Editorial

ખાતરના ભાવ વધારા સામે લડી રહેલા ખેડૂતોને પડતા પર પાટુ


દેશમાં આઝાદીકાળથી એક નારો ચાલતો આવ્યો છે અને તે છે જય જવાન જય કિસાન. જો કે, કમનસીબીની વાત એ છે કે આ દેશમાં અત્યાર સુધી કોઇપણ સરકાર આવી પરંતુ નહીં તો દેશના જવાન ખુશ છે કે નહીં તો દેશના ખેડૂત. ખેડૂતોની જ વાત કરીએ તો તાજેતરમાં જ ખાતરોમાં જે ભાવ વધારો ઝીંકાયો છે, તેને ખેડૂતો કોઇકાળે ખમી શકે તેમ નથી. સતત વધતા જતાં પેટ્રોલ ડિઝલના ભાવ અને મજૂરીના કારણે ખેડૂતોની સ્થિતિ કેટલીક વખત તો એવી થાય છે કે, તેમનો માલ વેચવા માટે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ પડે છે. આવી સ્થિતિમાં તેમણે તેમનો ઊભો મોલ ઢોરને ખવડાવી દેવો પડે છે. તાજેતરમાં જ ખેડૂતો ખાતરમાં વધેલા ભાવ વધારા સામે લડત ચલાવી રહ્યાં છે. જો કે, આ લડત હજી રજૂઆતના સ્ટેજ પર જ છે પરંતુ આ ભાવવધારો ખેડૂતો કોઇ કાળે સહન કરી શકે તેમ નથી. ઇફ્કોએ ડીએપી ખાતરમાં ગુણ દીઠ 700 અને એએસપીમાં 375નો ભાવ વધારો કર્યો છે.

ડીએપીમાં જે ગુણ રૂપિયા 1200માં મળતી હતી તે હવે 1900માં મળતી થઇ ગઇ છે. જ્યારે એએસપીમાં જે ગુણ 975ની હતી તે હવે 1350 પર પહોંચી ગઇ છે. એનપીકે 16ની વાત કરીએ તો તેના ભાવ ગુણદીઠ 1185થી વધીને 1800 થઇ ગયા છે તો એનપીકે 26ની ગુણ 1175ને બદલે હવે 1775 રૂપિયામાં મળી રહી છે. આમ જે રીતે ખાતરમાં ભાવ વધારો થયો છે તેમાં ખેડૂતોને એક વીંઘા પર અંદાજીત 30 ટકા જેટલો ખર્ચ વધી ગયો છે. આ લડત ચાલતી હતી ત્યારે જ ગુજરાતમાં આવેલા વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી નાંખી છે. દક્ષિણ ગુજરાતની જ વાત કરીએ તો ખેડૂત અગ્રણીઓએ અહીં 500 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ માંડ્યો છે. સત્તાવારી રીતે ખેતીવાડી અધિકારી જ કહી રહ્યાં છે કે, સરકારના આદેશને પગલે ખેતીવાડી વિભાગની ટીમે ઓલપાડ, માંગરોળ, પલસાણા, ઉમરપાડા, સુરત સિટી, બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી સહિતના તાલુકાઓમાં પાક વાઇસ અસરગ્રસ્ત પાક અને તેના વિસ્તારનો પ્રાથમિક સર્વે કર્યો છે.

ડાંગર, શાકભાજી, કેળા, પપૈયા, કેરી, મગફળી, તલ, શેરડી, અડદ, મગ સહિતના પાકને અસર થઇ છે. 9 તાલુકા અને સિટી વિસ્તાર મળી 26,998 હેકટર જમીનમાં થયેલા વાવેતરને નુકસાન થયું છે. અંદાજીત 14577 હેકટર વિસ્તારમાં ખેતી, શાકભાજી, ફળફળાદીના પાકને પ્રાથમિક સર્વેમાં નુકસાન થયું છે. તાજેતરમાં જ પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના બંધ થઇ ગઇ છે ત્યારે કિસાન સહાય યોજના જ ખેડૂતો માટે એક માત્ર સહારો બચ્યો છે. આ યોજના હેઠળ પણ સરકાર વધુમાં વધુ બે હેક્ટર માટે જ સહાય ચૂકવે છે. ત્યારે 2 હેક્ટરની મર્યાદા પણ ઉઠી જવી જોઇએ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અપાતા ફંડમાંથી 25 ટકા અને રાજ્ય સરકારે એસડીઆરએફમાંથી 25 ટકા જેટલી રાહત આપવી જોઇએ તેવી માગ ખેડૂતો કરી રહ્યાં હતાં. તેની સામે ખેડૂતો માટે દાઝ્યા પર ડામ હોય તેમ આજે વડા પ્રધાને ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇને વાવાઝોડાંને કારણે થયેલા નુકસાન માટે ગુજરાતમાં 1000 કરોડની સહાયની જાહેરાત કરી છે.

જો કે, આ જાહેરાતમાં ઇન્ફ્રાસ્ટ્રકચરને થયેલું નુકસાન, મૃતકોને વળતર, ખાનગી મિલકતોને થયેલું વળતર અને ખેતીને થયેલું નુકસાન તમામનો સમાવેશ થઇ જાય છે ત્યારે તેમાંથી ખેડૂતોના હિસ્સામાં માંડ માંડ 200 કરોડની સહાય આવે તેમ જ છે. હવે જ્યારે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ ખેડૂતોને 500 કરોડની નુકસાનીનો અંદાજ છે ત્યારે આટલી નજીવી રકમથી ખેડૂતોને કોઇ જ લાભ થવાનો નથી તે સ્પષ્ટ બાબત છે. ત્યારે તાઉતે વાવાઝોડાને કુદરતી આફત ઘણી રાજ્ય અને કેન્દ્ર સરકારને રાહત પેકેજ જાહેર કરવા જોઇએ. કેન્દ્રની યોજનાના આપત્તિ ફંડમાંથી 25 ટકા કેન્દ્રએ અને 25 ટકા રાજ્ય સરકારે એસડીઆરએમ ફંડમાંથી રાહત આપવી જોઇએ. આ ઉપરાંત એડીઆરએફ હેઠળ કેન્દ્ર સરકાર 75 અને રાજ્ય સરકાર 25 ટકા સહાયની જાહેરાત કરવા જઇ રહી છે ત્યારે અહીં પણ ખેડૂતોને વિઘાં દીઠ માત્ર 1600 કે 1700ની જ સહાય મળી શકે તેમ છે આવા સંજોગોમાં ખેડૂતોએ રાતા પાણીએ રડવું પડશે તેમાં કોઇ બે મત નથી. આ ઉપરાંત આંબાવાડી અને ચીકુવાડીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે બાગાયતી ખેડૂતો માટે તો કોઇ જ સહાય જાહેર થવાની શક્યતા નથી.

Most Popular

To Top