Columns

શેઠનો પસ્તાવો

એક પરમ દાનવીર શેઠ હતા.વેપાર બહોળો હતો અને અઢળક પૈસા કમાતા,શેઠ પૈસાથી શ્રીમંત હતા અને દિલથી પણ શ્રીમંત હતા.સતત તેઓ દાનની ગંગા વહાવતા રહેતા.મંદિરો માટે,શાળા અને હોસ્પિટલો બંધાવવા માટે શેઠે ઘણું દાન કર્યું કોઈ પણ માણસ કે સંસ્થા શેઠના દ્વારેથી ખાલી હાથે ન જતી.શેઠ સતત સમાજ ઉપયોગી સારા કામ કરતા. સાથે સાથે યજ્ઞ,રામકથા,ભાગવત કથા જેવા પ્રભુ ભક્તિનાં કામ પણ કરતા રહેતા.

શેઠની લક્ષ્મી સારાં કર્મોમાં વપરાતી એટલે વધુ ને વધુ શુદ્ધ થતી જતી હતી અને ઉત્તરોતર વધતી જતી હતી.શેઠના ખજાનામાં અઢળક હીરા મોતી અને રત્નો હતા;જેમાંથી અમુક રત્નો અમૂલ્ય હતા.આ રત્નો શેઠને ખૂબ જ પ્રિય હતા.શેઠ રોજ તિજોરી ખોલી રત્નો જોતા,રાજી થતા અને પછી કામે લાગતા.શેઠ રોજ એક સત્કર્મ તો કરતા જ.સતત થતાં આટલાં બધાં પુણ્યકર્મોથી શેઠ પુણ્યાત્મા તરીકે ઓળખાવા લાગ્યા. ચિત્રગુપ્તે કહ્યું, ‘પ્રભુ, મારા ચોપડામાં હવે શેઠનાં પુણ્ય કર્મો લખવા માટે જગ્યા નથી રહી અને તેમનાં પુણ્યકર્મો રોજ વધતાં જ રહે છે.મારા મતે તો આપના દર્શન તેમને કરાવવાનો સમય થઈ ગયો છે.’ભગવાન હસ્યા અને બોલ્યા, ‘તમારી ઈચ્છા હોય તો જાવ તેમને લઇ આવો, પણ હું કહું છું હજી સમય નથી થયો.’

ચિત્રગુપ્ત શેઠને લેવા પૃથ્વી પર ગયા અને શેઠને કહ્યું, ‘શેઠજી તમારા દાનને ધર્મને કારણે મારા ચોપડામાં તમારું પુણ્ય એટલું બધું જમા થયું છે કે હું તમને સદેહે પ્રભુધામમાં લઇ જવા માટે આવ્યો છું.ચાલો મારી સાથે..’શેઠ ખુશ થઇ ગયા અને ચિત્રગુપ્તને નમન કરી બોલ્યા, અબઘડી આવ્યો અને તેઓ તિજોરી પાસે ગયા, ચાવીથી તિજોરી ખોલી,પેલા તેમને પ્રિય એવાં અમૂલ્ય રત્નો સાથે લીધા અને ચાવી દીકરાને સોંપી,ચિત્રગુપ્ત પાસે આવ્યા અને બોલ્યા, ‘ચાલો..’ ચિત્રગુપ્તે જાણી લીધું કે હજી શેઠને પેલા રત્નોની માયા છૂટી નથી એટલે જ પ્રભુ કહેતા હશે કે હજી સમય થયો નથી.પણ એક ઉપાય રૂપે ચિત્રગુપ્તે સમુદ્ર માર્ગ પરથી પસાર થતી વખતે એવી માયા રચી કે શેઠની કમરે ખોસેલો અમૂલ્ય રત્ન ભરેલો બટવો સમુદ્રમાં પડી ગયો.શેઠ બૂમો પાડવા લાગ્યા, ‘મારા રત્નો …મારા અમૂલ્ય રત્નો …હવે દરિયામાંથી કઈ રીતે મળશે.’માથે હાથ દઈ રડવા લાગ્યા.

ચિત્રગુપ્તે કહ્યું, ‘શેઠ, આ રત્નોના મોહમાં તમારું સઘળું પુણ્યફળ બળી ગયું.તમને પ્રભુદર્શન અને પ્રભુધામ લઇ જવા આવ્યો હતો અને તમે આ રત્નોનો મોહ ન છોડી શક્યા.આ એક મોહને લીધે તમારે ફરી પૃથ્વી પર રહીને પુણ્ય કમાવું પડશે.’શેઠને પારાવાર પસ્તાવો થયો. પુણ્ય પણ ગયું અને રત્નો પણ ……અચાનક શેઠની આંખો ખુલી સમજાયું કે આ પ્રભુનો સંદેશ આપતું સપનું હતું.શેઠે તિજોરી ખોલી રત્ન છેલ્લી વાર જોયા અને રત્નોનો મોહ ત્યાગી દાનમાં આપવાનું શરૂ કરી દીધું.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top