Madhya Gujarat

વડોદમાં પાડોશીએ બાળકને લઇ જઇ નદીમાં ડૂબાડી હત્યા કરી

આણંદ : આણંદના વડોદ ગામે માત્ર આઠ વર્ષના બાળકને પડોશી બાઇક પર લઇ ગયાં બાદ તેને મહીસાગર નદીમાં ડૂબાડી હત્યા કરી નાંખવાના બનાવથી ચકચાર મચી ગઈ છે. આ અંગે વાસદ પોલીસે વિવિધ પાસા તપાસી આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી. પ્રાથમિક તપાસમાં નાણાની લેતી – દેતીમાં હત્યા કરી હોવાનું ખુલ્યું છે. વડોદ ગામે ચાવડાવાળા ફળીયામાં રહેતા દિનેશભાઈ વિનુભાઈ રાઠોડ મોગરની ખાનગી શાળામાં બસ ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તેમને સંતાનમાં ત્રણ બાળકો છે. જેમાં સૌથી નાનો નયન (ઉ.વ.8) છે. આ બાળકો મંગળવારના રોજ ઘરની બહાર રમતાં હતાં, દરમિયાનમાં બપોરે નયને મારે રમવું નથી તેમ કહી ઘરની અંદર જઇ પાણી પીને સેંડલ પહેરીને ફળીયાની અંદર ગયો હતો. જે પરત આવ્યો નથી. આથી, શોધખોળ હાથ ધરી હતી. શરૂઆતમાં ક્યાંક રમતો હશે નહીંતર ખેતરમાં તેની મમ્મી પાસે ગયો હશે, તેવું ધાર્યું હતું. પરંતુ મોડી સાંજે દિનેશભાઈના પત્ની પરત આવતા તેને નયન વિશે પુછપરછ કરી હતી. પરંતુ તે ખેતરમાં આવ્યો નથી, તેમ કહેતાં ચિંતા પેઠી હતી. આથી, ગામમાં સગા સંબંધીના ઘરે શોધખોળ કરી હતી. મોડી રાત સુધી તપાસ કરવા છતાં કોઇ જ સગડ મળ્યાં નહતાં. આખરે આ અંગે વાસદ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાસદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. જે. પરમાર સહિત ટીમ વડોદ ગામે પહોંચી વિવિધ પાસા ચકાસી તપાસ હાથ ધરી હતી. જોકે, મોડી સાંજ સુધી કોઇ સગડ મળ્યાં નહતાં. દરમિયાનમાં ક્લુ મળી કે ગામનો કનુ જશ ચાવડા (ઉ.વ.54) ઝેરોક્ષની દુકાન ચલાવે છે. તેણે અપહરણ કર્યું હોવું જોઈએ. આથી વાસદ પોલીસે તુરંત કનુ ચાવડાની અટક કરી આગવી ઢબે પુછપરછ કરી હતી. જેમાં તે ભાંગી પડ્યો હતો અને અપહરણની કબુલાત કરી હતી. જોકે, તેની કબુલાત સાંભળી પોલીસ પણ ચોંકી ગઇ હતી. કનુએ કબુલ્યું હતું કે, નયનના પિતા દિનેશ રાઠોડને કેટલીક રકમ હાથ ઉછીની આપી હતી. જે મુદ્દે માથાકુટ ચાલતી હોવાથી તે નયનને બાઇક પર લઇ ગયો હતો અને મહિસાગર નદી કિનારે લઇ જઇ ડૂબી હત્યા કરી નાંખી હતી. આ ઘટના બાદ તે ગભરાઇ ગયો હતો. આ કબુલાત આધારે વાસદ પોલીસે અપહરણ અને હત્યાની કલમ હેઠળ રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને ગેરમાર્ગે દોરવા હિન્દીમાં ચીઠ્ઠી લખી 
વડોદ ગામે બાળકની હત્યા કરનારો કનુ ઘટના બાદ ગભરાઇ ગયો હતો. જોકે, તેણે પોલીસ તપાસને આડે પાટા ચડાવવા હિન્દીમાં એક ચીઠ્ઠી લખી હતી. જેમાં નયનનું અપહરણ કરી તેને છોડાવવા નાણા માંગવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આથી, બાળકનું અપહરણ કોઇ હિન્દી ભાષી ગેંગે કર્યું હોય તેવું વાતાવરણ ઉભુ કરવા કોશીષ કરી હતી. જોકે, આ ચીઠ્ઠી મુકતા જ ગામનો વ્યક્તિ જોઇ ગયો હતો.

Most Popular

To Top