Comments

સમીર વાનખેડેએ શાહરૂખ ખાન પાસે ૨૫ કરોડ રૂપિયાની લાંચ માંગી હતી?

વર્ષ ૨૦૨૧ની બીજી ઓક્ટોબરે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ૧૯ લોકોની કોર્ડેલિયા ક્રુઝ ઉપરથી ડ્રગ રાખવાના અને વાપરવાના ગુના અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. પાછળથી પુરાવાઓના અભાવે આર્યન ખાન સહિત પાંચ વ્યક્તિઓ સામેના કેસ પડતા મૂકવામાં આવ્યા હતા. આ ધરપકડ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ના મુંબઈ ઝોનના તત્કાલીન ડિરેક્ટર સમીર વાનખેડે દ્વારા કરવામાં આવી હતી. હાલમાં સમીર વાનખેડે સામે શાહરૂખ ખાન પાસેથી રૂપિયા ૨૫ કરોડની લાંચ માંગવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા વાનખેડેની સામે એફઆઈઆર કરવામાં આવી છે જેમાં સમીર વાનખેડેએ પોતાની વિદેશની ટુર અને મોંઘી ઘડિયાળની ખરીદી છૂપાવેલી હોવાનું જણાવાયું છે. સીબીઆઈ દ્વારા સમીર વાનખેડેનો ફોન જપ્ત કરીને તેને ડેટા રીકવરી માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે.

આપણે એક વાર આર્યન ખાનના કેસની વિગતોને ફરી યાદ કરી લઈએ. આર્યન ખાન અને તેના મિત્રો ક્રુઝ પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરતા હોવાના આરોપ સાથે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ઉપર ડ્રગ્સની સિંડિકેટ ચલાવતા હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ નહોતી મળી પરંતુ તેના રૂમમેટ અર્બાઝ મર્ચન્ટના પગનાં મોજાંમાંથી ડ્રગ્સ મળી હોવાનું રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું. એવું ધારી લેવામાં આવ્યું હતું કે અર્બાઝ પાસે ડ્રગ્સ છે તેની આર્યનને જાણ હતી તેમ જ આર્યને પણ આ ડ્રગ્સ ઉપયોગમાં લીધી હતી. જોકે, ધરપકડના બીજા જ દિવસે અર્બાઝ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે તેની પાસે મળેલો ૬ ગ્રામ ચરસ તેના પોતાના ઉપયોગ માટે હતો જેની આર્યનને જાણ હતી નહીં. તે ઉપરાંત ભૂતકાળમાં અર્બાઝની લત માટે આર્યને તેને ચેતવ્યો હતો અને ક્રુઝ ઉપર ડ્રગ્સ ન લઈ જવા પણ સમજાવ્યો હતો. સમીર વાનખેડેને આર્યન વિરૂદ્ધ કોઈ નિવેદન ન મળતાં વધુ પુરાવાઓ માટે તેના ફોનને જપ્ત કર્યો હતો.

આર્યન ખાન સામે કોઈ નક્કર પુરાવાઓ ન હોવા છતાં તેને લગભગ ૨૬ દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું તેમ જ જામીન મેળવવા માટે અનેક કોર્ટોના ચક્કર કાપવા પડ્યા હતા. આ સમય દરમ્યાન સમીર વાનખેડેએ ૧૯ લોકોની ધરપકડ વખતે કરેલ અનેક ગફલતો નજર સામે આવી હતી. સંજોગોને ધ્યાનમાં રાખીને એનસીબીના સંચાલક એસ. એન. પ્રધાન દ્વારા સમીર વાનખેડે પાસેથી તેના દરેક કેસ લઈ લેવામાં આવ્યા અને સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી) ને સોંપી દેવામાં આવ્યા. પ્રધાનના કહેવા મુજબ ‘આર્યન કરતા સમીર વાનખેડેનો કાંડ વધુ પ્રચલિત થઈ રહ્યો હતો અને બન્ને કેસોથી એનસીબીની જ પ્રતિષ્ઠાને ધક્કો પહોંચતો હતો.

