Sports

સૌરવ ગાંગુલીની થશે વિદાય, આ દિગ્ગજ બની શકે છે BCCIના આગામી અધ્યક્ષ

નવી દિલ્હી: સૌરવ ગાંગુલીને (Saurav Ganguly) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર, પૂર્વ ક્રિકેટર રોજર બિન્ની વર્તમાન BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને બદલવાની રેસમાં સૌથી આગળ છે. રોજર બિન્ની એ ભારતીય ટીમના સભ્ય હતા જેમણે કપિલ દેવની કપ્તાની હેઠળ 1983માં પ્રથમ વખત ODI વર્લ્ડ કપ જીત્યો હતો. બિન્ની કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના વર્તમાન પ્રમુખ છે. તેમનો પુત્ર સ્ટુઅર્ટ બિન્ની પણ ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યો છે.

BCCIની વાર્ષિક સામાન્ય સભા (AGM) માટે રાજ્ય એસોસિએશનના પ્રતિનિધિઓની યાદી બહાર આવી છે. આ યાદીમાં સામેલ વ્યક્તિ જ BCCIની ચૂંટણી લડી શકે છે, જેમાં રોજર બિન્નીનું નામ પણ છે. મળતી માહિતી મુજબ બીસીસીઆઈના વર્તમાન અધિકારીઓ પણ રોજર બિન્નીના નામ સાથે સહમત છે. 12 ઓક્ટોબર નામાંકન માટેની છેલ્લી તારીખ છે.

ઉમેદવારો BCCIના તમામ પદો માટે 11 અથવા 12 ઓક્ટોબરના રોજ ઉમેદવારી નોંધાવી શકે છે. 13 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. 14મી સુધી નામાંકન પરત ખેંચી શકાશે. જો વધુ દાવેદારો હશે તો 18 ઓક્ટોબરે મતદાન થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCI સેક્રેટરી જય શાહ પ્રમુખ બનવાની રેસમાં નથી, પરંતુ તેઓ ફરીથી એ જ પદ એટલે કે સેક્રેટરી માટે ચૂંટણી લડશે.

ગાંગુલીએ 2019માં જવાબદારી સંભાળી હતી
ગાંગુલીએ ઓક્ટોબર 2019માં બીસીસીઆઈના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ગાંગુલી ભારતીય ક્રિકેટ બોર્ડના 39માં પ્રમુખ છે અને તેમનો કાર્યકાળ આ વર્ષે સપ્ટેમ્બર સુધીનો હતો. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટની મંજૂરી મળ્યા બાદ, BCCI સંબંધિત બંધારણમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો, જે મુજબ ગાંગુલી 2025 સુધી BCCI અધ્યક્ષ તરીકે ચાલુ રહી શકે છે. પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાંગુલી પોતાના પદ પરથી હટી જવાના છે.

રોજર બિન્નીનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
રોજર બિન્ની 1979-87 દરમિયાન ભારત માટે 27 ટેસ્ટ અને 72 વન-ડે ઈન્ટરનેશનલમાં રમ્યા હતા. તેમણે વર્ષ 1979માં પાકિસ્તાન સામે બેંગ્લોર ટેસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. બિન્નીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 3.63ની એવરેજથી 47 વિકેટ લીધી હતી. તેમના નામે વન-ડે ઈન્ટરનેશનલમાં 29.35ની એવરેજથી 77 વિકેટનો રેકોર્ડ છે. રોજર બિન્ની બેટ સાથે પણ ઘણું યોગદાન આપવામાં માહિર હતા. તેમના નામે ટેસ્ટમાં 830 રન અને વન ડેમાં 629 રન છે.

બિન્ની ટીમ ઈન્ડિયાના સિલેક્ટર રહી ચૂક્યા છે.
વર્ષ 2014માં જ્યારે તેમના પુત્ર સ્ટુઅર્ટ બિન્નીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી કરવામાં આવી ત્યારે ઘણો હંગામો થયો હતો. તે સમયે એવી ચર્ચા જોરશોરથી થઈ હતી કે સ્ટુઅર્ટની પસંદગી તેના પિતાના કારણે થઈ હતી. રોજર બિન્નીએ આ વિશે કહ્યું હતું કે જ્યારે તેમના પુત્રનું નામ પસંદગી માટે આવ્યું તો તે મીટિંગ છોડીને બહાર જતા રહ્યાં હતાં.

Most Popular

To Top