Dakshin Gujarat

24 કલાકમાં સોનગઢમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબકતા પાણી જ પાણી..

સુરત: સુરત (Surat) શહેર જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ગઈકાલે મંગળવારે સવારથી આજે બુધવાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. જેમાં સર્વાધિક વરસાદ સોનગઢ (Sonagadh) તાલુકામાં સાડા સાત ઈંચ અને ખેરગામમાં સાડા છ ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. જ્યારે લોકમાતાઓ પણ ભારે વરસાદને પગલે રમણે ચઢી હોવાનું જાણવા મળે છે.

દક્ષિણ ગુજરાતના વિવિધ ફ્લડ પ્રવક્તાના જણાવ્યા મુજબ, સુરત જિલ્લામાં બે દિવસથી અતિભારે વરસાદ વરસતા માંડવી, માંગરોળ, બારડોલી અને ઉમરપાડાના અનેક ગ્રામ્ય માર્ગો ઉપર પાણી ફરી વળતા સલામતીના કારણોસર ગતરોજ 22 જેટલા માર્ગો બંધ કરાયા હતા. જિલ્લામાં વરસેલા વરસાદ અંગે મીટ માંડવામાં આવે તો ઉમરપાડામાં પાંચ ઈંચ, ઓલપાડમાં 31 મીમી, કામરેજમાં ત્રણ ઈંચ, ચોર્યાસીમાં એક ઈંચથી વધુ, પલસાણામાં ત્રણ ઈંચ, બારડોલીમાં અઢી ઈંચ, મહુવામાં ત્રણ ઈંચથી વધુ, માંગરોળમાં અઢી ઈંચ, માંડવીમાં સાડા ત્રણ ઈંચ અને સુરત શહેરમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.

નવસારી જિલ્લામાં નવસારીમાં ચાર ઈંચ, ખેરગામમાં સાડા છ ઈંચ, ગણદેવીમાં 44 મીમી, ચીખલીમાં પાંચ ઈંચ, જલાલપો૨માં સાડા ત્રણ ઈંચ જ્યારે વાંસદામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ઝીંકાયો છે. એવી જ રીતે વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહેર વરસી છે. ઉમરગામમાં અઢી ઈંચથી વધુ, કપરાડામાં પાંચ ઈંચ, ધરમપુરમાં પાંચ ઈંચ, પારડીમાં પાંચ ઈંચ, વલસાડમાં સવા પાંચ ઈંચ જ્યારે વાપીમાં પોણા પાંચ ઈંચ વરસાદ ખાબકતા ફરી એકવાર સમગ્ર જિલ્લો વરસાદી પાણીથી તરબતર બની ગયો છે. વન્ય પ્રદેશ સમા હરિયાળી ધરાવતા ડાંગ જિલ્લામાં મેઘરાજા કાચું સોનું વરસાવી રહ્યા છે.

જિલ્લાના મુખ્ય મથક આહવામાં પોણા ચાર ઈંચ, વઘઈમાં અઢી ઈંચ, સુબીરમાં બે ઈંચ જ્યારે સાપુતારામાં પોણા બે ઈંચ વરસાદ ખાબકતા ગીરીમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી હતી. એવી જ રીતે તાપી જિલ્લામાં પણ ઉચ્છલમાં 29 મીમી, કુકરમુંડામાં એક ઈંચ, ડોલવણમાં સાડા ચાર ઈંચ, નિઝરમાં 29 મીમી, વ્યારામાં અઢી ઈંચ, વાલોડમાં અઢી ઈંચ જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રાજ્યની સરહદે આવેલા સોનગઢ તાલુકામાં મોડે મોડે વરૂણ દેવ કાચું સોનું વરસાવી રહ્યા હોય તેમ 189 મીમી એટલે કે સાડા સાત ઈંચ જળરાશી વરસાવતા નદી નાળા કોતરો છલકાઈ ઉઠ્યા છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આજે પણ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Most Popular

To Top