Sports

મુંબઇને હરાવી લખનઉએ પ્લેઓફની આશા જીવંત રાખી

લખનઉ : આઇપીએલમાં (IPL) આજે અહીં રમાયેલી મેચમાં માર્કસ સ્ટોઇનિસની 47 બોલમાં 89 રનની નોટઆઉટ ઇનિંગ ઉપરાંત કૃણાલ પંડ્યા સાથેની 82 રનની અને નિકોલસ પૂરન સાથેની અંતિમ 4 ઓવરમાં 60 રનની ભાગીદારીની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે (LSG) 3 વિકેટે 177 રન બનાવીને મૂકેલા 178 રનના લક્ષ્યાંક સામે મુંબઇ ઇન્ડિયન્સની (MI) 5 વિકેટે 172 રન જ કરી શકતા લખનઉએ 5 રને જીતીને પ્લેઓફની આશા જીવંત રાખી હતી.

લક્ષ્યાંક કબજે કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સને ઇશાન કિશન અને રોહિત શર્માએ મળીને ઝડપી શરૂઆત અપાવી હતી. રોહિત 37 રન કરીને આઉટ થયો ત્યારે મુંબઇનો સ્કોર 90 રન હતો. તે પછી ઇશાન 59 રન કરીને આઉટ થયો હતો. સૂર્યકુમાર અને નેહલ વઢેરા આજે ફેલ રહ્યા હતા. અંતિમ ઓવરમાં 11 રન કરવાના આવ્યા હતા જેની સામે માત્ર 5 જ રન આવતા તેઓ લક્ષ્યથી 6 રન છેટા રહ્યાં હતા.

મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત ખરાબ રહી હતી અને તેમણે 35 રન સુધીમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કૃણાલ અને સ્ટોઇનિસે બાજી સંભાળી લીધી હતી અને બંનેએ ચોથી વિકેટની 82 રનની ભાગીદારી કરીને 16 ઓવરમાં સ્કોર 117 સુધી લઇ ગયા હતા ત્યારે કૃણાલ 42 બોલમાં 49 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. તે પછી અંતિ ચાર ઓવરમાં સ્ટોઇનિસ અને પૂરને 60 રન ઉમેર્યા હતા, જેમાંથી પૂરનના માત્ર 8 રન હતા. મુંબઇ વતી જેસન બેહરનડોર્ફે 2 જ્યારે પિયુષ ચાવલાએ 1 વિકેટ ઉપાડી હતી. આકાશ મેધવાલને વિકેટ નહોતી મળી પણ તેણે માત્ર 30 રન આપ્યા હતા, જેમાંથી 14 રન તો તેની અંતિમ ઓવરમાં આવ્યા હતા.

Most Popular

To Top