Columns

સૉરી ટકરભાઇ! સમૃદ્ધ રાષ્ટ્રને પાંગળા બનાવનારા અંગ્રેજોએ ભારતને આપ્યાં ગરીબી અને નિરક્ષરતા?

હજી ગયા મહિને જ અંગ્રેજોના સામ્રાજ્યવાદમાંથી છૂટવાને 75 વર્ષ પુરાં થયાંની આપણે ઉજવણી કરી. ક્વીન એલિઝાબેથ બીજાને ગુજરી ગયાને બે અઠવાડિયા થયા છે. આમ તો આ બન્ને ઘટનાઓને એકબીજા સાથે કંઇ લેવાદેવા નથી અને આમ જોવા જઇએ તો ચોક્કસ છે. ક્વીન એલિઝાબેથ બીજાનું મૃત્યુ થતાં આખી દુનિયાના અલગ અલગ ખુણેથી અંગ્રેજોએ પોતાની કૉલોનિઝ – એટલે કે જ્યાં પોતાના સામ્રાજ્યવાદની પકડ જમાવી હતી તેવા દેશો પર કરેલા દમનની ચર્ચાઓ છેડાઇ. શું ક્વીન એલિઝાબેથને પોતાનાં પૂર્વજોએ વર્તાવેલા કાળા કેર પ્રત્યે કોઇ પસ્તાવો હતો ખરો? એવા પ્રશ્નો સાથે આ વાતો શરૂ થઇ વળી કિંગ ચાર્લ્સે તેમના વડવાઓએ કરેલા જુલમો અંગે માફી માંગવી જોઇએ. આવા બધા ગણગણાટમાં USA ના ફોક્સ ન્યૂઝના એંકર ટકર કાર્લસને ટેલિવિઝન પર એમ કહ્યું કે, ‘જ્યારે અંગ્રેજોએ ભારત દેશ છોડ્યો ત્યારે તેમણે આખી એક સંસ્કૃતિ (સિવિલાઇઝેશન) ત્યાં મુકી.’ટકર કાર્લસન એવું ય બોલ્યા કે, “આઝાદીના 75 વર્ષ પછી પણ શું એ દેશે બોમ્બે ટ્રેન સ્ટેશન જેટલી અદ્ભૂત ઇમારત બનાવી છે ખરી, જે સામ્રાજ્યવાદી અંગ્રેજોએ બનાવી હતી? ના, દુઃખની વાત છે કે તેઓ એમ નથી કરી શક્યા.”

આ ન્યૂઝ એંકરના મત મજબુત અને શક્તિશાળી દેશ નબળા દેશો પર રાજ કરે જ, તેમનું દમન કરે જ પણ અંગ્રેજોએ જ્યારે સામ્રાજ્યવાદ ફેલાવ્યો ત્યારે તેમણે પોતાની સામ્રાજ્યવાદી જવાબદારીઓને બહુ નિષ્ઠાપૂર્વક અને એકદમ ગંભીરતાથી નિભાવી હતી. તેઓ માત્ર વસ્તુઓ લઇ નહોતા લેતા બલ્કે તેમણે જે તે દેશમાં વસ્તુઓ ઉમેરી પણ. જે રીતે અમે (USA) અફઘાનિસ્તાનમાંથી નિકળ્યા તો અમે એરસ્ટ્રીપ્સ, શસ્ત્રો અને બંદૂકો ત્યાં મુકી તે રીતે અંગ્રેજોએ ભારતમાં આખી સંસ્કૃતિ મુકી, ભાષા, કાયદાનું તંત્ર, શાળાઓ, ચર્ચ અને જાહેર ઇમારતો જેવું તમામ મૂક્યું અને તેનો આજે ય ઉપયોગ થઇ રહ્યો છે.


ટકર કાર્લસનની આ વીડિયો ક્લિપ વાઇરલ થઇ અને નેટિઝન્સે સોશ્યલ મીડિયા પર ભારે ગુસ્સો ઠાલવ્યો. શશી થરૂરે પણ ટ્વિટ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો. શશી થરૂરે પોતાનો ગુસ્સો જ્યારે કાબુમાં ન રહી શકે તેમ હોય ત્યારે તે વ્યક્ત કરવા માટે ટ્વિટર પર કોઇ ‘પ્રેસ બટન’હોવું જોઇએ એમ લખ્યું. અંગ્રેજોએ ભારત સાથે જે કર્યું છે તે સંદર્ભે તો શશી થરૂરે ઑક્સફોર્ડ યુનિયનમાં ૨૦૧૫માં જે વક્તવ્ય આપ્યું હતું તે ભારે ચર્યાયું હતું. તેમણે આ વક્તવ્યમાં કહ્યું હતું કે અંગ્રેજોએ ભારત અને તેમની પહેલાની કૉલોનીઝને વળતર આપવું જોઇએ.

શશી થરૂરના એ વક્તવ્યને લોકોએ વધાવ્યું હતું તો કેટલાકે તેમાં કોઇ તર્ક નથીના કારણો પણ ટાંક્યા હતા. ટૂંકમાં અંગ્રેજોની સામ્રાજ્યવાદી નીતિની વાહવાહી કરનારા અંગ્રેજો સિવાય આ એક ટકરભાઇ નિકળ્યા. તેમણે જે સામ્રાજ્યવાદી જવાબદારીઓ નિભાવનારા અંગ્રેજોની વાત કરી તેમાં એ ભૂલી ગયા કે આ જવાબદારીઓ અંગ્રેજોએ જાતે વહોરી હતી. તેમને કોઇએ પણ કહ્યું નહોતું કે આવો અને અમારા દેશને તમારો ગુલામ દેશ બનાવો, અહીં વ્યાપાર કરો, અહીંથી નાણું તમારા દેશમાં લઇ જાવ અને પછી તમને અહીં બધું પડાવી લેવામાં મદદરૂપ થાય એટલે સવલતો ખડી કરો! આ બધું તેમણે જાતે કર્યું હતું. ટકરભાઇને નિશાળમાં ઇતિહાસ બરાબર નહોતો ભણાવાયો એમાં એ કંઇપણ બોલીને વાઇરલ વીડિયોના પ્રણેતા થઇ બેઠા.

