Business

SBIએ MCLR વધાર્યો: વાહન અને હોમ લોન થશે મોંઘી

નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક (Bank) અને ધિરાણકર્તા SBIએ તેના જમા અને ધિરાણ દરમાં વધારો કર્યો છે. ગયા અઠવાડિયે રિઝર્વ બેંકના (RBI) રેપો રેટમાં વધારો કર્યા બાદ SBIએ આ નિર્ણય લીધો છે. SBIએ રૂ. 2 કરોડથી ઓછી અને 211 દિવસથી 3 વર્ષમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માટે વ્યાજ દરમાં 0.20 ટકાનો વધારો કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી જાણવા મળ્યું છે કે આ સુધારેલા વ્યાજ દરો આજથી એટલે કે 14 જૂન, 2022થી અમલમાં આવી ગયા છે. આ સિવાય SBIએ MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં 0.20 ટકાનો વધારો કર્યો છે આ વધેલા દરો 15 જૂનથી લાગુ થશે.

બેંકે 211 દિવસથી એક વર્ષથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજનો દર 4.60 ટકા કર્યો છે, જે અગાઉ 4.40 ટકા હતો. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકોને 5.10 ટકા વ્યાજ આપવામાં આવશે જે અગાઉ 4.90 ટકા હતું. એક વર્ષથી વધુ અને બે વર્ષથી ઓછી મુદતવાળી એફડી માટે, ગ્રાહકોને હવે 0.20 ટકાના વધારા સાથે 5.30 ટકાનો વ્યાજ દર મળશે. આ સાથે SBIએ બે વર્ષથી ઓછી અને ત્રણ વર્ષથી વધુની FD પર વ્યાજ દર 5.20 ટકાથી વધારીને 5.35 ટકા કર્યો છે. SBIએ રૂ. 2 કરોડ અને તેથી વધુની સ્થાનિક જથ્થાબંધ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં 0.75 ટકા સુધીનો વધારો કર્યો છે. એક વર્ષથી વધુ અને બે વર્ષથી ઓછી મુદત માટે બલ્ક ડિપોઝિટ ધરાવતા ગ્રાહકોને 14 જૂન, 2022થી 4.75 ટકા વ્યાજ મળશે. અગાઉ આ દર 4 ટકા હતો. વરિષ્ઠ નાગરિકો માટે આ નવો દર 4.50 ટકાની સામે 5.25 ટકા રહેશે.

મળતી માહિતી મુજબ ભારતીય રિઝર્વ બેંકે ગયા અઠવાડિયે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરીને 4.90 ટકા કર્યો હતો. રેપો રેટ એ ટૂંકા ગાળાના ધિરાણ દર છે જે આરબીઆઈ બેંકો પાસેથી વસૂલ કરે છે. RBIના રેપો રેટમાં વધારો કર્યા પછી, SBIએ પણ MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઑફ લેન્ડિંગ રેટમાં 0.20 ટકાનો વધારો કર્યો છે. વધેલા દરો 15 જૂનથી લાગુ થશે. MCLRમાં તાજેતરના ફેરફાર બાદ એક વર્ષ સુધીની લોનનો દર 7.20 ટકાથી વધીને 7.40 ટકા થઈ ગયો છે. એ જ રીતે ત્રણ વર્ષની લોન માટે MCLR 7.05 ટકાથી વધીને 7.70 ટકા થયો છે. મોટાભાગની ગ્રાહક લોન જેમ કે ઓટો, હોમ અને પર્સનલ લોન MCLR સાથે જોડાયેલી છે. 15 જૂન, 2022થી રેપો લિન્ક્ડ લેન્ડિંગ રેટ (RLLR)માં પણ વધારો કરવામાં આવ્યો છે. 8મી જૂને આરબીઆઈના રેપો રેટના રિવિઝન બાદ ઘણી બેંકોએ રેટમાં વધારો કર્યો છે.

Most Popular

To Top