સુરતના બિલ્ડરો બેનંબરના રૂપિયા અહીં છુપાવે છે, આ બિલ્ડરના 20 કરોડ રોકડા મળતા પર્દાફાશ થયો

સુરત: (Surat) આવકવેરા વિભાગની (Income Tax) ઇન્વેસ્ટિગેશન વિંગ (Investigation Wing) દ્વારા દોઢ માસ અગાઉ સંગીની (Sangini) બિલ્ડર (Builder) ગ્રુપ સહિતના બિલ્ડરો, જવેલર્સ અને બ્રોકરોને ત્યાં 40 સ્થળોએ કરેલા સર્ચ ઓપરેશન (Search Operation) દરમ્યાન 300 કરોડના રોકડ ટ્રાન્ઝેક્શન સહિત 650 કરોડના બેનામી વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા હતા. આ તપાસનો રેલો વેસુના પ્રાઇવેટ સેઇફ ડિપોઝિટ વોલ્ટ (Safe Deposit walt) સુધી પહોંચ્યો હતો. આ વોલ્ટના 14 લોકરની તપાસ કરવામાં આવતા આ લોકરોમાંથી (Locker) 20 કરોડની રોકડ (Cash) અને જ્વેલરી (Jewelry) મળી આવી છે.

  • આવકવેરા વિભાગે 14 લોકરની તપાસ દરમ્યાન ગ્રાહકોએ બુકિંગના ટોકન પેટે આપેલી રોકડ રકમ જપ્ત કરી
  • મોટાભાગના લોકરનો ઉપયોગ બિલ્ડરો અને બ્રોકર જ કરતા હતાં, અગાઉ 50 કરોડની બેહિસાબી સંપત્તિ પકડાઈ હતી

આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સેફ ડિપોઝીટ વોલ્ટના લોકર મોટાભાગે બિલ્ડરો અને બ્રોકરો (Brokers) ઓપરેટ કરતા હતા. જે ગ્રાહકો આવાસ બુક કરતા તેના ટોકનની રોકડ રકમ અહીં રાખવામાં આવતી હતી. જે રિટર્નમાં દર્શાવાઇ ન હતી. સર્ચ દરમિયાન જપ્ત કરેલી ડાયરીઓનો અધિકારીઓને લોકર સુધી લઈ ગઈ હતી. વેસુના સુમંગલ પ્રાઇવેટ વોલ્ટમાં કુલ 900 લોકર હતા તે પૈકી શંકાના આધારે કુલ 14 લોકરની તપાસ કરવામાં આવી હતી. જે લોકર માટે કેવાયસી (KYC) નિયમોમાં છૂટ આપવામાં આવી હતી તે લોકરોનો મામલો છેક ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

200 કરોડની લોન અને 100 કરોડના ફ્લેટનો વ્યવહાર રોકડમાં રોકડમાં થયો હતો
આવકવેરા વિભાગની સર્ચ કાર્યવાહી દરમ્યાન 650 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા. જેમાં 200 કરોડની લોનની રકમની લેવડ દેવડ બિલ્ડરો-જવેલર્સ વચ્ચે રોકડમાં થઈ હતી. જ્યારે 100 કરોડના ફ્લેટ વેચાણના ટ્રાન્ઝેક્શન પણ રોકડમાં થયા હતા. દોઢ મહિના અગાઉ આવકવેરા અધિકારીઓએ રૂપિયા ચાર કરોડની રોકડ અને ત્રણ કરોડની જ્વેલરી સિઝ કરી હતી. તેમાં 20 કરોડની વધુ રોકડ ઉમેરાઈ છે.

તમને જણાવી દઈએ કે સુરતના બાંધકામ ઉદ્યોગમાં હજુ પણ 50 ટકાથી વધુ પેમેન્ટ રોકડમાં લેવામાં આવે છે. બિલ્ડરો દ્વારા ટોકન એમાઉન્ટ રોકડમાં લઈ ગ્રાહકને ડાયરી બનાવી આપવામાં આવે છે. ઈન્વેસ્ટમેન્ટના કિસ્સામાં તો બ્રોકરો દ્વારા ડાયરી જ ફેરવી દેવામાં આવતી હોય છે. આવકવેરા અને જીએસટીના દરોડાના ભયના પગલે બિલ્ડરો બાંધકામ ઓફિસથી દૂર ડાયરી અને રોકડ છૂપાવતા હોય છે.

Most Popular

To Top