગુજરાત ટાઇટન્સે મૂકેલા 145 રનના લક્ષ્યાંક સામે રાશિદ ખાન અને ડેબ્યુટન્ટ આર સાઇ કિશોરની અફલાતૂન સ્પીન બોલીંગ સામે લખનઉ સુપર જાયન્ટ્સનો માત્ર 82 રનમાં વિંટો વળી જતાં ગુજરાત ટાઇટન્સે 62 રને મેચ જીતવા સાથે પોતાની પહેલી આઇપીએલના પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની હતી.

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી લખનઉ સુપર જાયન્ટસ માટે તેના બંને ઓપનર માત્ર 24 રનના સ્કોર પર પેવેલિયન ભેગા થયા પછી એક પછી એક બેટ્સમેનની આવનજાવન શરૂ થઇ હતી અને રાશિદ ખાન તેમજ રવિશ્રીનિવાસન સાઇ કિશોરની અફલાતૂન સ્પીન બોલીંગ સામે તેઓ નબળા પુરવાર થયા હતા અને પરિણામે આખી ટીમ 82 રનમાં ઓલઆઉટ થઇ હતી. રાશિદ ખાને 4 જ્યારે સાઇ કિશોર અને યશ દયાલે 2-2 વિકેટ ઉપાડી હતી.

ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કરનારી ગુજરાત ટાઇટન્સને હંમેશા ફ્લાઇંગ સ્ટાર્ટ અપાવનાર વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા માત્ર 5 રન કરીને આઉટ થયા પછી 51 રનના સ્કોર સુધીમાં ગુજરાતે મેથ્યુ વેડ અને કેપ્ટન હાર્દિકની વિકેટ પણ ગુમાવી દીધી હતી. જો કે ગીલે પોતાની ઇનિંગને બિલ્ડ કરવાની સાથે ટીમને માટે ઝડપથી રન પણ બનાવ્યા હતા. તેણે મિલર સાથે મળીને 52 રનની ભાગીદારી કરીને 16મી ઓવરમાં સ્કોર 103 સુધી પહોંચાડ્યો ત્યારે મિલર 24 બોલમાં 26 રન કરીને આઉટ થયો હતો. જો કે અંતિમ ચાર ઓવરમાં ગિલ અને તેની સાથે રમતમાં જોડાયેલા રાહુલ તેવટિયાએ મળીને 41 રન ઉમેર્યા હતા. ગીલ 49 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 63 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે તેવટિયા 16 બોલમાં 22 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

Most Popular

To Top