સલાબતપુરાના પીઆઈ કિકાણીને પોલીસ સ્ટેશનમાં નિમણૂંક આપી ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ઊંધા ચશ્મા પહેરાવાયા!

સુરત : (Surat) રવિવારે સાંજે પોલીસ કમિશનરે (Police commissioner) સુરત શહેર પોલીસના ઇતિહાસમાં અભૂતપૂર્વ કહી શકાય તેવો નિર્ણય કર્યો હતો. સલાબતપુરા (Salabatpura) પોલીસ મથકમાં ફરજ બજાવતા 116ની સાગમટે બદલી (Transfer) કરી નાખી, એક પોલીસ મથકના તમામે તમામ કર્મચારીની એક સાથે બદલી થઈ હોય તેવો આ સુરતનો જ નહીં પણ ગુજરાતનો પ્રથમ કિસ્સો હતો. જેમાં કાપડના વેપારીઓ પાસે સલાબતપુરા પોલીસ મોટી રકમનો તોડ કરી વેપારીઓેને પરેશાન કરતી હોવાની ફરિયાદ કાપડના કેટલાક વેપારીઓએ ગૃહમંત્રી (Home minister) સમક્ષ કરી હતી. જેના ભાગરૂપે આ બદલી કરવામાં આવી હોવાનું કહેવાય છે. ત્યારે યક્ષ પ્રશ્ન એ ઉભો થાય છે કે જો ગૃહમંત્રીનો આદેશ હતો તો પછી સમગ્ર કાંડના સૂત્રધાર ગણાતા સલાબતપુરાના તત્કાલિન પોલીસ ઈન્સપેક્ટર કિકાણી સામે ક્યાં તો સસ્પેન્શનનું હથિયાર ઉગામવું જોઇતું હતું અથવા તો સજાના ભાગ રૂપે તેને સાઈડ પોસ્ટિંગ આપવું જોઇતું હતું. પણ, આ બન્નેમાંથી કાંઈ નહીં કરી તેને ચોકબજાર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત રાખવાનો નિર્ણય કરી ગૃહમંત્રીને ઊંધા ચશ્મા પહેરાવવાનું કારણ શું? આ પ્રશ્ન પોલીસ બેડામાં ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો છે.

  • સલાબતપુરા પીઆઇના કૌભાંડને લઇને તેમને સાઇડ પોસ્ટીંગ આપવાની જગ્યાએ અન્ય પોલીસ મથકે જ ચાર્જ આપવામાં આવતા અનેક તર્કવિતર્ક
  • બદલી કરાવવામાં કેટલાક ઉચ્ચ અધિકારીઓએ પોલીસ કમિશનરને પણ ઊંધા ચશ્મા પહેરાવ્યાની વિગતો બહાર આવી

સામાન્ય સંજોગોમાં કોઇ પોલીસ અધિકારી કે કર્મચારી સામે આક્ષેપ હોય તો તેને સજાના ભાગ રૂપે પોલીસ મથકમાંથી ખસેડી સ્પેશિયલ બ્રાન્ચ, કન્ટ્રોલ રૂમ કે એરપોર્ટ પર મૂકવામાં આવે છે. માત્ર આક્ષેપ હોય તો પણ આ પગલું ભરવામાં આવે છે તો આ કિસ્સામાં ખુદ ગૃહમંત્રી લાલઘૂમ હતા. કાપડના વેપારીઓ પાસેથી તોડ કરવાની વાત હતી. તેમાં પોલીસ ઇન્સ્પેક્ટરના નાતે મુખ્ય ભૂમિકા તો કિકાણીની જ ગણી શકાય. તેવા સંજોગોમાં ગૃહમંત્રીના આદેશ મુજબ કિકાણી સામે શિક્ષાત્મક કાર્યવાહી થઈ જોઇતી હતી. તેના બદલે તેમને પોલીસ મથક સોંપી ગૃહમંત્રીને ઊંધા ચશ્મા પહેરાવી દેવાયા એ વરવી વાસ્તવિકતા છે. બીજી બાજુ જોઇએ તો તોડ કરવા માટે પોલીસ મથકની એક ટોળકી સક્રિય હતી. તે ટોળકીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાં ભરવાના બદલે તેમને પણ સારી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. આમ, કારણ ગમે તે હોય પણ ગૃહમંત્રીની આંખમાં ધૂળ નાખવામાં પોલીસ સફળ રહી એ હકીકત છે.

વિદ્યાર્થીઓની સાથે માથાકૂટ કરવામાં પીઆઇ કિરણ મોદીને હાંસિયામાં ધકેલી દેવાયા, પરંતુ હવે કિકાણીને સારી જગ્યાએ પોસ્ટીંગ
પ્રાપ્ત વિગતો મુજબ નવરાત્રીના સમય દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સાથે થયેલી માથાકૂટ દરમિયાન ઉમરાના પીઆઇ કિરણ મોદીની સામે કડક પગલા લેવાયા હતા. કિરણ મોદી જેવા સક્ષમ અધિકારીને હાંસીયામાં ધકેલી દેવાયા છે. બીજી તરફ ભ્રષ્ટાચારની અસંખ્ય ફરિયાદ છતાં પીઆઇ કિકાણીને સાઇડ પોસ્ટીંગ આપવાને બદલે સારુ પોલીસ મથક આપવામાં આવ્યું હોવાની વાતે જોર પકડ્યું છે. આ બદલી કરાવવામાં કેટલાક ઉચ્ચ અધિકારીઓએ પોલીસ કમિશનર અજય તોમરને ઊંધા ચશ્મા પહેરાવ્યા હોવાની વિગતો પણ બહાર આવી છે.

આ બાબતે તટસ્થ તપાસ કરાશે : ગૃહમંત્રી હર્ષ સંઘવી
આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગેરરીતિ આચરનારાઓ સામે કડકમાં કડક પગલા લેવાશે અને આ બાબત તટસ્થ તપાસ કરાશે. સલાબતપુરામાં અસંખ્ય ફરિયાદો બાદ સમગ્ર સ્ટાફની બદલીનો નિર્ણય લેવાયો છે, અને હવે હું જાતે જ સમગ્ર કેસની તપાસ કરાવી રહ્યો છે.

Most Popular

To Top