Top News

રશિયન સૈનિકોનો હવે યુક્રેનની મહિલાઓ પર બળાત્કાર – યુક્રેન મીડિયાનો દાવો

કિવ: યુક્રેન પર રશિયન હુમલાનો આજે દસમો દિવસ છે. કિવને કબજે કરવા માટે રશિયન સેનાના હુમલા યુક્રેનના વિવિધ શહેરોમાં સતત ચાલુ છે. રશિયાએ યુક્રેન પરના પોતાના હુમલાઓ ચાલુ જ રાખ્યા છે તથા અનેક મોટા યુક્રેનિયન શહેરો પર તેણે મોટા પાયે અને એકધારો તોપમારો કર્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે, જે તોપમારામાં 47 નિર્દોષ નાગરિકોના મોતના પણ અહેવાલો છે.

રશિયા પોતાના હુમલાઓમાં નિર્દોષ નાગરિકોને પણ વધુને વધુ પ્રમાણમાં ભોગ બનાવી રહ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. રશિયાના ખાર્કિવ, ખર્સોન, ચેર્નિહિવ સહિત અનેક શહેરો પર રશિયાએ હુમલાઓ કર્યા છે અને આ હુમલાઓ અટકવાની કોઇ નિશાની આજે પણ દેખાડતા ન હતા જેમાં યુક્રેનમાં દક્ષિણના ભાગમાં આવેલ મીકોલેઇવ શહેરમાં આજે વહેલી સવારે હુમલાઓ કર્યા હતા અને રશિયન દળો આ શહેરની ખૂબ જ નજીક આવી ગયા હતા. દક્ષિણના જ બીજા શહેર મારીયુપોલમાં હુમલાઓ પછી સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આ શહેર છેલ્લા ત્રણ દિવસથી વિજળી, પાણીના પુરવઠા વિના છે. સખત ઠંડીમાં હીટરો વિના લોકો ઠુંઠવાઇ રહ્યા છે.

યુક્રેન પર નો-ફ્લાય ઝોન રચવાનું નાટોએ માંડી વાળ્યું
અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન આજે અહીં નાટો સંગઠનના વિદેશ મંત્રીઓને મળ્યા હતા, જ્યાં તેમણે ચેતવણી આપી હતી કે નાટો તેના પ્રદેશની દરેક ઇંચ જમીનનું રક્ષણ કરવા તૈયાર છે, પણ હાલ રશિયા સાથે લડવા માગતું નથી. નાટો સંગઠનના વડા જેન્સ સ્ટોલનબર્ગે પણ બ્લિન્કનની વાતનો પડઘો પાડતા કહ્યું હતું કે નાટોની પ્રાથમિકતા તેના ૩૦ સભ્ય દેશોનું રક્ષણ કરવાની છે અને તે નો-ફ્લાય ઝોન રચવા સૈનિકો મોકલીને યુક્રેનમાં સંડોવાવા માગતું નથી. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન(નાટો)ના વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધન કરતા અમેરિકી વિદેશ મંત્રીએ ફરી એક વાર સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા યુક્રેનમાં સીધું સંડોવાશે નહીં. બ્લિન્કનની સાથે નાટોના વડા સ્ટોલનબર્ગ પણ આ બેઠકમાં બોલ્યા હતા, જેમણે કહ્યું હતું કે સંગઠનના સાથી દેશોએ યુક્રેન પર નો-ફ્લાય ઝોનની રચના કરવાના મુદ્દાની ચર્ચા કરી હતી, આ નો-ફ્લાય ઝોનનું પાલન કરાવવા નાટોના જેટ વિમાનો યુક્રેનના આકાશમાં મોકલવા પડશે અને તેથી રશિયા સાથે નાટોનો સીધો સંઘર્ષ સર્જાશે, અને નાટો આ યુદ્ધનો ભાગ નથી, તેથી નો-ફ્લાય ઝોનનો વિચાર પડતો મૂકાયો છે.

નાટો પર રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનાં આકરા પ્રહારો
રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુક્રેનને નો-ફ્લાય ઝોન જાહેર કરવાનો ઇનકાર કરવા બદલ ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) પર આકરા પ્રહારો કર્યા છે. તેમનું કહેવું છે કે પશ્ચિમી સૈન્ય ગઠબંધને હવે આવું ન કરીને રશિયન હુમલાઓને લીલી ઝંડી આપી દીધી છે. શુક્રવારે એક વિડિયોમાં, ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે નાટોએ જાણી જોઈને યુક્રેન ઉપર ફ્લાઈટ્સ બંધ કરવાનો નિર્ણય લીધો ન હતો, એ જાણીને કે રશિયા નવા હુમલા કરશે અને તેમાં લોકો મૃત્યુ પામશે. નાટોએ યુક્રેનિયન શહેરો અને ગામડાઓ પર વધુ રશિયન બોમ્બ ધડાકા માટે લીલી ઝંડી આપી દીધી છે. અગાઉ શુક્રવારે, નાટોએ રશિયન બોમ્બ વિસ્ફોટોને રોકવા માટે નો-ફ્લાય ઝોન રજૂ કરવાની યુક્રેનની અરજીને નકારી કાઢી હતી. જો કે, પશ્ચિમી દેશોએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ ચેતવણી આપી છે કે જો તેઓ તેમનું યુદ્ધ બંધ નહીં કરે તો નવા પ્રતિબંધો લાદવામાં આવશે. નાટોના વડા જેન્સ સ્ટોલ્ટનબર્ગે જણાવ્યું હતું કે લશ્કરી જોડાણ યુક્રેનમાં ‘નો ફ્લાય ઝોન’ લાગુ કરશે નહીં, કારણ કે આવા પગલાથી યુરોપમાં પરમાણુ સશસ્ત્ર રશિયા સાથે મોટા યુદ્ધની શરૂઆત થશે. જેમાં બીજા ઘણા દેશો સામેલ થશે અને ઘણી માનવીય દુર્ઘટના થશે.

ખેરસનમાં બળાત્કારના ૧૧ બનાવો નોંધાયા
રશિયન સૈનિકોએ હવે બળાત્કારો શરૂ કર્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. યુક્રેનના વિદેશ મંત્રી દમિત્રો કુલેબાએ દાવો કર્યો હતો કે રશિયન દળો જે શહેરોમાં દાખલ થયા છે ત્યાં તેમણે મહિલાઓ પર બળાત્કારો કર્યા છે. જો કે તેમણે પોતાના દાવાના ટેકામાં કોઇ પુરાવા આપ્યા ન હતા પરંતુ યુક્રેનિયન મીડિયાએ અહેવાલ આપ્યા હતા કે ખેરસન શહેરમાં બળાત્કારના ૧૧ બનાવો નોંધાયા છે જે રશિયનો અત્યાર સુધી પુરુ કબજે કરેલું એકમાત્ર શહેર છે.

Most Popular

To Top