Dakshin Gujarat

સરદાર સરોવર નર્મદા ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે, લોકો ફોટા પણ પાડી શકશે

રાજપીપળા: (Rajpipla) સેન્ટ્રલ વોટર કમિશનના અધિકારીઓએ સરદાર સરોવર નર્મદા ડેમ (Narmada Dam) વિસ્તારની મુલાકાત લીધી હતી. એ મુલાકાત દરમિયાન એમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં સરદાર સરોવર ડેમ સહિત દેશનાં અન્ય ડેમો પર પ્રવાસનનો (Tourism) વિકાસ કરવામાં આવશે, એ માટે હાલ પ્રક્રિયા ચાલી રહી છે.એક સમય એવો હતો કે ડેમ પર સામાન્ય જનતા માટે ફોટો પાડવા માટે પ્રતિબંધ હતો. ત્યારે હવે દેશના અલગ અલગ મોટા મોટા ડેમો પર પ્રવાસીઓ ફોટા પણ પાડી શકશે અને ફરી પણ શકશે. આગામી સમયમાં દેશભરના ડેમોના વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.

  • સરદાર ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે
  • સેન્ટ્રલ વોટર કમિશનના અધિકારીઓએ સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારની મુલાકાત લીધી
  • હવે દેશના અલગ અલગ મોટા મોટા ડેમો પર પ્રવાસીઓ ફોટા પણ પાડી શકશે અને ફરી પણ શકશે

અત્રે એ ઉલ્લેખનીય છે કે, દેશમાં અલગ અલગ રાજ્યોમાં બનાવાયેલા ડેમોનો મુખ્ય હેતુ લોકોને પીવાની અને સિંચાઈના પાણીની જરૂરિયાત પૂરી પાડી અને વીજ ઉત્પાદન થાય તે માટેનો છે. સામાન્ય જનતા માટે વિવિધ ડેમ પર જવા પર પ્રતિબંધ હતો અને ફોટોગ્રાફી કરે તો તેની સામે ગુનો નોંધવામાં આવતો હતો. પરંતુ હવે ભારતના તમામ ડેમનો પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ વોટર કમિશનનો કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય જળ આયોગના નિર્દેશક યોકી વિજય, ગુજરાત રાજ્યના જળ સંપતિ વિભાગના સચિવ કે.એ.પટેલ, નર્મદા ડેમના મુખ્ય ઈજનેર આર.જી.કાનુંગો, સુપરિન્ટેન્ડેન્ટ ઈજનેર જે.કે.ગરાસીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમા ડેમના પ્રવાસન વિકાસ અંગે ચર્ચાઓ કરાઈ હતી.

આ પ્રસંગે કેન્દ્રીય જળ આયોગના નિર્દેશક યોકી વિજયે જણાવ્યું હતું કે, દેશભરના ડેમોને પાણી સ્ટોર કરવા અને સિંચાઈ વ્યવસ્થા માટે જ જોવામાં આવતા હતા. પણ હવે દેશના વિવિધ ડેમોને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમનો એક મોટા પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કર્યો છે. અહીં 10 વર્ષ પહેલાં કશું જ ન હતું. ત્યારે આ ડેમ પર પ્રવાસીઓ જઈ શકશે એવું આયોજન થઈ રહ્યું છે. સામાન્ય લોકો પણ હવે ત્યાં પણ જઈ શકાય તેવું આયોજન થઈ રહ્યું છે. ગુજરાતના ધરોઈ ડેમનો, મૈસૂરના કૃષ્ણાનાથ સાગર ડેમ અને હીરા કુંડ ડેમ, ટહેરી ડેમ તેમજ મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર ડેમ વિસ્તારને એક મોટા પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાનું આયોજન છે. ગુજરાતમાં આપણે ત્યાં ઘણા સારા અને મોટા ડેમો છે. ત્યારે ડેમો પર પ્રવાસીઓ ગાર્ડન, લાઈટ એન્ડ સાઉન્ડ શો વગેરે વ્યવસ્થા ઊભી કરી પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.

Most Popular

To Top