Editorial

શિવસેનામાંથી બળવો કરનારા 16 ધારાસભ્ય માટે નિર્ણય લેવામાં સ્પીકર રાહુલ નાર્વેકરની કસોટી થઈ જશે

થોડા સમય પહેલા ‘કભી ખુશી કભી ગમ’ નામથી ફિલ્મ આવી હતી. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના રાજકારણમાં આપેલા ચૂકાદાને પગલે ‘કભી ખુશી કભી ગમ’નો માહોલ સર્જાયો છે. સુપ્રીમ કોર્ટેએ હાલની ભાજપ અને એકનાથ શિંદે જૂથને રાહત આપતો ચૂકાદો આપ્યો કે સરકાર યથાવત રહેશે, પરંતુ સાથે સાથે ઉદ્ધવ ઠાકરે દ્વારા ફ્લોર ટેસ્ટ પહેલા જ રાજીનામું આપી દેવામાં આવ્યું હોવાથી તેને ફરી મુખ્યમંત્રી બનાવવાનો ઈન્કાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ના તો ઉદ્દવ જુથને પુરી ખુશી મળી છે કે ના તો એકનાથ શિંદે જુથને. સુપ્રીમ કોર્ટનો આદેશ તો આવી ગયો પરંતુ હવે મામલો શિવસેનામાંથી બળવો કરીને એકનાથ શિંદે જુથ સાથે જોડાનાર 16 ધારાસભ્યનું શું થશે તેની પર અટકી ગયો છે. સુપ્રીમ કોર્ટે આ ધારાસભ્યો અંગે નિર્ણય લેવા માટે સ્પીકર યોગ્ય છે તેમ કહેતા આ 16 ધારાસભ્યનું ભાવિ સ્પીકર રાહુલ નાર્વેકરના હાથમાં આવી ગયું છે. રાહુલ નાર્વેકરની હવે એ જવાબદારી બની ગઈ છે કે આ 16 ધારાસભ્યને તેઓ બચાવે કે પછી ભારતીય બંધારણની 10મી અનુસૂચિ મુજબ પક્ષવિરોધી પ્રવૃત્તિ માટે આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવે.

આ આખી ઘટના એવી હતી કે શિવસેનાના નેતા અને મહારાષ્ટ્ર વિધાનસભાના તત્કાલિન સ્પીકર સુનિલ પ્રભુ ગેરહાજર હતા ત્યારે ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ દ્વારા ગત તા.23મી જૂન, 2022ના રોજ આ તમામ 16 ધારાસભ્યને ગેરલાયકની નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસની સામે આ ધારાસભ્યો દ્વારા ઉદ્દવ ઠાકરે સામે બળવો કરવામાં આવ્યો હતો. આ કારણે ઉદ્દવ ઠાકરેની પાર્ટીના વ્હીપ દ્વારા આ ધારાસભ્યો સામે ગેરલાયક ઠેરવવાની અરજી દાખલ કરવામાં આવી હતી.

જેની પર સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી કરીને નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો કે, આ કેસમાં એવા કોઈ અસાધારણ સંજોગો નથી કે જેના આધારે સુપ્રીમ કોર્ટ અયોગ્યતાની અરજી પર નિર્ણય લઈ શકે. આ ગેરલાયકાતની અરજીઓ પર નિર્ણય લેવાની સત્તા સ્પીકરને એ શરત સાથે સોંપવામાં આવી હતી કે સ્પીકરે વ્યાજબી સમયગાળામાં ગેરલાયકાતનો નિર્ણય લેવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે આપેલા આ આદેશનો અર્થ એવો થાય છે કે સ્પીકર દ્વારા બનતી ત્વરાએ આ અંગે નિર્ણય લેવામાં આવે. વિધાનસભાની મુદત પુરી થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂરીયાત નથી. સુપ્રીમ કોર્ટએ સ્પષ્ટપણે એવું પણ કહ્યું છે કે, સ્પીકરે તે સમયે એ જાણવાનો પ્રયાસ જ નથી કર્યો કે બેમાંથી કોની નિમણુંક રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે હવે રાહુલ નાર્વેકરે એ નક્કી કરવાનું છે કે વ્હીપની નિમણુંક કરનાર રાજકીય પક્ષ કોણ હતો? તે સમયે અસલી શિવસેના કોણ હતી? કારણ કે બાદમાં ચૂંટણી પંચ દ્વારા એકનાથ શિંદેના જૂથને અસલી શિવસેના ગણાવી દીધી છે. આમ તો રાહુલ નાર્વેકર ભાજપ અને એકનાથ શિંદે જુથ દ્વારા સ્પીકર તરીકે નિમવામાં આવ્યા હતા. તે સમયે શિવસેના અને મહાવિકાસ અઘાડીના ઉમેદવાર રાજન સાલ્વી રાહુલ નાર્વેકરની સામે ઉમેદવાર હતી. રાહુલ નાર્વેકરને 164 મત મળ્યા હતા. જ્યારે રાજનને 107 મત મળ્યા હતા.

હવે જ્યારે શિંદે જુથના 16 ધારાસભ્ય અંગેનો નિર્ણય રાહુલ નાર્વેકરે લેવાનો છે ત્યારે તેમના માટે આ મોટું ધર્મસંકટ છે. જો પક્ષની સાથે રહેવું હોય તો આ ધારાસભ્યોને લાયક ગણાવવા પડે અને જો સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પ્રમાણે ચાલવાનું હોય અને સત્ય શોધવાનું હોય તો આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પડે. કારણ કે તે સમયે શિવસેના ઉદ્દવ ઠાકરેની હતી. નહીં કે એકનાથ શિંદેની. તે સમયે એકનાથ શિંદેનું જુથ કોઈ રાજકીય પક્ષ નહોતું અને વ્હીપની નિમણુંક રાજકીય પક્ષ જ કરી શકે. કોઈ જુથ કરી શકે નહીં. આ 16 ધારાસભ્ય અંગેનો નિર્ણય રાહુલ નાર્વેકર માટે અઘરો છે. બની શકે કે રાહુલ નાર્વેકર વિધાનસભાની મુદત પુરી થાય ત્યાં આ અંગે કોઈ નિર્ણય નહીં લે. જોકે, આમ કરવાથી સુપ્રીમ કોર્ટ ખફા થઈ શકે છે. આ મામલો અત્યારે પત્યો નથી પરંતુ ફસાયેલો પેચ છે જેમાં અનેક વળાંકો આવશે તે નક્કી છે.

Most Popular

To Top