Gujarat

રૂપાલા વિવાદ: બોટાદમાં મોદી પરિવાર સભામાં ચાલુ ભાષણે ભાજપના મહામંત્રીએ રાજીનામું આપી દીધું

બોટાદ(Botad): બોટાદના પાળિયાદ ગામમાં ગુરુવારે ભાજપના (BJP) મહામંત્રીએ ભાષણ આપતાં આપતાં રાજીનામું (Resignation) આપી દીધું હતું. મોદી પરિવારની (Modi Parivar) સભામાં બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે (Vijay Khachar) જાહેરમાં જ રાજીનામું ધરી દેતાં સોંપો પડી ગયો હતો. પરસોત્તમ રુપાલાએ (Parsottam Rupala) ક્ષત્રિય (Kshtriya) સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લીધે રાજીનામું આપી રહ્યાં હોવાનું ખાચરે જાહેર સભામાં જણાવ્યું હતું.

  • બોટાદ તાલુકાના ભાજપના મહામંત્રી વિજય ખાચરે રાજીનામું આપ્યું
  • ક્ષત્રિય સમાજ વિરુદ્ધની રૂપાલાની ટિપ્પણીના લીધે રાજીનામું આપ્યું
  • વહેલી તકે આ વિવાદનો અંત આવે તે માટે ભાજપના મોવડી મંડળને પ્રાર્થના કરી

લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યાર બાદથી રાજ્યભરમાં પ્રચાર શરૂ થયો છે. બોટાદ જિલ્લા ભાજપ દ્વારા છેલ્લાં ત્રણેક દિવસથી ભાજપના આગેવાનોની હાજરીમાં મોદી પરિવાર સભાના આયોજનો થઈ રહ્યાં છે. ગઈકાલે ગુરુવારે રાત્રે બોટાદ જિલ્લાના પાળિયાદ ગામમાં ભાજપના મહામંત્રીઓની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી.

આ મોદી સભામાં બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી વિજય ખાચરે રૂપાલાના ક્ષત્રિયો વિરુદ્ધના નિવેદનના વિરોધમાં અને ક્ષત્રિય સમાજના સમર્થનમાં જાહેર પ્રવચન કરતી વખતે રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો હતો.

પાળિયાદ ગામે ભાજપની સભામાં ભાષણ આપતી વખતે વિજય ખાચરે કહ્યું કે, ગુજરાતમાં અમારા ક્ષત્રિય સમાજમાં ગુસ્સો છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. હું 20 વર્ષથી ભાજપમાં છું પરંતુ આજે મારે મારા સમાજ સાથે રહેવાની ફરજ પડી છે. જેથી હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું આપું છું. આ સાથે જ ખાચરે કહ્યું હતું કે, આ વિવાદનો વહેલો અને સુખદ અંત આવે એવી મારી ઈચ્છા છે. હું ભાજપના મોવડી મંડળને પ્રાથના કરું છું કે આના માટે પ્રયત્ન કરું છું.

Most Popular

To Top