Sports

તો શું સુરેશ રૈના ચેન્નાઈ સુપર કિંગ્સમાં ફરી એકવાર રમતા દેખાશે…

મુંબઈ: IPLની 15મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સમાં (CSK) સુરેશ રૈના (Suresh Raina) વાપસી કરી શકે છે. દીપક ચાહરના (Deepak Chahar) બહાર થયા બાદ તેના સ્થાને સુરેશ રૈનાને ટીમમાં સામેલ કરવા અંગે અટકળો ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરેશ રૈના સાથે આ અંગે વાતચીત ચાલી રહી છે. પરંતુ હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્ટાર ઓલરાઉન્ડર દીપક ચાહર ઈજાને કારણે આઈપીએલ 2022માંથી બહાર થઈ ગયો છે.

સુરેશ રૈના ગત સીઝન સુધી CSKનો ભાગ હતો પરંતુ આઈપીએલ 2022માં રૈનાને કોઈ ખરીદનાર નથી મળ્યો. ચેન્નઈએ પણ તેને રિટેન નહોતો કર્યો. આ સિવાય કોઈપણ ફ્રેન્ચાઈઝીએ હરાજીમાં તેને ખરીદવામાં રસ દાખવ્યો ન હતો. રૈનાની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી.

આઈપીએલમાં કોમેન્ટરી કરી રહેલા સુરેશ રૈના CSK સાથે ફરી જોડાઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અંબાતી રાયડુનું પ્રદર્શન આ સીઝનમાં નરમ રહ્યું છે. રાયડુએ રમાયેલી 5 મેચમાં 20.50ની એવરેજથી 82 રન બનાવ્યા છે. CSK અત્યારસુધીમાં 5 મેચમાંથી માત્ર એક જ મેચ જીતી શકી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ ફાસ્ટ બોલર દીપક ચાહર પર મોટો દાવ રમ્યો હતો. ફ્રેન્ચાઇઝીએ પેસરને 14 કરોડના ભારે ઇનામ સાથે ટીમમાં જોડ્યો હતો, પરંતુ તે ઇજાને કારણે ટુર્નામેન્ટમાં એક પણ મેચ રમી શક્યો ન હતો અને તે બહાર થઈ ગયો હતો. એવું માનવામાં આવી રહ્યું હતું કે તે IPL મેચની મધ્યમાં વાપસી કરશે પરંતુ નેશનલ ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ દરમિયાન ચાહરને વધુ ઈજા થઈ હતી, આવી સ્થિતિમાં તે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. ચેન્નાઈ હવે દીપક ચાહરના સ્થાને કોઈ ખેલાડીની શોધમાં છે અને એવું માનવામાં આવે છે કે સુરેશ રૈનાના જ આ આઈપીએલમાં રમી શકે છે. જો આ સમાચાર સાચા હશે તો સુરેશ રૈના અને એમએસ ધોનીની જય-વીરુની જોડી ફરી એકવાર મેદાન પર જોવા મળશે.

સુરેશ રૈનાએ CSK માટે 200 મેચ રમી છે અને 33.10ની અસરકારક સરેરાશથી 5529 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના નામે 2 સદી અને 38 અડધી સદી છે. બીજી તરફ એમએસ ધોનીના નામે 219 મેચમાં 4713 રન છે. તેણે 23 અડધી સદી ફટકારી છે. ધોનીએ આ સિઝન પહેલા જ કેપ્ટનશિપ છોડી દીધી હતી, જ્યારે રવિન્દ્ર જાડેજા હાલમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.

Most Popular

To Top