Entertainment

સિધ્ધાર્થની કેરિયર પર ‘શેર’ શાહ ભારી પડ્યો

સિધ્ધાર્થ મલ્હોત્રા અત્યારે ખાસ પ્રકારની તાણ અનુભવી રહ્યો છે અને તેનું કારણ ‘શેરશાહ’ ફિલ્મે તેને સફળતા અપાવી તે છે. એક મોટી સફળતા માટે દરેક કળાકાર રાહ જુએ છે અને તે જયારે મળે તો જવાબદારી બની જાય છે. એક સફળ ફિલ્મ પછીની ફિલ્મ પણ મોટી સફળ જાય તો લોકો માનવા લાગે છે કે પેલી સફળતા આકસ્મિક ન હતી, બલ્કે આ કળાકારમાં દમ હતો.  સિધ્ધાર્થ મલ્હોત્રાની ‘મિશન મજનુ’ રજૂ થઇ રહી છે.

આ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકે ‘શેરશાહ’થી ઊભી થયેલી ઇમેજને આગળ વધારવાનું શાણપણ દાખવ્યું છે અને  સિધ્ધાર્થ ‘મિશન મજનુ’માં રો એજન્ટ  બન્યો છે. આ ફિલ્મનું વધારાનું આકર્ષણ રશ્મિકા મંદાના પણ છે જે ‘પુષ્પા ધ રાઇઝ’ પછી લોકોના દિલમાં વસી છે. સિધ્ધાર્થ આ ફિલ્મમાં જાસૂસ બન્યો છે. અને તે માને છે કે આ ફિલ્મ સરસ રીતે લખાયેલી છે અને શાંતનું બાગચીરી દિગ્દર્શક તરીકે પહેલી જ ફિલ્મ છે છતાં સરસ રીતે ફિલ્મને જમાવી છે. સિધ્ધાર્થના પિતા મર્ચન્ટ નેવીમાં કેપ્ટન હતા એટલે લશ્કર અને લશ્કરના અધિકારીઓ કેવી રીતે કામ કરે તેનો અનુભવ છે.

સિધ્ધાર્થ હવે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની ઇમેજથી ઘણો આગળ ચાલી ગયો છે. અત્યાર સુધીની બાર ફિલ્મોને તે પોતાની ઇમેજ ઊભી કરવાની સ્ટ્રગલ તરીકે જુએ છે. તેને સમજાયું છે કે રોમેન્ટિક હળવા પાત્રોના બદલે ટફ અને દેશ પ્રેમ માટે જંગે ચડતા પાત્રમાં તે વધારે સ્વીકારાય છે. ‘શેરશાહ’એ તેની એકટિંગ સ્ટાઇલ અને સબ્જેકટની દિશા જ બદલી નાંખી છે, અલબત્ત, એક જ વિષય પર કે સ્ટાઇલમાં રહેવું જોખમી હોય છે એટલે તે બીજા પ્રકારની ફિલ્મો માટે પણ તૈયાર છે. તેની અજય દેવગણ, રકુલ પ્રીતસીંઘ સાથેની ‘થેન્ક ગોડ’ એક કોમેડી ફિલ્મ છે. કોમેડી આજકાલ બધા જ સ્ટાર્સ કરે છે તો તેમાં પાછળ ન રહી શકાય પણ ત્યાર પછી ‘યોદ્ધા’ છે તે એકશન થ્રીલર છે. અને તે કરણ જોહરની ફિલ્મ છે. ‘શેરશાહ’ના કારણે જ તેને ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ જેવી વેબસિરીઝ મળી છે જે આવતા વર્ષે પ્રેક્ષક સામે આવશે.

‘શેરશાહ’ એ તેને ‘શેર’ બનાવ્યો તે ઉપરાંત અંગત જીવનમાં કિયારા અડવાણી સાથે સંબંધ વિકસ્યા છે. ફિલ્મમાં સફળ જાવ પછી જ પૈસા ને પ્રેમિકા મળતી હોય છે એવું સિધ્ધાર્થને સમજાય રહ્યું છે. તે પોતાના કામ પ્રત્યે અને અંગત સંબંધી પ્રત્યે પણ વધુ ગંભીર બન્યો છે. કિયારા સાથેના સંબંધ વિશે જાહેરમાં તે બહુ વાત નથી કરતો. કિયારા સાથે તેણે બીજી ફિલ્મ પણ નથી લીધી કે જે કારણે લોકો તેમના સંબંધોને વધારે ચર્ચે. કિયારાની ‘ભુલભુલૈયા-2’ હમણાં જ રજૂ થઇ છે ને સફળ રહી છે અને હવે ‘મીશન મજનુ’ સફળ જશે તો સિધ્ધાર્થ મજનુ અને કિયારા તેની લયલા તરીકે વધારે નજરે ચડશે. •

Most Popular

To Top