Gujarat

રાજ્યની શાળાઓમાં ધો- 9 થી 11ના વર્ગો 26મીથી શરૂ થશે

રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11ના વર્ગો આગામી તા. 26 જુલાઈ 2021 સોમવારથી ફરી શરૂ કરવામાં આવશે, ઓફલાઈન શિક્ષણ આપવામાં આવશે. ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતાં કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ શાળામાં વર્ગો રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાં આગામી 26મી જુલાઈ 2021થી શાળાઓના ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે, એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું રહેશે. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે, તેવો નિર્ણય પણ કોર કમિટીમાં કરવામાં આવ્યો હતો.

ધોરણ 9 થી 11ના વર્ગો 26 જુલાઈ 2021થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- SOPનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે. રાજ્ય સરકારે આ અગાઉ 9 જુલાઈથી ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ 26 જુલાઈથી શરૂ થશે.

Most Popular

To Top