Gujarat

1લીથી 9મી ઓગષ્ટ સુધી રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી

મુખ્ય મંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અનેક જન ઉપયોગી યોજનાઓનો આરંભ થયો અને યોજનાઓનો લાભ પણ પ્રજાજનોને થયો છે. રૂપાણીના નેતૃત્વમાં ભાજપ સરકારને આગામી ઓગસ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થશે તેના નિમિત્તે “પાંચ વર્ષ આપણી સરકારના- સૌના સાથ, સૌના વિકાસના”…. અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો થકી રાજ્યની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આજે કેબીનેટ બેઠકમાં આ નવ દિવસની ઉજવણીના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જેમાં તા. ૦૧ ઓગષ્ટ-૨૦૨૧-જ્ઞાનશક્તિ દિવસ, ૦ર ઓગષ્ટ-સંવેદના દિવસ, ૦૪ ઓગષ્ટ-નારી ગૌરવ દિવસ, ૦૫ ઓગસ્ટ-કિસાન સન્માન દિવસ, ૦૬ ઓગસ્ટ-રોજગાર દિવસ, ૦૭ ઓગસ્ટ-વિકાસ દિવસ, ૦૮ ઓગસ્ટ-શહેરી જન સુખાકારી દિન અને ૦૯ ઓગસ્ટ-વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે.

કેબીનેટ બેઠક બાદ ગાંધીનગરમાં ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ સુશાસનના પાંચ વર્ષની જન ભાગીદારીથી જન ઉપયોગી કાર્યો- સેવાઓને વધુ સઘન બનાવાશે અને વિવિધ ફ્લેગ શીપ યોજનાઓનો વ્યાપ પણ વધારાશે. એટલુ જ નહીં, વર્તમાન કોરોનાના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ કોવિડ પ્રોટોકોલ અને નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરીને રાજ્યભરમાં આ વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાશે.

Most Popular

To Top