Entertainment

શાબાશ મિઠ્ઠુ!

ક્રિકેટ ભારતીયોની સૌથી માનીતી રમત છે. અમે TNTV સ્કૂલમાં ભણતા ત્યારે રિસેસમાં અન્નપૂર્ણા હોટલના રેડીઓ પર કોમેન્ટ્રી સાંભળવા દોડી જતા! જો કે તે વખતે ક્રિકેટ શહેરી પૈસાપાત્ર લોકોને જ પરવડતી! એમાં મોટો બદલાવ આવ્યો 1983ના વર્લ્ડ કપ પછી. કપિલ્સ ડેવિલ્સ તરીકે ઓળખાયેલી ટીમની સફળતાથી રાષ્ટ્રીય રમત હોકીને હાંસિયામાં ધકેલી દઈ ક્રિકેટ સર્વેસર્વા બની ગઈ.

પણ તે છતાં તે સમયની વાત કરતી સારી ફિલ્મ 83, બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ. બીજી બધી રમતો અને મહિલાઓની રમતોની સ્થિતિ તો એથી પણ દયનીય કહી શકાય. મહિલા ક્રિકેટમાં એ બદલાવ લાવવામાં સૌથી મોટો ફાળો 21મી સદીમાં 15 વર્ષ કેપ્ટન રહેલી મિતાલી રાજનો કહી શકાય. મેરી કોમ અને એમ. એસ. ધોનીની જેમ મિતાલી રાજ પર પણ બાયોપિક બનાવવામાં આવી – ‘શાબાશ મિતુ’ પણ આ ફિલ્મ પણ બોક્સઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. જો કે એમાં વાંક ફિલ્મ બનાવનારનો વધુ છે!

દુનિયામાં મહિલા ક્રિકેટમાં સર્વાધિક રન બનાવનાર મિતાલીએ થોડા સમય પહેલાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તે પહેલાં બે મહિલા વર્લ્ડ કપમાં એની કપ્તાની હેઠળ ભારત ફાઇનલમાં પહોંચ્યું. વિઝડનનો અગ્રીમ મહિલા ક્રિકેટર એવોર્ડ વિજેતા અને ICC પ્રમાણે રમતની એક મહાન હસ્તી મિતાલીની આ બધી સફળતા ફિલ્મમાં સારી રીતે દર્શાવાઈ નથી. ફાઇનલ મેચમાં પણ રમતની રસાકસી 83, ચક દે ઇન્ડિયા કે કૌન પ્રવીણ તાંબે જેવી જોવા મળતી નથી. એક સમયે પુરુષોની ટીમના જૂના ટી-શર્ટ મોકલતી ક્રિકેટ બોર્ડ સામે લડતી મિતાલી કહે છે કે અમે અમારી ઓળખ જાતે બનાવશું પણ ફિલ્મ મિતાલીના સાથી કલાકારોની ઓળખ આપવાનું જ ભૂલી ગઈ છે. ફાઇનલની કલીપ સાચી મેચમાંથી ઉઠાવી છે જેમાં સ્મૃતિ મંધાના, કૌર કે ગોસ્વામીના નામ આવે ત્યારે થાય કે આ લોકોને ફિલ્મનો ભાગ તો બતાવ્યા જ નથી!

તાપસી પન્નુ મિતાલી તરીકે સારી છે પણ ફિલ્મમાં તેનો કોચ સંપત (વિજય રાઝ) તેને કહે છે કે તને બધું બહુ સહેલાઈથી મળી ગયું છે એમ એ મિતાલીની ફાઈટર ઇમેજ બનાવવામાં ઊણી ઊતરે છે. જો કે ફિલ્મનો સૌથી સરસ ભાગ એનો પહેલો કલાક કહી શકાય. એમાં નાનકડી મિઠ્ઠુ (ઇનાયત વર્મા) અને નૂરી (કસ્તુરી જંગમ) ની વાતો છે. મિઠ્ઠુ એક સારી ભરતનાટ્યમ ડાન્સર છે. ટોમબોય નૂરીને એની મા છોકરી જેવી બનાવવા એ ક્લાસમાં મૂકે છે. મિઠ્ઠુ નૂરીને ડાન્સ અને નૂરી મિઠ્ઠુને ક્રિકેટ શીખવે છે. નૂરી મિતાલીને સચિન અને પોતાને કામ્બલી કહે છે! એમને રમતા જોઈ કોચ સંપત એમને શીખવવાની જવાબદારી સ્વીકારે છે અને થોડી ક્રૂરતાથી મિતુને સારી ક્રિકેટર બનાવે છે. મિઠ્ઠુ અને નૂરી વચ્ચેની મિત્રતા અને નિર્દોષ મસ્તી મજાની છે. એ રીતે ઇનાયત તાપસી ઉપર છવાઈ જાય છે.

મિતાલીનાં છેલ્લાં વર્ષોમાં એ પોતાના રેકોર્ડ માટે જ રમે છે એવા આક્ષેપો થયા હતા. એના કોચ રમેશ પોવાર અને તેની અનુગામી કેપ્ટન હરમનપ્રિત કોર સાથેના સંબંધો પર પણ પ્રશ્નો હતા. આ બધું ફિલ્મનો ભાગ નથી. પણ એક વાત નિર્વિવાદ છે કે મિતાલીએ મહિલા ક્રિકેટને પોતાના હક્ક અપાવ્યા – મહિલા બોર્ડનું ભારતીય ક્રિકેટ બોર્ડમાં વિલીનીકરણ કરાવ્યું અને પુરુષ કોચ માટે આગ્રહ રાખ્યો. આજે આપણી મહિલા ટીમ પણ દુનિયામાં ડંકો જમાવે છે એને માટે આપણે ચોક્કસ જ આ મહિલા સચિનને કહી શકીએ. – શાબાશ મિઠ્ઠુ!

Most Popular

To Top