Vadodara

પુત્રની સ્કૂલની ફી માંગતી પત્નીના હાથે ફ્રેકચર કરતો પતિ

વડોદરા: પુત્રની ફી માટે નાણાં માંગતી પત્નીની ઉપર ઉશ્કેરાયેલા પતિએ ગડદાપાટુનો માર મારીને હાથ મચકોડી નાંખતા ફ્રેકચર થઈ ગયો હતો. જે.પી. રોડ પોલીસે સ્ત્રી અત્યાચાર અને મારામારીનો ગુનો નોંધી હુમલાખોર પતિની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

મુજમહુડા પાસે વાસણા રોડ નજીક વ્રજવિહાર સોસાયટીમાં રહેતા હેમલતાબેને 19 વર્ષ પૂર્વે કુંદન મહાદેવ તિવરેકર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવનના બે વર્ષ બાદ પુત્ર જન્મ થયો હતો. કલરકામનો કોન્ટ્રાકટર પતિ ઘરખર્ચ માટે વારંવાર પત્નીને પિયરમાંથી નાણાં લઈ આવવા દબાણ કરતો હતો.

જેના કારણે દંપતિ વચ્ચે ગૃહકલેશ સર્જાતો હતો. લગ્નજીવનના પંદર વર્ષમાં પતિના પારાવાર શારીરિક માનસિકથી ત્રાહિમામ પોકારીને અનેક વખત પત્નીએ પતિ વિરૂધ્ધ પોલીસ અને કોર્ટ ફરિયાદ કરી હતી.

હાલમાં જ ધંધાના નાણાં આવ્યા હોવાથી પત્ની હેમલતાએ 12 માં ધોરણમાં અભ્યાસ કરતા પુત્રની ફી ભરવા નાણાં માંગ્યા હતા. બનાવના પગલે દંપતિ વચ્ચે તુ…તુ…મેં…મેં… માંથી તકરાર થતાં પતિએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પત્નીને ગડદાપાટુનો મૂઢ માર મારીને જમણો હાથ મચકોડી નાંખતા ફ્રેકચર થઈ ગયો હતો. આખરે ના છૂટકે અબળા નારીએ પતિને પાઠ ભણાવવા માટે કાનૂની પગલા લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, પતિ વારંવાર પત્નિને પયરમાંથી નાણાં લાવવા માટે શારીરીક અને માનસિક ત્રાસ આપતો હતો જેના કારણે અગાઉ ઘણી વાર પતિ સામે પત્નિએ ફરિયાદ પણ કરી હતી.

Most Popular

To Top