Comments

2024 માટે વિપક્ષોએ મતભેદ ભૂલવા જ રહ્યા

સંયુક્ત વિરોધ પક્ષની આગેવાની કોણ લેશે તે મુદ્દાને બાજુ પર મૂકતાં મમતાએ કહ્યું હતું કે લોકસભાની 2024 ની ચૂંટણી આવતાં આવતાં વિરોધ પક્ષોની એકતા આપોઆપ આકાર લેશે. દેશ વિરોધ પક્ષોની આગેવાની લેશે અને આપણે અનુયાયીઓ બનીશું. મોદી-શાહની આવગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષને કચડી નાંખી 2021 ના જુલાઈમાં બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય પ્રાપ્ત કરી દિલ્હી જતા તૃણમૂળ કોંગ્રેસનાં સર્વેસર્વા મમતા બેનરજીએ આ વિધાન કર્યાં હતાં. નરેન્દ્ર મોદીના વિજયરથને થંભાવવા માટે તેઓ સર્વ સમાવિષ્ટ વિરોધ પક્ષના આગ્રહી હોવાનો નિર્દેશ તેમના વિધાનમાં આપતા હતા. તેમનો વિશ્વાસ અડગ હતો પણ તે ઝાઝું ટક્યો નહીં. ઉપરોક્ત વિધાનના થોડા સમય પછી તેમણે  કહ્યું હતું કે અમે સાથે મળીને સમવાયી માળખાનું રક્ષણ કરવાની કોશિશ કરીએ છીએ. આથી તમામ પ્રાદેશિક પક્ષોએ એક મંચ પર આવવું જોઈએ. કોંગ્રેસને જ્યાં જવું હોય ત્યાં જાય.

ઉત્તરપ્રદેશ વિધાન સભા અને અન્ય ચાર વિધાન સભાઓની ચૂંટણીનાં પરિણામ આવવાના પખવાડિયા પહેલાં તામિલનાડના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની આત્મકથાના વિમોચન વખતે ચેન્નાઈમાં વિપક્ષી નેતાઓની હકડેઠઠ હાજરી વચ્ચે યોજાયેલા સમારંભમાં આ ઉચ્ચારણ થયાં છે તે વિપક્ષી એકતા સામે મોટો પ્રશ્નાર્થ રજૂ કરે છે. પોતાની સરકાર સતત દબાણ હેઠળ હોવાથી સ્ટાલિન પોતે વિપક્ષી એકતાના આગ્રહી છે. વડા પ્રધાન મોદીની સરકારના એક યા બીજા કારણથી દબાણ હેઠળ રહેલી સરકારના વડા તરીકે સ્ટાલિન આ પ્રસંગે ખાસ કરીને રાજ્યો પર શાસન કરી રહેલા વિરોધ પક્ષોના તાણાવાણા બતાવી દેશે એવી અપેક્ષા રખાય જ છે. પણ બન્યું શું?

નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના પ્રમુખ શરદ પવાર અને તેમના સંસદ સભ્ય દીકરી સુપ્રિયા શુલેને પેટમાં દુખશે એવી ધારણા રખાઈ હતી. પણ મમતા બેનરજી તેલંગણા રાષ્ટ્રીય સમિતિના વડા કે. ચંદ્રશેખર રાવ ઓરિસ્સાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના વડા નવિન પટનાઈક , મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે જેવા નેતાઓ સ્ટાલિનની આત્મકથાના વિમોચનને વધાવવા ત્યાં આવવાની ધારણા રખાઈ હતી પણ તેવું કંઈ બન્યું નહીં. ઉલટાનું કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીના મુખ્ય મહેમાન પદ હેઠળના આ સમારંભમાં કેરળના મુખ્યમંત્રી અને માર્કસવાદી નેતા પિતારાઈ વિજયન આર.જે.ડી.ના નેતા તેજસ્વી યાદવ અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા  હાજર જ  હતા. આવું કેમ બન્યું? રાહુલ ગાંધીની હાજરીથી બધાને પેટમાં દુખ્યું. દેશ વિપક્ષોની આગેવાની લેશે અને અમે અનુસરીસું એવા મમતા બેનરજીના વિધાનનો ફુગ્ગો તરત ફૂટી ગયો. મમતા અને કે. ચંદ્રશેખર રાવ બંને વિપક્ષી નેતા માટે અલગ અલગ સોગઠાંબાજી રમે છે. લાગે છે કે તેઓ કોંગ્રેસને વિપક્ષી એકતાની ધરી બનતાં રોકવા માંગે છે. તેથી તેઓ સંસદસભ્યોની સાથે મંચ પર ભાગીદાર થયા નહીં!

