Gujarat

પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા શિક્ષણ સંઘની માંગ

રાજ્યમાં કોરોનાની મહામારીને પગલે હાલમાં શિક્ષણ કાર્ય બંધ છે. હવે ધીરે ધીરે કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. ધોરણ 12ના વર્ગો પણ ઓફ લાઇન શરૂ થયા છે, ત્યારે ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં પણ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે, તેવી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા માગણી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ સંઘની સંકલન સભા તાજેતરમાં જ ગાંધીનગર ખાતે મળી હતી, જેમાં શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ તથા ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ઓનલાઇન શિક્ષણમાં કેટલીક જગ્યાએ નેટવર્ક બાબતે ફરિયાદો મળી હતી. ગ્રામ્ય કક્ષાએ બાળકોને બેસાડવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ શાળામાં રોટેશન પદ્ધતિ મુજબ બાળકોને બોલાવવામાં આવે, અથવા તબક્કાવાર પ્રથમ તબક્કે ધોરણ 6 થી 8ના બાળકોને શાળામાં બોલાવવા ત્યાર પછી બીજા તબક્કામાં 1 થી 5ના બાળકોને શાળાઓમાં બોલાવવામાં આવે, તેવી માંગણી છે. વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને લઇ શિક્ષણના હિતમાં શાળાએ બોલાવી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની વિનંતી છે.

Most Popular

To Top