Entertainment

પોતાના દરેક પાત્રમાં જીવ રેડી દે છે સયાની

સયાની ગુપ્તા જ્યારે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિયૂટમાં ગ્રેજ્યુએશન કરી રહી હતી, ત્યારે નહોતી જાણતી કે તે જવા માંગે છે તે ક્ષેત્રમાં કેવી કેવી શકયતા રહેલી છે. ઇન્સ્ટિટયૂટમાં ભણતી વખતે તેણે ‘સેકંડ મેરેજ ડોટ કોમ’માં કામ કરેલું ત્યાર પછી ‘ફેન’, ‘જોલી LLB – 2’, ‘આર્ટિકલ – 15’ ઉપરાંત ‘માર્ગારીટા વિથ ધ સ્ટ્રો’માં અંધ પાકિસ્તાની – બાંગલાદેશી લેસ્બીયન ચળવળકાર ખાનુમની ભૂમિકા ભજવેલી. હવે તેની પાસે ઘણી ફિલ્મો થઇ ચૂકી છે. ‘એકસોન’ ‘પગલૈત’ તો નેટફલિકસ પર અને ‘પોશમ પા’ ઝી ફાઇવ પર રિલીઝ થઇ ચૂકી છે.

હવે આ 24મી જૂને તેની ‘શેરદીલ : ધ પીલીભીત સાગા’ રજૂ થવાની છે. આ ફિલ્મમાં તે પંકજ ત્રિપાઠી અને નીરજ કબી સાથે દેખાશે. પણ તે ‘ઇન્સાઇડ એજ’ની રોહિણી રાઘવન અને ‘કૌશીકી’ની કોશીકી બનીને એક નવી એકટ્રેસ લાઇફ અનુભવે છે. વિવેક ઓબેરોય, રીચા ચઢ્ઢા, અનંગ બેદી સાથેની ‘ઇન્સાઇડ એજ’ની તો 3 સિઝન થઇ ચૂકી છે. સયાની તેમાં તનુજ વિરવાણીની બહેન બની છે. એ જ રીતે ‘ફોર મોર શોટ્‌સ પ્લિઝ’ની 2 સિઝન થઇ છે. વેબ સિરીઝ હવે જાણીતા દિગ્દર્શકો વડે બને છે. એટલે તેમાં વધારે ઊંડાણથી કામ થાય છે.

‘ફોર મોર શોટસ પ્લિઝ’માં તે દામિની રીઝવી રોય નામની ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર બની છે. હવે આ વેબ સિરીઝની ત્રીજી સિઝન પણ આવી રહી છે અને તે ફરી કિર્તી કુલ્હારી, પ્રતિક બબ્બર, માનવી ગગરુ વગેરે સાથે કામ કરી રહી છે. સયાની ગુપ્તા સાતેક શોર્ટ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. કોલકાતામાં જન્મેલી સયાનીની ઓળખ એક સાહસિક અભિનેત્રી તરીકેની છે, જે ટ્રેન્ડથી હટીને કામ કરવામાં માને છે. પોતાના દરેક પાત્ર માટે તે ખૂબ મહેતન કરે છે. સયાની કહે છે કે જુદા પ્રકારના પાત્રો ભજવવા જરૂરી છે. કારણ કે સમાજમાં હવે જુદા પાત્રો સર્જાય ચૂકયા છે.

Most Popular

To Top