Entertainment

અનુ કપૂર ‘ક્રેશ કોર્સ’ વડે કોચિંગ કલાસની પોલ ખોલશે

અનુ કપૂર ફિલ્મોમાં સફળ ન ગયા પણ ટી.વી. શો પર તેઓ ખૂબ ચાલ્યા. ફિલ્મોમાં શ્યામ બેનેગલ જેવાની ‘મંડી’ યા ગિરીશ કાર્નાડની ‘ઉત્સવ’, રાહુલ રવૈલની ‘બેતાબ’, ‘અર્જૂન’, પ્રકાશ ઝાની ‘દામુલ’ યા શેખર કપૂરની ‘મિ. ઇન્ડિયા’ વગેરેમાં આવ્યા પણ અનુપમ ખેર, ઓમપુરીની જેમ મનોરંજક ફિલ્મોના કાયમી હિસ્સા બની ન શકયા. જોકે તે વખતથી જ તેઓ ટી.વી. સિરીયલોમાં કામ કરવા માંડેલા અને ‘એક નયા મોડ’, ‘દર્પણ’, ‘પરમ વીર ચક્ર’, ખીલા કા રહસ્ય’, ‘ફકીચર’, ‘અજનબી’, ‘કબીર’, ‘કરામતી’, ‘ગુબ્બારે’ વગેરે ટી.વી. સિરીયલો આવી પણ તે વધારે જાણીતા થયા ‘અંતાક્ષરી’થી. ૧૯૯૩ થી ૨૦૦૭ સુધી આ શો લોકોએ માણ્યો તેમાં અનુ કપૂરનું સિનેમા સંગીત વિશેનું જ્ઞાન ખૂબ જવાબદાર હતું. આજે પણ લોકો તેમને આ માટે યાદ કરે છે. તેઓ ફિલ્મોમાં કામ તો કરતા રહે છે પણ ચર્ચામાં હંમેશ નથી આવતા.

તેમનું વલણ ફરીથી ટી.વી. સિરીયલો તરફ છે અને તે કોઇ શોના સંચાલક તરીકે નહીં, અભિનેતા તરીકે સક્રિય છે. ૨૦૧૮-૧૯ માં તેઓ ‘હોમ’ નામની સિરીઝમાં આવેલા આવેલા જેમાં તેમની સાથેગ સુપ્રિયા પિલગાંવકર હતા. પરિક્ષીત સાહનીને હિમાની શિવપુરી વગેરે પણ હતા. હમણાં બે વર્ષ પહેલાં ‘પૌરસપૂર’ માં તેઓ શિલ્પા શીંદે, મિલીંદ સોમણ સાથે દેખાયેલા જેમાં પુરુષના વર્ચસ્વ વાળા રાજની વાત હતી. અનુ કપૂરે તેમાં ભદ્રપ્રતાપની ભૂમિકા બખૂબી ભજવેલી. હવે તેમની ‘ક્રેશ કોર્સ’ નામની સિરીઝ પ્રાઇમ વિડીયો પર શરૂ થઇ છે.

જેમાં બે કોચિંગ ઇન્સ્ટિટયુટ અને તેમની વચ્ચેની લડાલડીની વાત છે. કોચીંગના નામે શું ચાલી રહ્યું છે તેનો ભાંડાફોડ આ સિરીઝમાં જોવા મળશે. અનુકપૂર આ સિરીઝમાં રત્નરાજ જિંદાલની મુખ્ય ભૂમિકા ભજવશે અને તે ઉપરાંત ભાનુ ઉદય, ઉદિત અરોરા, અનુષ્કા કૌશિક, હેતલ ગડા વગેરે કામ કરી રહ્યા છે. આ પ્રકારનો વિષય ‘કોટા ફેકટ્રી’માં આવી ચૂકયો છે એટલે શું નવું જોવા મળે તેની પ્રતિક્ષા રહેશે. અત્યારે ‘સબ મોહ માયા હે’ નામની ફિલ્મમાં કામ કરી રહેલા અનુ કપૂર કહે છે કે એક જ વિષય ભલે હોય પણ અલગ અભિગમ હોય તો વાત બદલાઇ જતી હોય છે. ‘અનારકલી’માં સલીમ-અનારકલીની વાત હતી અને ‘મુગલ-એ-આઝમ’માં પણ એ જ કહાણી હતી પરંતુ ફરક પડી ગયેલો. ‘ક્રેશ કોર્સ’ નિમિત્તે અનેક સ્ટોરીઓ સામે આવશે જેની નાટકીયતા અને આઘાતક વાસ્તવિકતા પ્રેક્ષકોને ચકિત કરશે.

Most Popular

To Top