Business

સપ્તાહના પહેલાં દિવસે શેરબજારમાં તેજી, આ શેર્સના રોકાણકારોને થયો મોટો ફાયદો

મુંબઈ (Mumbai) : સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે આજે તા. 1 ઓગસ્ટ 2022ના રોજ ભારતીય શેરબજારમાં (Sensex) જોરદાર ઉછાળો જોવા મળ્યો. ઓટો શેરોમાં (Auto Shares) આવેલા ઉછાળાને પગલે BSE સેન્સેક્સ ઇન્ડેક્સ 500 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી પણ મજબૂત વેગ સાથે ટ્રેડ થયો છે. સોમવારે શેરબજારમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સના (Tata Motors) શેરધારકોને સૌથી વધુ ફાયદો થયો છે.

પ્રથમ દિવસે શેરબજાર ઊંચકાયું
ભારતીય શેરબજારમાં સતત ત્રીજા સપ્તાહે તેજી રહી હતી. સોમવાર, 1 ઓગસ્ટના રોજ, બજારના બંને સૂચકાંકો વધારા સાથે લીલા નિશાન પર ખુલ્યા. સવારે 9:18 વાગ્યે, સેન્સેક્સ 81.70 પોઈન્ટ (0.14%) વધીને 57651.95 પર હતો, જ્યારે નિફ્ટી 29.70 પોઈન્ટ (0.17%) વધીને 17,188 પર ખુલ્યો હતો. દિવસભરના કારોબાર બાદ અંતે સેન્સેક્સ 545 પોઈન્ટના વધારા સાથે 58,115 પર બંધ થયો હતો. નિફ્ટીએ પણ તેની ગતિ જાળવી રાખી હતી અને અંતે 182 પોઈન્ટના ઉછાળા સાથે 17,340ની સપાટીએ બંધ રહ્યો હતો.

ટાટા મોટર્સને સૌથી વધુ ફાયદો
ઓગસ્ટના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ટાટા ગ્રૂપની ટાટા મોટર્સને સૌથી વધુ ફાયદો થયો હતો. તેનો શેર 6.58 ટકા વધીને રૂ. 479.20 પર પહોંચ્યો હતો. તે પછી આનંદ મહિન્દ્રાની આગેવાની હેઠળની M&M બીજા નંબરે સૌથી વધુ નફો કરતી હતી. તેના શેરમાં 6.02 ટકાનો વધારો થયો અને શેરની કિંમત રૂ. 1,234.50 પર પહોંચી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની તાજેતરમાં લૉન્ચ થયેલી સ્કોર્પિયો એનને જબરદસ્ત બુકિંગ મળી રહ્યું હતું, જેની અસર કંપનીના શેર પર જોવા મળી હતી.

આ શેરોમાં જોરદાર ઉછાળો
ટ્રેડિંગના અંતે, ટાટા મોટર્સ, એમએન્ડએમ, અદાણી પોર્ટ્સ, ઓએનજીસી અને યુપીએલ નિફ્ટી પર મુખ્ય ગેનર્સમાં હતા. ઘટતા શેરો વિશે વાત કરીએ તો, સન ફાર્મા, HDFC લાઇફ, HUL, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને ડિવિસ લેબ્સનો સમાવેશ થાય છે. સોમવારે મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો ઓટો, પાવર અને ઓઇલ અને ગેસ સૂચકાંકોમાં 2 થી 3 ટકાનો વધારો થયો હતો અને આ સાથે તમામ ક્ષેત્રીય સૂચકાંકો સકારાત્મક નોંધ પર બંધ થયા હતા. આ સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 1-1 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.

Most Popular

To Top