Business

ચેમ્બર પ્રથમવાર બાંગ્લાદેશમાં ટેક્સટાઇલની સમગ્ર ચેઇન માટે ‘ઇન્ડિયન ટેકસટાઇલ ટ્રેડ ફેર’ યોજશે

સુરત : ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCC) તથા સઘર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત આગામી તા. 11 થી 14 જાન્યુઆરી, 2023 દરમિયાન ઇન્ટરનેશનલ (International) કન્વેન્શન સિટી, (Convention City) વસુંધરા, ઢાકા, બાંગ્લાદેશ ખાતે પ્રથમવાર ‘ઇન્ડિયન ટેકસટાઇલ ટ્રેડ ફેર’નું આયોજન કરવામાં આવ્યું છે.ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ચેમ્બર દ્વારા સુરતના આંગણે જ બધા પ્રદર્શનો યોજાતા હતા, પરંતુ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને ગ્લોબલી પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી ગત વર્ષે પ્રથમ વખત દુબઇ અને યુએસએ ખાતે એક્ઝિબીશન યોજાયા હતા.

જેમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોનો દુબઇ તથા યુએસએના વેપારીઓ સાથે સીધો સંપર્ક થયો હતો. આથી ચેમ્બર દ્વારા આ વર્ષે બાંગ્લાદેશ ખાતે પણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની સમગ્ર ચેઇન માટે એક્ઝિબીશનનું આયોજન કરવાનું નકકી કરવામાં આવ્યું હતું.

એક્સપોર્ટ 40 બિલિયન સુધી લઇ જવા લક્ષ્યાંક રાખ્યો છે
બાંગ્લાદેશમાં રેડીમેડ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીનો જબરજસ્ત વિકાસ થયો છે. બાંગ્લાદેશનો વર્તમાન એક્સપોર્ટ 12 બિલિયન ડોલરનો છે. ત્યાંની સરકારે આ એક્સપોર્ટ 40 બિલિયન સુધી લઇ જવા લક્ષ્યાંક રાખ્યો છે. વિશ્વમાં સૌથી વધુ ગ્રીન ગારમેન્ટ ફેક્ટરીઓ બાંગ્લાદેશ ખાતે આવેલી છે. બાંગ્લાદેશ એ ગારમેન્ટ બનાવવા અને સોર્સિંગ માટેનું વૈશ્વિક હબ છે. બાંગ્લાદેશમાં આરએમજી ઇન્ડસ્ટ્રી સસ્ટેનેબલ કાપડના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર છે.

નીટવેર અને સ્વેટર જેવા વણાયેલા વસ્ત્રોનું એકસપોર્ટ થાય છે
આ ઉપરાંત બાંગ્લાદેશમાં 4000 હજારથી વધુ ફેક્ટરીઓ આવેલી છે. જ્યાંથી સાડી, ડ્રેસ મટિરિયલ્સ, સલવાર સ્યુટસ, બ્રાઈડલ વેર, ડિઝાઈનર વસ્ત્રો, ગાઉન્સ અને કુર્તીઓ, ઈન્ડો વેસ્ટર્ન વેર અને શર્ટસ, ટ્રાઉઝર, ટી શર્ટ, ડેનિમ, જેકેટ્સ જેવા કેઝ્યુઅલ વસ્ત્રો તથા નીટવેર અને સ્વેટર જેવા વણાયેલા વસ્ત્રોનું એકસપોર્ટ થાય છે. આ એક્ઝિબીશનમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો દ્વારા યાર્ન, સિન્થેટિક યાર્ન, મેન મેઇડ યાર્ન, મેન મેઇડ ફેબ્રિક્સ, સિન્થેટિક ફેબ્રિક્સ, નેચરલ એન્ડ બ્લેન્ડેડ ફાઇબર્સ, ફાઇન યાર્ન ડાયડ શર્ટીંગ, વુલ, પોલિએસ્ટર–વુલ અને પોલિએસ્ટર વિસ્કોસ સ્યુઇટીંગ, પ્યોર એન્ડ બ્લેન્ડેડ લિનન, ફાઇન હાય એન્ડ સિલ્ક્સ, ફેશન ડ્રેસ મટિરિયલ્સ, ડેનિમ, કોટન ટવીલ્સ એન્ડ ડ્રીલ્સ, ગારમેન્ટ્‌સ, એથનિક એન્ડ સ્પોર્ટસ વેર, નેરો ફેબ્રિક્સ, એસેસરીઝ વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.

એસેસરીઝના વેપારની બાંગ્લાદેશમાં સારી શક્યતા : ચેમ્બર પ્રમુખ
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાળાએ જણાવ્યું હતું કે અત્યારે બાંગ્લાદેશ સાથે સીધો કોઈ એક્સપોર્ટ નથી. કોલકાતાથી બોર્ડર પાસ કરી કાપડ ત્યાં પહોંચે છે સુરતમાં બનતા યાર્ન, ફેબ્રિક્સ, ગારમેન્ટ અને એસેસરીઝ માટે બાંગ્લાદેશમાં ખૂબ જ વિશાળ માર્કેટ છે. જ્યાં સુરતના વેપારીઓ સરળતાથી પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી શકશે. આ એક્ઝિબિશનમાં દક્ષિણ ગુજરાતના 110 જેટલા ટેક્સટાઇલ ઉદ્યોગકારો ભાગ લેશે અને પોતાની પ્રોડક્ટ રજૂ કરશે.

Most Popular

To Top