તેથી મેં આર્યનના કેસ માટે એસઆઈટી બેસાડી તથા વાનખડેની તપાસ માટે સ્પેશિયલ વિજીલન્સ ઈન્ક્વાયરી બોલાવી.’પ્રધાનના આ નિર્ણયથી એનસીબીએ આર્યન ખાનની ખોટી ધરપકડ થઈ હોવાનું સ્વીકાર્યું તેમ જ પોતાના જ ઓફિસર સામે કાર્યવાહી પણ કરી. પ્રધાનના કહેવા મુજબ એનસીબીએ લોકોને અમુક ગ્રામ ડ્રગ્સ માટે પકડવાને બદલે ડ્રગ્સની આયાત અને નિકાસ કરતા માફિયાઓ ઉપર ધ્યાન આપવું જોઈએ. એસઆઈટીની શોધમાં સમીર વાનખેડેની અનેક ક્ષતિઓ બહાર આવી હતી. જે મોજાંમાંથી ચરસ પકડાયો હોવાનું કહેવામાં આવ્યું હતું તે બૂટ અને મોજાં જપ્ત નહોતા કરાયા. આર્યનને ડ્રગ્સના સેવન માટે કસ્ટડીમાં લેતા પહેલા તેનું ટેસ્ટિંગ નહોતું કરાયું.

એનસીબીની ટીમ દ્વારા રેડ અને ધરપકડનું વિડીયો શૂટીંગ કરવામાં નહોતું આવ્યું જ્યારે સંસ્થાના નિયમો મુજબ તે આવશ્યક હતું. આર્યન સામે એક પણ પુરાવો ન હોવા છતાં તેને પહેલા કસ્ટડી અને પછી જેલમાં ગોંધી રખાયો હતો. આર્યનના ફોનને નિયમાનુસાર જપ્ત કર્યા વગર જ તેની ચેટ હિસ્ટરી ખોલવામાં આવી અને સંબંધિત લોકોને તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા. આર્યન માટે બેસાડવામાં આવેલી એસઆઈટી ટીમના લીડર અને એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ સંજય સિંહે આ કેસનાં દરેક પાસાંઓની તપાસ કરી અને છેવટે આર્યન ખાન સહિત પાંચ લોકોના નામ ચાર્જશીટમાંથી પડતા મૂક્યા હતા.

સમીર વાનખેડે એક કાબેલ અને હોનહાર ઓફિસર હોવાની છાપ ધરાવતા હતા તેમ જ તેમણે મુંબઈ બ્યુરોમાં બે વર્ષની કારકીર્દિ દરમ્યાન અનેક ડ્રગ્સના કેસ સોલ્વ કર્યા હતા. એવું ધારવામાં આવતું હતું કે સમીર વાનખેડેને એનસીબીમાં કાયમી નિમણુક મળી જશે; પરંતુ આર્યન કેસમાં કરવામાં આવેલી ગફલતોને પરિણામે સમીર વાનખેડેને સજાના રૂપમાં વર્ષ ૨૦૨૨ના મે મહિનામાં ચેન્નાઈની તેમની મૂળ સંસ્થામાં પાછા મોકલી દેવામાં આવ્યા હતા.

