Editorial

કપરી આર્થિક કટોકટી વચ્ચે પાકિસ્તાનમાં રાજકીય તમાશા

પાકિસ્તાનમાં આજકાલ જાત જાતના તમાશા અને તોફાન ચાલી રહ્યા છે. આ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ભ્રષ્ટાચારના એક કેસમાં ધરપકડ થઇ ત્યારથી ત્યાં તોફાન મચી ગયું છે. આમ તો જો કે દુનિયાના અનેક દેશોમાં ભૂતપૂર્વ વડાઓની ધરપકડના બનાવો બન્યા છે. પરંતુ ઇમરાન ખાનની ધરપકડ થઇ તે કોઇ ફિલ્મી દ્રશ્ય જેવી અને તમાશાથી ભરપૂર ઘટના હતી. ઇમરાન ખાન ભ્રષ્ટાચારના એક કેસમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં હાજરી આપવા ગયા હતા. જ સમયે ત્યાં કોર્ટ પરિસરમાં અચાનક ત્યાંના અર્ધલશ્કરી રેન્જરો પ્રવેશ્યા અને ઇમરાન ખાનની કોર્ટ પરિસરમાંથી જ ધરપકડ કરી, અને ધરપકડ પણ કેવી રીતે?

ગમે તેમ પણ આ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન છે તેનો પણ વિચાર કર્યા વિના સામાન્ય ગુનેગારની જેમ તેમને કોલરમાંથી પકડીને ઘસડી ગયા! ઇમરાન ખાને તો બાદમાં એવો પણ દાવો કર્યો કે તેમને દંડા પણ મારવામાં આવ્યા હતા! ઇમરાન ખાનની ધરપકડ થઇ તે પછી તેમના પક્ષના કાર્યકરોએ અને ટેકેદારોએ અપેક્ષા મુજબ જ દેશભરમાં તોફાન મચાવી દીધું અને લશ્કરી વડામથક પર પણ હુમલો કરવામાં આવ્યો. તોફાનો વકર્યા પછી એક તબક્કે દેશમાં કટોકટી લાદવાની પણ વિચારણા કરવામાં આવી. અને તેના પછી પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ ઇમરાન ખાનને કંઇક રાહત આપી અને એક કેસમાં જામીન આપવાની સાથે ધરપકડ સામે થોડા દિવસ માટે રક્ષણ આપ્યું. તો આ રાહતના મુદ્દે ખુદ શાસક ગઠબંધને ગોકીરો મચાવી મૂક્યો.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ અને તેમની સામેની કાર્યવાહીના વિરોધમાં ઇમરાન ખાનના ટેકેદારો અને તેમની તેહરીકે ઇન્સાફ પાર્ટીના કાર્યકરો કેટલાક દિવસથી વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે ત્યારે હવે ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મળેલ કેટલીક રાહતના વિરોધમાં સોમવારે પાકિસ્તાનના શાસક ગઠબંધનના પક્ષોના નેતાઓ અને આ ગઠબંધનના ટેકેદારો પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની બહાર ધરણા પર બેઠા હતા.

સર્વોચ્ચ અદાલત દ્વારા ઇમરાન ખાનને જામીન આપ્યા અને કેટલાક સમય માટે ધરપકડ સામે રક્ષણ આપ્યું, તેવા રાહતના પગલાઓના વિરોધમાં પાકિસ્તાનના મુખ્ય શાસક પક્ષો પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ(પીએમએલ-એન) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી)ના નેતાઓ તથા જમિયત ઉલમાએ ઇસ્લામ-ફઝલ (જેયુઆઇ-એફ)ના નેતાઓ સુપ્રીમ કોર્ટ બિલ્ડિંગની સામે ધરણા પર બેઠા હતા. પીએમએલ-એનના નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પુત્રી મરિયમ નવાઝ તથા જમિયતે ઉલમા-એ-પાકિસ્તાનના વડા મૌલાના ફઝલુર રહેમાન સહિતના નેતાઓ ધરણા પર બેઠા હતા.

પીપીપીના નેતા અને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ ધરણા પર બેસવાના હતા પરંતુ તેમને આવું નહીં કરવા પક્ષ તરફથી સલાહ અપાઇ હતી અને તેમને સ્થાને પક્ષમાંથી પક્ષના એક નેતા નિસાર ખોરો ધરણા પર બેઠા હતા. પાકિસ્તાનના શાસક ગઠબંધન પીડીપીમાં ૧૩ પક્ષો છે અને મૌલાના ફઝલુ આ ગઠબંધનના વડા છે. મૌલાનાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉમર બાંદીયાલ સામે ખાનને રાહતો આપવા બદલ વિરોધ કરવામાં આવશે. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે ફક્ત વિરોધ પ્રદર્શનો થશે પરંતુ બાદમાં ધરણાની કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

દરમ્યાન, પીએમએલ-એનના નેતા મરિયમ નવાઝ શરીફે માગણી કરી હતી કે ચીફ જસ્ટિસ ઉમર બાંદીયાલ રાજીનામુ આપે. નવાઝ શરીફની પુત્રી મરિયમે આક્ષેપ કર્યો હતો કે ચીફ જસ્ટિસે પાકિસ્તાનમાં અંધાધૂંધી અને કટોકટી સર્જી છે! સુપ્રીમ કોર્ટની બહાર ભેગા થયેલા લોકોને સંબોધન કરતા પીએમએલ-એનના સુપ્રીમો નવાઝ શરીફના આ પુત્રીએ સુપ્રીમ કોર્ટ પર દેશમાં જ્યુડિશ્યલ માર્શલ લૉ લાદવાનો આક્ષેપ કર્યો હતો! આ બધી નવાઇ લાગે તેવી વાતો છે, ખુદ શાસકો સુપ્રીમ કોર્ટ પર અંધાધૂંધી સર્જવાનો આક્ષેપ કરે તે નવાઇની વાત છે પણ પાકિસ્તાનમાં ઘણુ બધુ શક્ય છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાન જેવા અદકપાંસળી દેશ દુનિયામાં ઘણા ઓછા હશે. આ દેશ ભારતને તો સતત કનડી જ રહ્યો છે પણ તેણે પોતાના હાલ પણ ખસ્તા કરી નાખ્યા છે. પ્રજાકીય શિસ્તના અભાવ અને વેરઝેરભર્યા રાજકારણને કારણે ત્યાં દેશની હાલત ખૂબ બગડી છે. અત્યારે આ દેશ લાંબા સમયથી સખત આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યો છે અને આઇએમએફ તેને ધિરાણ આપવા માટે આનાકાની કરી રહ્યું છે અને ખરેખર તો આ દેશ સાઉદી અરેબિયા જેવા થોડા દેશોની ખેરાત પર ટકી રહ્યો છે એમ કહી શકાય, આવી હાલતમાં પણ ત્યાંના રાજકારણીઓ સમજદારીથી કામ લેવાને બદલે માતેલા સાંઢની જેમ એકબીજાની સાથે બાખડી રહ્યા છે અને તેમાં વળી ત્યાંના લશ્કરની દખલગીરી તો ખરી જ. અત્યારે ત્યાં જેવી અરાજકતા ચાલી રહી છે તે આ દેશને ક્યાં લઇ જઇને ઉભો રાખશે તેની જ અટકળો કરવાની રહે છે.

Most Popular

To Top