SURAT

સુરતની આ મિઠાઈની દુકાનોના ઘારીના માવાના સેમ્પલ ફેઈલ થયા, ખરીદતા પહેલાં..

સુરત: સુરત શહેરનો પોતીકો તહેવાર ચંદની પડવો નજીક આવી રહ્યો છે ત્યારે સુરત (Surat) મનપાનું (Smc) ફુડ વિભાગ સતર્ક થયું છે. છેલ્લા 2 દિવસથી ફુડ વિભાગ (Food Department) દ્વારા શહેરની વિવિધ સંસ્થાઓમાંથી માવાના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. સતત બીજા દિવસે 20 દુકાનોમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા, જે પૈકી 3 સંસ્થાના સેમ્પલો ફેઈલ થતા મનપા દ્વારા આ 3 સંસ્થાઓ ભાગળની ઓમ બંસી માવા ભંડાર, હરીપુરા તરટીયા હનુમાન શેરીની શંકરલાલ માવાવાલા, અને સોમેશ્વર ચાર રસ્તા પાસે લક્ષ્મી ડેરી એન્ડ સ્વીટ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે.

સુરત મનપાના ફુડ વિભાગે ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારમાં મીઠાઈની દુકાનોમાં ઘારીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. આજે બીજા દિવસે પણ શહેરની 20 મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 3 સંસ્થાઓના નમુના ફેઈલ થતા 180 કિલો દુધના માવાનો નાશ કરવામાં આવ્યો હતો.

ઘારી સહિત મીઠાઈના સેમ્પલ લેવાયા
ચંદની પડવાના તહેવારને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમ અલગ-અલગ ઝોનમાં આજે દરોડાની કામગીરી શરૂ કરી હતી. સુરેશ શહેરમાં કરોડો રૂપિયાની ઘારી આરોગવામાં આવતી હોય છે તેમજ અન્ય મીઠાઈઓ પણ હવે આવનાર દિવસોમાં તહેવારની શરૂઆત થશે તે પણ લોકો આરોગશે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય તેના માટે આરોગ્ય વિભાગ દ્વારા આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું છે અને અત્યારથી જ અલ- અલગ ઝોનમાં સેમ્પલો લેવાના શરૂ કરી દેવાયા છે.

મીઠાઈ અખાદ્ય જણાશે તો કોર્ટ કાર્યવાહી થશે
મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડી. ડી. ઠાકોરે જણાવ્યું હતું કે, આજે અલગ-અલગ ઝોનમાં કુલ 18 જેટલી ઘારી સહિતની મીઠાઈ બનાવતી સંસ્થાઓમાં દરોડા પાડવામાં આવ્યા છે. મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલ લીધા બાદ તેને ફૂડ લેબમાં તપાસ સાથે મોકલવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ તેમની સામે કોર્ટની તેમજ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘારી-મીઠાઈના નમૂનાઓ લેવાની કાર્યવાહી શરૂ
ઉલ્લેખનીય છે કે,આગામી દિવસોમાં આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સક્રિય થઈ ગયું છે. આજે સુરત શહેરના અલગ-અલગ ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘારી સહિતની મીઠાઈના નમૂનાઓ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેને લઈને મીઠાઈ વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો છે.

Most Popular

To Top