Comments

રાષ્ટ્રદ્રોહ ગુનો છે, પણ ગમે તેવો ગુનો રાષ્ટ્રદ્રોહ નથી

રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રદ્રોહની પરિસીમાનો વ્યાપ બહોળો હોય છે. રાષ્ટ્રદ્રોહ એ ગુનો છે, પણ ગમે તેવો ગુનો રાષ્ટ્રદ્રોહ નથી એ સમજી લેવું જરૂરી છે. દેશની બેન્કોનાં નાણાંની ઉચાપત કરીને વિદેશમાં સ્થાયી થઈ જનાર વ્યક્તિને રાષ્ટ્રદ્રોહીની શ્રેણીમાં મૂકવી કે નહીં? સ્થાનિક ધોરણે ટ્રાફિકના નિયમના ભંગ બદલ થયેલો દંડ ભરવાને બદલે ‘બારોબાર વહીવટ’પતાવી દેવાની ‘આવડત’ને કઈ શ્રેણીમાં મૂકવી? આ બે અંતિમ વચ્ચે બીજી અનેક બાબતો છે, જે દેખીતી રીતે રાષ્ટ્રદ્રોહ નથી. રાષ્ટ્ર વિરુદ્ધની, રાષ્ટ્રની શાંતિનો ભંગ થાય એવી પ્રવૃત્તિ સામાન્ય રીતે રાષ્ટ્રદ્રોહની શ્રેણીમાં આવે છે.

રાષ્ટ્રભક્તિની અનેક રંગછટાઓ હોય છે. પોતાના રાષ્ટ્રના કાનૂનને માન આપવું, અને તેનું પાલન કરવું એ નાગરિક ધર્મની બાબત છે. રાષ્ટ્રભક્તિને આપણે સૈન્ય માટે અનામત રાખી છે. આઝાદીનો અમૃત મહોત્સવ આનંદ અને ઉજવણીનો અવસર છે. ‘હર ઘર ત્રિરંગા’અભિયાન અંતર્ગત તેને રાષ્ટ્રભક્તિનો અવસર બનાવવાનો પ્રયત્ન પૂરજોશમાં ચાલી રહ્યો છે, પણ એથી આગળ વધીને આ ‘અભિયાન’માં જોડાવા ન ઈચ્છનારને ‘રાષ્ટ્રદ્રોહ’ગણવા સુધી વાત પહોંચે એ જરા વધુ પડતું લાગે છે! અલબત્ત, આવું કોઈ અધિકૃત ફરમાન નથી, પણ ઘણી બધી બાબતો અધિકૃત ફરમાનની મોહતાજ હોતી કે રહેતી નથી.

નાગરિક તરીકે કેવળ અમુક દેશમાં જન્મ લેવાને આપણે ‘ગૌરવ’નો મુદ્દો બનાવી દીધો છે. ક્યાં જન્મ લેવો એ કોઈના હાથની નહીં, કેવળ સંયોગોની વાત છે! ‘રાષ્ટ્રગૌરવ’ખરેખર તો પોતાના રાષ્ટ્રના કાનૂનનો આદર અને તેનું નીતિમત્તાપૂર્વક પાલન કરવામાં છે. પણ આવી તુચ્છ બાબતને આપણે રાષ્ટ્રગૌરવથી અળગી રાખી છે, જેથી આપણી ‘રાષ્ટ્રગૌરવ’ની ભાવના અકબંધ રહી શકે. વિદેશી નાગરિકત્વ મેળવીને સ્વદેશ માટે અનુભવાતી ‘રાષ્ટ્રગૌરવ’ની ભાવનાની પણ અલાયદી મજા હોય છે. હમણાં એક કિસ્સો સમાચાર માધ્યમોમાં પ્રકાશમાં આવ્યો. અમેરિકન સત્તાતંત્રની વિનંતીથી મહેસાણા જિલ્લાની પોલીસે આદરેલી તપાસમાં એક કૌભાંડ બહાર આવ્યું છે.

શી રીતે તેના સુધી રેલો પહોંચ્યો એ જાણીને નવાઈ લાગે એમ છે. જો કે, હવે એની પણ નવાઈ રહી નથી. કેનેડા તરફથી અમેરિકાની સરહદમાં પ્રવેશતા છ ગુજરાતી યુવકો પકડાયા. એ પૈકીના ચાર મહેસાણાના, એક ગાંધીનગર અને એક પાટણનો હતો. તેમને અમેરિકન અદાલતમાં રજૂ કરવામાં આવ્યા અને તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યા. પ્રશ્નો સ્વાભાવિકપણે જ અંગ્રેજીમાં પૂછાયેલા હતા, પણ એના જવાબ આપવા માટે હિન્દી દુભાષિયાની સેવા લેવી પડી. આ કારણે વધુ તપાસ કરતાં જણાયું કે આ વિદ્યાર્થીઓએ ‘આઈ.ઈ.એલ.ટી.એસ.’ની પરીક્ષામાં સાડા છ થી સાત બેન્ડ પ્રાપ્ત કર્યા હતા. ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, ન્યુઝીલેન્ડ જેવા અંગ્રેજીભાષી રાષ્ટ્રોમાં અભ્યાસ કે વસવાટ માટે જનારાઓ અંગ્રેજી વાંચી, બોલી, લખી અને સાંભળી શકવાની આવડત કેળવી શકે એ માટે ‘ઈન્ટરનેશનલ ઈન્ગ્લીશ લેન્ગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ’(આઈ.ઈ.એલ.ટી.એસ.) તૈયાર કરાયેલી છે, જેના ગુણ એટલે કે બેન્ડ એકથી નવના માપદંડ પર આપવામાં આવે છે.