સમીર વાનખેડે સામેનો પ્રથમ આરોપ કોર્ડેલિયા રેડમાં રાજકીય વગ ધરાવતા બે વ્યક્તિઓને જવા દેવાનો છે. બીજો આરોપ શાહરૂખ ખાન પાસેથી તેના દીકરાની સામેના કેસ પડતા મૂકવાના બદલામાં ૨૫ કરોડ રૂપિયા માંગવાનો છે. તે ઉપરાંત સમીર વાનખેડે હકીકતમાં મુસ્લિમ છે અને નકલી ઓળખ વડે સરકારી નોકરી મેળવી છે, તેવા આરોપો પણ મૂકવામાં આવ્યા છે. સમીર વાનખેડેએ આ દરેક આરોપોને નકાર્યા છે અને તેમનું કહેવું છે કે,“મને દેશપ્રેમી હોવાનું ‘ઈનામ’મળી રહ્યું છે.”આ આરોપના પક્ષમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિક દ્વારા એક સાક્ષી પણ રજૂ કરવામાં આવ્યો છે, જેનું નામ પ્રભાકર સૈલ છે. સૈલના કહેવા મુજબ તે સમીર વાનખેડેના સાગરીત કે. પી. ગોસાવીનો બોડીગાર્ડ હતો. સૈલના નિવેદન મુજબ તેને અને ગોસાવીને ક્રુઝ ઉપરની રેડ માટે પંચના સાક્ષી બનાવવામાં આવ્યા હતા અને રેડ દરમ્યાન બન્ને હાજર રહ્યા હતા.

સમીર વાનખેડે ઉપર લાંચ માંગવાનો આક્ષેપ સૈલના નિવેદનના આધારે કરવામાં આવ્યો છે. સૈલના કહેવા મુજબ રેડ પાડ્યા બાદ જયારે તે અને ગોસાવી કારમાં લોઅર પરેલ જઈ રહ્યા હતા ત્યારે સૈલએ ગોસાવીને કોઈ સેમ ડિસોઝા સાથે ફોન ઉપર વાત કરતા સાંભળ્યો હતો. ગોસાવીએ ડિસોઝાને પહેલા ૨૫ કરોડ માંગવાનું જણાવી ૧૮ કરોડમાં પતાવટ કરવાનું સૂચવ્યું હતું. તેના કહેવા મુજબ આ રકમ પૈકી ૮ કરોડ રૂપિયા સમીર વાનખેડેને ચૂકવવાના હતા. સૈલના નિવેદન મુજબ ગોસાવી અને ડિસોઝા એક પૂજા દદલાની નામની વ્યક્તિને મળ્યા હતા, જે શાહરૂખની મેનેજર હતી. સૈલને નિર્ધારિત જગ્યાએ પચાસ લાખ રૂપિયા લઈ આવવા જણાવાયું હતું, જે સોદાનું ટોકન મૂલ્ય હતું. મુંબઈ પોલિસને પૂજા દદલાની હાથ ન લાગતાં આ બાબતની તપાસ પડતી મૂકાઈ હતી.

આર્યન ખાનના કેસને કારણે ‘નાર્કોટીક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ એક્ટ’માં ફેરફારો લાવવાની માંગ ઊઠી છે. આ ક્ષેત્રમાં કાર્યરત એવા અનેક લોકોનું માનવું છે કે જે યુવાનો આ ડ્રગ્સનું સેવન કરે છે તેમને ગુનેગાર નહીં પણ દર્દી ગણવા જોઈએ. આવા યુવાનોને જેલમાં નાખવા તે યોગ્ય ઉપાય નથી. તેમને સારવાર આપીને પ્રેમથી ઘરે મોકલી દેવા જોઈએ. આ કાયદાના દુરૂપયોગ માટે પણ ઘણી ટીકાઓ થઈ રહી છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા સાકેત ગોખલેના કહેવા મુજબ આ કાયદાની આડમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી રહ્યું છે. સાકેત ગોખલેના કહેવા મુજબ સમીર વાનખેડે જેવાં પ્યાદાંઓ ફસાઈ ગયા છે અને મૂળ સૂત્રધારો છૂટી ગયા છે. સમીર વાનખેડે પર કરવામાં આવેલો કેસ મોટા કૌભાંડનો ભાગ છે, જેની હકીકતો કદાચ ક્યારેય જાણવા મળશે નહીં.

Most Popular

To Top