કદાચ બંને માટે આવી રીતે વર્તવાનું કસમયનું હતું કારણ કે વિપક્ષી એકતાના ચણતર માટે હજી ઘણું કરવાનું છે. પહેલાં તેમણે તમામ પાંચ વિધાનસભાની ચૂંટણીઓમાં તાજેતરમાં થયેલા મતદાનના પરિણામ માટે તા. 10 મી માર્ચ સુધી રાહ જોવી જોઈએ. બીજું, રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના અને વિપક્ષી એકતાના પ્રયાસોને જોવાથી ધારેલું પરિણામ નહીં આવે. અત્યારે તો મમતા રાવ ઉપરાંત તમામ સ્વીકારે છે કે કોંગ્રેસને બહાર રાખવાથી વિપક્ષી એકતા નહીં થાય. ભલે જાહેરમાં તેઓ વિરોધી મત બતાવતા હોય. ભૂતકાળના અનુભવ દર્શાવે છે કે વિપક્ષી એકતા સાધવાના પ્રયાસો ક્યારેય સફળ નથી થયા. પછી તે 1977 ની જનતા પાર્ટી હોય કે 1989 ની વી.પી. સિંઘના નેશનલ ફ્રંટની રચના હોય.

શાસક પક્ષ સામે વાજપેયીની આગેવાની હેઠળ નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ અને કોંગ્રેસની આગેવાની હેઠળ યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સની રચના થઈ હતી. અત્યારના વિરોધ પક્ષોની એકતાના પ્રયાસોનું ધ્યેય એક જ છે પણ માર્ગ અને દિશા અલગ છે. એક કૂચની આગેવાની મમતા બેનરજીએ લીધી છે, જેને વડાપ્રાધાન પદના ઉમેદવાર તરીકે રજૂ થવાના કોઈ અભરખા નથી. પણ બીજી કૂચના નેતા છે રાવ. આ રાવ અત્યાર સુધી સંસદમાં વડા પ્રધાન અને ગૃહ પ્રધાનના ટેકેદાર રહ્યા છે. તેલંગણામાં ભારતીય જનતા પક્ષના સંભવિત જોખમનો સામનો કરવા માટે હવે તેઓ વિપક્ષી એકતાના પુરસ્કર્તા ઉપસ્થિત થવા માંગે છે.

ત્રીજું પરિબળ એ છે કે કોંગ્રેસ દેશવ્યાપી ઉપસ્થિતિ ધરાવતો પક્ષ હોવાથી વિપક્ષી એકતામાં તેનું મહત્ત્વ છે, પણ તે હવે પોતે જ પતનની ખીણ તરફ આગળ વધી રહ્યો છે. વિધાનસભાઓની ચૂંટણી પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસનું વિભાજન કરી શકશે. મમતા બેનરજીએ કહ્યું કે માર્ચની 10 મી એ ચૂંટણીના પરિણામ આવે પછી હું વિપક્ષી મુખ્ય પ્રધાનોની બેઠક યોજીશ. તેમના આ વિધાનને આ પરિપ્રેક્ષ્યમાં જોવાનું છે. કોંગ્રેસને જવું હોય ત્યાં જાય એવા તેમના વિધાન સાથે રાવ પણ સંમત છે. સ્ટાલિન ગાંધીના સંબંધ સારા છે ત્યારે વિપક્ષી એકતાના પ્રયાસોને જોવા જોઈએ. રાહુલે કહ્યું છે કે કોંગ્રેસ વગર વિપક્ષી એકતા કેવી? મૂળ વાત એ છે કે વિપક્ષોએ 2024 માટે પોતાના મતભેદ ભૂલવા જ રહ્યા.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top