પકડાયેલા તમામ યુવકોના બેન્ડ અનુસાર તેમની અંગ્રેજી પ્રત્યાયનની આવડત સારી કહી શકાય એવી હતી, છતાં તેમને અંગ્રેજી વ્યવહાર ન ફાવ્યો એટલે અદાલતને આમાં કશુંક રંધાયું હોવાની ગંધ આવી. એ રીતે મુંબઈસ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલે મહેસાણા પોલીસને તપાસ માટે વિનંતી કરીને કઈ એજન્સી દ્વારા આ પરીક્ષા લેવામાં આવી હતી એ શોધવા જણાવ્યું. તેજસ્વી વિદ્યાર્થીઓને પણ આ પરીક્ષામાં પાંચથી છ બેન્ડ મેળવતાં મુશ્કેલી પડે છે એ હકીકત સામાન્ય રીતે સૌ જાણતા હોય છે. આથી મહેસાણા પોલીસે તપાસ આદરતાં જણાયું કે મહેસાણાના ચાર વિદ્યાર્થીઓએ નવસારીના એક કેન્દ્રમાં આ પરીક્ષા આપી હતી અને સ્ટુડન્ટ વીઝા પર કેનેડા ગયા હતા. નવસારીના જે પરીક્ષાખંડમાં આ પરીક્ષા યોજાઈ તેના સી.સી.ટી.વી. કેમેરા પરીક્ષા અગાઉ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ હરકત શંકાસ્પદ હતી. પરીક્ષા લેવા માટેની અધિકૃત એજન્સી અમદાવાદની હતી.

નવસારી ઉપરાંત રાજકોટ, વડોદરા, મહેસાણા, અમદાવાદ, આણંદ, નડિયાદ- એમ ગુજરાતનાં કુલ સાત કેન્દ્રો આ કિસ્સાને પગલે શંકાના દાયરામાં આવી ગયાં છે. પ્રાથમિક તપાસમાં લગભગ ૯૫૦ લોકો ખોટી રીતે આ પરીક્ષામાં સારા બેન્ડ મેળવીને કેનેડા કે અમેરિકા જઈ વસ્યાં હોવાનો અંદાજ છે. એ હકીકત સામે આંખમીંચામણાં કરી શકાય એમ નથી કે હવે આપણા દેશનું મોટા ભાગનું યુવાધન યેનકેન પ્રકારેણ વિદેશમાં સ્થાયી થવા ઈચ્છે છે. સાવ અજાણ્યા મુલકમાં કશી મૂડી વિના જવું અને વસવું બહુ મુશ્કેલ હોય છે અને ત્યાં ગયા પછી આકરો સંઘર્ષ કરવો પડતો હોય છે એ ત્યાં જવા ઈચ્છનાર સહુ જાણે છે, એટલું જ નહીં, એ માટે માનસિક રીતે સજ્જ પણ હોય છે. શા માટે આવી સ્થિતિ સર્જાઈ રહી છે એ વિશે પણ ભાગ્યે જ બેમત હશે. આપણા દેશના શિક્ષણની સતત કથળતી જતી સ્થિતિ અને સંકોચાતી જતી રોજગારીની તકો આ માટેનાં સૌથી સામાન્ય કારણ હશે. આ સિવાયનાં બીજાં પણ અનેક હશે.

શું આ અને આવી અનેક બાબતો રાષ્ટ્રગૌરવ સાથે સંકળાયેલી નથી? આપણા રાષ્ટ્રના ‘વૈવિધ્યપૂર્ણ વારસા’ને જાળવી રાખવાનો પ્રયત્ન કરવાની દિશામાં આપણે એકે ડગલું ભર્યું ખરું? કે પછી ચોક્કસ જાતિ, ધર્મ, નગર કે રાષ્ટ્રમાં જન્મ્યા હોવા માત્રને જ ગૌરવ માની લીધું? પોતાને ઘેર ત્રિરંગો ફરકાવીને ભારતીય હોવાનું ગૌરવ લેવામાં કશો વાંધો નથી, પણ કેવળ એટલામાં ઈતિશ્રી માની લેવી એ રાષ્ટ્રદ્રોહ નહીં, રાષ્ટ્રનું અપમાન જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top