SURAT

સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર ભીડને કંટ્રોલ કરવા લેવાયો મોટો નિર્ણય

સુરત મીની ભારત છે. તહેવારની ઉજવણી વતનમાં કરવા જવા માટે લોકો મોટી સંખ્યામાં જઈ રહ્યાં છે. ત્યારે હોળી દરમિયાન રેલવે સ્ટેશન પર ભીડને નિયંત્રણ કરવા માટે સુરત, ઉધના સહિતના 6 સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. આગામી 16મી માર્ચ સુધી પ્લેટફોર્મ ટિકિટ મળશે નહીં. વૃદ્ધ સહિતના લોકોને મુકાવવા આવતા લોકોને થોડીક છૂટ આપવામાં આવશે, તેમ જાણવા મળ્યું હતું.

પશ્ચિમ રેલવે મુંબઈ ડિવિઝનના CPRO વિનીત અભિષેકે જણાવ્યું હતું કે, આગામી તહેવારોની મોસમ દરમિયાન અપેક્ષિત ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મુંબઈ ડિવિઝનના મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. તેનો ઉદ્દેશ્ય પ્લેટફોર્મ પર ભીડને નિયંત્રિત કરવાનો અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે.

તાત્કાલિક અસરથી લાગુ કરાયેલ પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પરનો પ્રતિબંધ 16 માર્ચ સુધી અમલમાં રહેશે. તેજ સમયે, વરિષ્ઠ નાગરિકો, વૃદ્ધો, મહિલા મુસાફરો વગેરેને મદદ કરવા આવતા લોકોને થોડી છૂટ આપવામાં આવી છે, જેથી તેમની મુસાફરી સરળ બની શકે.

હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે
પશ્ચિમ રેલવે દ્વારા હોળીના તહેવાર દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં ટ્રેન નંબર 09091 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 13 અને 14 માર્ચ 2025 (ગુરૂવાર અને શુક્રવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી 4:25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 12:30 વાગ્યે અમદાવાદ પહોંચશે.

તેવી જ રીતે ટ્રેન નં. 09092 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 14 અને 15 માર્ચ 2025 (શુક્રવાર અને શનિવાર)ના રોજ અમદાવાદથી 06:20 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 3 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, ઉધના, ભરૂચ, વડોદરા અને આણંદ સ્ટેશનો પર ઉભી રહેશે.

Most Popular

To Top