Gujarat

ગાંધીનગર નજીકના કંથારપૂર મહાકાળી વડનો યાત્રા-પ્રવાસન ધામ તરીકે વિકાસ કરાશે

ગાંધીનગર : ગાંધીનગર નજીક દહેગામ તાલુકાના કંથારપૂર મહાકાળી વડના યાત્રા-પ્રવાસન ધામ વિકાસ પ્રોજેક્ટની વિવિધ કામગીરીની જાત-માહિતી મેળવવા સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે સવારે કંથારપૂર વડની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં આ કંથારપૂર મહાકાળી વડનો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રા-પ્રવાસન ધામ તરીકે અદ્યતન સુવિધા સાથે વિકાસ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ હેતુસર રૂપિયા ૬ કરોડના ખર્ચે પ્રથમ તબક્કાના વિકાસકામોમાં આ સ્થળે નયનરમ્ય લેન્ડ સ્કેપિંગ, ધ્યાનયોગ માટેની જગ્યાઓ, એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયા તેમ જ પાણીનો બોર, ઈલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ કામગીરી હાથ ધરી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે અધિકારીઓ સાથે કંથારપુર મહાકાળી વડ પહોંચ્યા હતા. તેમણે નિર્માણાધીન વિવિધ કાર્યોની વિગતો મેળવી હતી તેમ જ સાઈટ નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો પણ કર્યાં હતાં. કંથારપૂર વડ ૫૦૦ વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. તે મિનિ કબીર વડ તરીકે પણ ઓળખાય છે. અહીં વડ નીચે મહાકાળી માતાનું મંદિર આવેલું છે અને ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. એટલું જ નહીં, અડધા એકરથી વધારે જગ્યામાં પ્રસરેલી આ મહાકાય વડની વડવાઈઓ પણ પ્રકૃતિ-પર્યાવરણ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન આ સ્થળની મુલાકાત લઈ તેને યાત્રા-પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની નેમ દર્શાવી હતી.

ગાંધીનગરના ગિયોડ ગામની ઓચિંતી મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર : આજે સવારે કંથારપુર મહાકાળી વડની મુલાકાતે ગયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ તે પછી તુરંત જ નજીકમાં આવેલા ગીયોડ ગામની મુલાકાતે પહોચી ગયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી અને સહજતાનો અનુભવ ગાંધીનગર જિલ્લાના ગિયોડના ગ્રામજનોને મંગળવારે સવારે થયો હતો. ભૂપેન્દ્ર પટેલ કોઇ જ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ કે ગામમાં કોઇને પણ જાણ કર્યા વિના ગિયોડ ગામે પહોચ્યાં હતાં. તેમણે ગિયોડ ગામે પહોચીને ગામના વૃદ્ધો-વડીલોને ગામમાં સફાઇ, શાળા શિક્ષણ વગેરે અંગે સહજ પૂછપરછ કરી હતી.

ભૂપેન્દ્ર પટેલે ગિયોડ ગામના ભુલકાંઓ, બાળકો વચ્ચે જઇને ભૂપેન્દ્ર ‘દાદા’ તરીકેની તેમની છાપને આ બાળકો સાથે વ્હાલભર્યો સંવાદ કરીને વધુ ઉજળી બનાવી હતી. મુખ્યમંત્રી ગામની બહેનો-માતાઓને પણ મળ્યા હતા તેમણે ગ્રામજનો સાથે વાતચીત કરતા કરતા ચ્હા નો આસ્વાદ માણ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિર્ધારીત કાર્યક્રમ મુજબ કંથારપૂર મહાકાળી વડના યાત્રા-પ્રવાસન ધામ તરીકે થઇ રહેલા વિકાસ કામોના નિરીક્ષણ માટે મંગળવારે સવારે ગયા હતા. તેમણે ત્યાંથી આવતાં અચાનક જ પોતાના સલામતિ-સુરક્ષા અધિકારીઓને વાહનો ગિયોડ ગામમાં લઇ જવાની સૂચના આપી હતી અને કોઇ જ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ વિના સીધા ગિયોડ પહોચ્યા હતા. ગિયોડના ગ્રામજનો, બાળકોએ મુખ્યમંત્રીને પોતાના ગામમાં ઓચિંતા આવેલા જોઇને સુખદ આશ્ચર્ય અનુભવ્યુ હતું.
મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ પંકજકુમાર અને ગાંધીનગર જિલ્લા કલેક્ટર કુલદીપ આર્ય સહિત સીનીયર અધિકારીઓ પણ આ મુલાકાતમાં જોડાયાં હતાં.

Most Popular

To Top