Dakshin Gujarat

ઋતુ ચક્રનો ત્રિવેણી સંગમ: ડાંગમાં કમોસમી વરસાદ તો સુરતમાં કાળઝાળ ગરમીથી લોકો બેહાલ

સાપુતારા : ડાંગ જિલ્લામાં આજરોજ અચાનક વાતાવરણનાં પલટા બાદ કમોસમી વરસાદનાં અમીછાટણા પડતા સમગ્ર પંથકોનાં વાતાવરણમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં બુધવારે અચાનક વાતાવરણમાં પલટો આવી જતા ઋતુચક્રનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગામડાઓમાં બુધવારે બપોરનાં અરસામાં વાદળછાયુ વાતાવરણનાં ઘેરાવામાં અચાનક કમોસમી વરસાદનાં અમીછાટણા પડતા સર્વત પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી.

આહવા પંથકમાં કમોસમી વરસાદનાં છાટા બાદ હળવો તડકો પડતા વાતાવરણ બેવડાયુ હતુ. ડાંગ જિલ્લામાં હાલમાં માર્ચ મહિનાની શરૂઆતમાં ડાંગી ખેડૂતોનાં આંબાનાં વૃક્ષ પર આમ્રમંજરી પુરજોશમાં ખીલી ઉઠી છે. તેવામાં એકાએક વાતાવરણનાં પલટાનાં પગલે ખેડૂતો પણ દ્વિધામાં મુકાઈ જવા પામ્યા છે. બુધવારે ડાંગ જિલ્લાનાં વઘઇ અને ગિરિમથક સાપુતારામાં મધ્યમ તડકો નોંધાયો હતો

સુરતમાં ૩૬ ડીગ્રી તાપમાન સાથે ઉનાળાનો પ્રારંભ
સુરત શહેરમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીને પાર કરતાં કાળઝાળ ગરમી અનુભવાઇ હતી. જ્યારે લઘુત્તમ તાપમાન એક ડિગ્રી ઘટીને ૧૯.૨ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવે શહેરમાં માર્ચની શરૂઆત સાથે જ ગરમીનો પણ પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા એક અઠવાડિયાથી તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. ગયા અઠવાડિયે તો જમ્મુ કશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી હિમવર્ષા થઇ હતી. આબોહવાકીય ફેરફારની સાથે તેની આંશિક અસર જોવા મળી હતી.

આજે મહત્તમ તાપમાન અડધો ડિગ્રી વધીને ૩૬.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન એક ડિગ્રી ઘટીને ૧૯.૨ ડિગ્રી નોંધાયું છે. આજે દિવસભર હવામાન ૩૪ ટકા ભેજની સાથે છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પૂર્વનો પવન ફુંકાયો હતો. શહેરમાં હવે માર્ચ મહિનો લોકો માટે વધુ આકરો બનશે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ચોમાસાએ અનેક રેકોર્ડ બ્રેક કર્યા બાદ શિયાળાએ પણ રેકોર્ડ બ્રેક રહ્યું હતું. જેને કારણે હવામાન વિભાગે ચાલુ વર્ષે ગરમીનો પારો પણ રેકોર્ડ બ્રેક કરે તેવી આગાહી કરી છે

Most Popular

To Top