National

પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન દારૂના નશામાં ગુરુદ્વારામાં પ્રવેશ્યા, પોલીસ ફરિયાદ

ચંડીગઢ: પંજાબ(Punjab)નાં મુખ્યમંત્રી(CM) ભગવંત માન(Bhagvant Man)ને સત્તામાં આવ્યાને એક મહિનો જ થયો છે. ત્યાં તો તેમની સામે પોલીસ ફરિયાદ(Police complaint) નોંધાઈ ગઈ. આ પોલીસ ફરિયાદ નોંધાવી છે ભાજપનાં નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગા(Tajinder Pal Singh Bagga)એ ભાજપે ભગવંત માન પર આરોપ લગાવ્યો છે કે તેઓ નશાની હાલતમાં ગુરુદ્વારામાં પ્રવેશ્યા હતા. તેજિંદર પાલ સિંહે પંજાબ પોલીસ(Punjab Police)નાં મહાનિર્દેશકને આ મામલે કાર્યવાહી કરવા માટે વિંનતી પણ કરી હતી. તેજિંદર પાલ સિંહે ફરિયાદ કર્યાના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.

પંજાબની આમ આદમી પાર્ટી(AAP)ની સરકાર બની અને આજે એક મહિનો પૂરો રહ્યો છે. આ એક મહિનામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અનેક નિર્ણયો લીધા હતા. મુખ્યમંત્રી માને આજે 300 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી દીધી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં અરવિંદ કેજરીવાલે પંજાબના લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું જે વચન આજે તેમણે પુરુ કર્યું છે. આ ઉપરાંત અગાઉ તેઓએ ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવવા માટે એક વોટ્સઅપ નંબર જાહેર કર્યો હતો. જો કે આ વચ્ચે ભાજપનાં નેતાએ મુખ્યમંત્રી સામે ફરિયાદ નોંધાવી છે.

એસજીપીસીએ લગાવ્યો આરોપ
પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢમાં શીખ તીર્થસ્થળોના સંચાલન માટે જવાબદાર શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (એસજીપીસી)એ શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના નેતા ભગવંત સિંહ માન બૈસાખીના પ્રસંગે નશાની હાલતમાં 14 એપ્રિલના રોજ તખ્ત દમદામા સાહિબમાં પ્રવેશ્યા હતા. આ સંગઠને પંજાબના મુખ્યમંત્રી પાસે માફીની પણ માંગ કરી હતી.

મુખ્યમંત્રી શીખ સમુદાયની માફી માંગે
એસજીપીસીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રઘુજીત સિંહ વિર્કે જણાવ્યું હતું કે દારૂના પ્રભાવ હેઠળ મુખ્યમંત્રીએ શીખ સમુદાયના અત્યંત આદરણીય આધ્યાત્મિક સ્થળની મુલાકાત લીધી હતી અને શીખ રિલીફ મર્યાદા (આચારસંહિતા)નું ઉલ્લંઘન કર્યું હતું. એસજીપીસીએ સીએમ માનને પોતાની ભૂલ સ્વીકારવા અને સમગ્ર શીખ સમુદાયની માફી માંગવા કહ્યું છે.

તેજિંદર પાલ સિંહ સામે પણ નોંધાયો છે કેસ
પંજાબના મુખ્ય મંત્રી સામે ફરિયાદ નોંધાવનાર ભાજપના નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગા પણ ઘણી વાર વિવાદોમાં ફસાયેલા રહે છે. તેઓની સામે પણ કેસ નોંધાયો છે. તેજિન્દર પાલ સિંહ બગ્ગા પર આરોપ છે કે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને ધર્મ અને જાતિના આધારે સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે મોહાલીના સાયબર પોલીસ સ્ટેશનમાં તેજિંદર પાલ સિંહ સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે.

Most Popular

To Top