અંગ્રેજોએ ભારતને સંસ્કૃતિ આપી છે – વાળું વિધાન એટલી હદે પાયા વિહોણું છે કે એ કેમ વેતા વગરનું છે એની ચર્ચા કરવી પણ નિરર્થક છે. અંગ્રેજોએ ભારતને વિભાજન આપ્યું, રાજકીય ભેદભાવ ભર્યું તંત્ર આપ્યું અને જે રાજકીય તંત્ર હતું તેને વિખેરીને એક બિનજરૂરી અસ્થિરતા આપી. અંગ્રેજોએ આ બધું આપ્યું હતું કારણકે તેમ કરે તો જ તેઓ પોતાનું રાજ ચલાવી શકે તેમ હતા. ૧૭૫૭માં અંગ્રેજોએ ભારતીય રાજવીઓ વચ્ચે અંતર પેદા કરીને – ભાગલા પાડો અને રાજ કરોની નીતિ સુપેરે લાગુ કરવાની શરૂઆત કરી દીધી હતી પણ ૧૮૫૭ના વિપ્લવમાં તેમણે જ્યારે હિંદુ અને મુસલમાનોને ભેગા લડતા જોયા ત્યારે તેમને ફાળ પડી.

જો કે ત્યારે તેમને ખબર પડી કે આ સાથે મળીને લડનારાઓને એકબીજા સામે લડાવવામાં આપણો ફાયદો છે. અંગ્રેજ સમાજમાં વંશ-જાતિવાદ એટલે કે શ્રેણીઓના વિભાજન હતા અને તેમને ભારતમાં પણ એ જ જોવું હતું. લોકોની જાત-પાત, ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિને સમજવાના તેમના ધખારાને કારણે ભેદભાવ ઘટવાને બદલે વધ્યા. તેમની વસ્તી ગણતરી પણ ભાષા, સંપ્રદાય, જાતિ, ઉપ-જાતિ અને વર્ણને તફાવત પ્રમાણે થતી. લોકો જે પોતાને બીજાથી અલગ ન માનતા તેમનામાં ય આ ભેદભાવની ત્રિરાશીઓ મંડાતી થઇ કારણકે અંગ્રેજોએ જ એ બીજ વાવ્યાં. ભાગલામાં આપણા દેશનો ભોગ લેવાયો તે આપણાથી બહેતર કોણ જાણતું હશે ભલા!

વળી અંગ્રેજો ભલે એવો દેખાડો કરતા હોય કે તે લોકશાહીમાં માને છે પણ જ્યારે તેમણે ભારત પર રાજ કર્યું હતું ત્યારે તો ગ્રામીણ સ્તરે રહેલા સ્વ-સરકારના તંત્રને પણ તેમણે ખોરવી નાખ્યું હતું. અંગ્રેજોએ ખડાં કરેલા તંત્રમાં ન્યાય, મહેસૂલ અને વહીવટ હતા ખરા પણ તેમાં ક્યાંય ભારતીયોનો સમાવેશ નહોતો કરાયો. ગુલામ દેશના લોકોને ગુલામોની જેમ જ રખાતા. રંગભેદ તો તેમની પ્રકૃતિનો હિસ્સો હતો તો આધુનિક ભારતની વાત આવી ત્યારે રેલવે શરૂ કરવા માટે વાહવાહી મેળવી ચૂકેલા અંગ્રેજોએ રેલવેમાં એકેય ભારતીયોને નોકરીએ નહોતા રાખ્યા.

જે ભારતમાં અંગ્રેજો પ્રવેશ્યા તે એક સમૃદ્ધ સંસ્કૃતિ હતી અને માટે જ અંગ્રેજોએ અહીં ઘુસણખોરી કરીને રાજ કર્યું હતું. ભારતના સ્રોતોને ખાલી કરી પોતાના ગજવાં ભરનારા અંગ્રેજો જો આપણે માથે ન પડ્યા હોત તો આપણે આજે જે છીએ તેના કરતાં કંઇક ગણા આગળ હોત. પણ ટૂંકમાં કહીએ તો અંગ્રેજો જ્યાં પણ ગયા ત્યાં તેમણે જે કર્યું તે પોતાના સ્વાર્થ માટે કર્યું, તેનો લાભ જે-તે દેશના લોકોને મળે એવો તેમનો ઇરાદો હતો જ નહીં. અંગ્રેજોએ ભારતમાં જે કર્યું તેની વાતો ખૂટે તેમ નથી. શશી થરૂરના પુસ્તક ‘ઇન્ગ્લોરિયસ એમ્પાયર’માં રસપ્રદ વિગતો છે. ટકરભાઇની ક્લિપ વાઇરલ થઇ બીજા કોઇએ નહીં અને માર્ટિના નવરાતી લોવાએ તેમને શશી થરૂરનું આ પુસ્તક વાંચવાનું સૂચન પણ આપ્યું હતું.

Most Popular

To Top