SURAT

પાલ-ઉમરા બ્રિજને જોડતો રસ્તો 18ની જગ્યાએ 24 મીટર કરવા SVNITથી ઉમરા ગામ સુધી લાઇનદોરી મુકાઈ

સુરત: (Surat) સુરત મનપાના શાસકોની મુદત ગત તા.13મી ડિસેમ્બરે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારે સુરત મનપાના કમિશનર બંછાનિધિ પાનીને જ મનપાના વહીવટદાર(સીઇઓ) તરીકે નિમ્યા છે. તેમજ સ્થાયી સમિતિની તમામ સત્તા પણ આપી હોવાથી ચુંટાયેલી પાંખ વગરની પ્રથમ સ્થાયી સમિતિની મીટિંગ શુક્રવારે મળી હતી. જેમાં મનપા કમિશનર બંછાનિધિ પાનીએ સપાટો બોલાવ્યો હતો. તેમજ પાલ-ઉમરા બ્રિજના (Pal Umra Bridge) અપ્રોચ રસ્તાને પહોળો કરવા એસવીએનાઇટીથી (SVNIT) ઉમરા ગામ સુધીનો રસ્તો જે 18 મીટરનો છે તેને 24 મીટરનો કરવા માટે લાઇનદોરી મૂકતી દરખાસ્ત મંજૂર કરી હતી. જ્યારે આવી જ રીતે વેડ-વરિયાવ બ્રિજ માટે પણ વરિયાવ તરફે એપ્રોચને લાગુ રસ્તાને 24 મીટરનો કરવા માટે લાઇનદોરી મૂકતી દરખાસ્ત મંજૂર કરી હતી.

પાલ-ઉમરા માટેની લાઇનદોરીમાં ચાર અને વેડ-વરિયાવમાં ત્રણ મિલકતના ડિમોલિશનની બાકી
સુરત : સુરત મનપાએ પાલ-ઉમરા અને વેડ-વરિયાવ બ્રિજ માટે એપ્રોચ બનાવવા જરૂરી જમીનો મેળવવા માટેની કાર્યવાહી અગાઉથી ચાલુ કરી દીધી છે. તેમજ આ જે જમીન મેળવવાની બાકી છે તેના માટે લાઇનદોરી મૂકી દેવાઇ છે. પાલ-ઉમરા બ્રિજના એપ્રોચ સાથે જોડાયેલા રસ્તાને પહોળો કરવા મોટા ભાગની જમીનો મેળવી જ લેવાઇ છે. હવે માત્ર ચાર મિલકતો કપાતમાં આવે છે. જ્યારે વેડ-વરિયાવ બ્રિજ માટે વરિયાવ તરફે માત્ર ત્રણ મિલકતો કપાતમાં આવે છે.

લિંબાયતની આંબેડકર વસાહતમાં રસ્તાનો સરવે કરવા ગયેલા મનપાના સ્ટાફનો થાળી-વેલણ વગાડી વિરોધ

સુરત: શહેરના લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલી આંબેડકર વસાહતમાં સોમવારે સવારે લિંબાયત ઝોનના અધિકારીઓની ટીમ રસ્તાનો સરવે કરવા માટે પહોંચી હતી. મનપાના અધિકારીઓની આ રીતની વારંવાર હેરાનગતિથી કંટાળી ગયેલા સ્થાનિક લોકોએ પાલિકાના અધિકારીઓનો વિરોધ કર્યો હતો અને સરવેની કામગીરી શરૂ કરે તે પહેલાં જ થાળીઓ વગાડી તેનો વિરોધ કરી પાછા તગેડી મુખ્ય હતા. આ મામલે કોંગ્રેસના ભૂતપૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મનપા કમિશનરને સ્થાનિક લોકોને હેરાન ન કરવાની અને ખોટી રીતે કરવામાં આવતી કનડગત બંધ કરવા રજૂઆત કરી છે.

ભાઠેના પાસે આવેલી આંબેડકર વસાહતમાં સોમવારે સવારે લિંબાયત ઝોનના રસ્તાનો સરવે કરવા અધિકારીઓની ટીમ આવી પહોંચી હતી. આ સમયે આંબેડકર વસાહતમાં રહેતી મહિલાઓ થાળીઓ સાથે ત્યાં આવી પહોંચી હતી અને થાળીઓ વગાડી અધિકારીઓનો વિરોધ કરી હલ્લાબોલ કર્યું હતું. પાલિકાના કર્મચારીઓને સરવેની કામગીરી નહીં કરવા દઈ ત્યાંથી તગેડી મૂક્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ પણ આ જ રીતે મનપાની ટીમ આવી હતી. ત્યારે પણ સ્થાનિક લોકોએ સરવે નહીં કરવા દઈ ત્યાંથી હાંકી કાઢ્યા હતા. આ મામલે કોંગ્રેસના ભૂતપૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મનપા કમિશનરને રજૂઆત કરી હતી કે, ૨૦૧૦-૧૧માં રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. જે-તે સમયે ૧૫૦ જેટલાં ઝૂંપડાંનું ડિમોલિશન પણ કરવામાં આવ્યું હતું. હવે તે જગ્યા પર દીવાલ પણ બનાવી દેવામાં આવી છે. એક મહિના અગાઉ ૨૪ મીટરનો રસ્તાઓ ખુલ્લો કરવા ટીપી-૩૩ અને ટીપી-૭ની વચ્ચેનો રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જેમાં પણ ૯૦ ઘર આવતાં તેમને પણ હટાવવામાં આવ્યાં હતાં. ત્યારે હવે ભાઠેના કેનાલ રોડ પર સરવેની કામગીરી શરૂ કરવા માટે ફરી સરવેની કામગીરી કરવામાં આવી રહી છે, જે યોગ્ય નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top