Columns

ઋષિ સુનાક બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન બનશે

જે બ્રિટને ભારત પર લગભગ ૨૦૦ વર્ષ રાજ કર્યું તે એવી રાજકીય કટોકટીમાં સપડાયું છે કે ભારતીય મૂળના ઋષિ સુનાક બ્રિટનના વડા પ્રધાન બનવાની તદ્દન નજીક પહોંચી ગયા છે. આજથી સાત સપ્તાહ પહેલાં બ્રિટનના વડા પ્રધાન બનવા માટે સત્તાધારી રૂઢિચુસ્ત પક્ષની ચૂંટણી થઈ તેમાં ઋષિ સુનાકને ફાઇનલ રાઉન્ડમાં હરાવીને લિઝ ટ્રસ બ્રિટનનાં વડાં પ્રધાન બની ગયાં હતાં. લિઝ ટ્રસે તેમના શાસનનાં ૬ સપ્તાહમાં એવા છબરડાઓ કર્યા કે તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. લિઝ ટ્રસે રાજીનામું આપતાં ઋષિ સુનાકે ફરી વખત વડા પ્રધાન બનવાની હોડમાં ઝંપલાવી દીધું હતું. તેમનો મુકાબલો ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોનસન અને પેન્ની મોર્ડન્ટ સાથે છે. ઋષિ સુનાકને રૂઢિચુસ્ત પક્ષના ૩૫૭ પૈકી ૧૪૨ સભ્યોનો ટેકો છે. પેન્ની મોર્ડન્ટે જો સ્પર્ધામાં રહેવું હશે તો ઓછામાં ઓછા ૧૦૦ સંસદસભ્યોનો ટેકો મેળવવો પડશે. જો તેઓ નિશ્ચિત સમયમાં ૧૦૦ કે વધુ સભ્યોનો ટેકો નહીં મેળવી શકે તો ઋષિ સુનાકને આગામી વડા પ્રધાન જાહેર કરવામાં આવશે.

આજથી સાત સપ્તાહ પહેલાં રૂઢિચુસ્ત પક્ષમાં વડા પ્રધાનના હોદ્દા માટે ચૂંટણી થઈ ત્યારે તેમાં બોરિસ જોનસન ઋષિ સુનાકને નડી ગયા હતા. બોરિસ જોનસને રાજીનામું આપવું પડ્યું તેમાં ઋષિ સુનાકે પહેલું રાજીનામું આપીને ચાવીરૂપ ભૂમિકા ભજવી હોવાથી બોરિસ જોનસનના ટેકેદારો ઋષિ સુનાકથી નારાજ હતા. તેમણે લિઝ ટ્રસને મત આપીને તેમને વિજયી બનાવ્યાં હતાં. આ વખતે પણ બોરિસ જોનસન ઋષિ સુનાકને નડી જશે, તેમ લાગતું હતું, પણ છેલ્લી ઘડીએ પરિસ્થિતિમાં નાટ્યાત્મક પલટો આવ્યો હતો. રવિવારે રાતે બોરિસ જોનસન ઋષિ સુનાકને મળ્યા હતા. તેમની વચ્ચે શું સોદો થયો તે ખબર નથી; પણ બેઠક પછી બોરિસ જોનસને વડા પ્રધાનપદની રેસમાંથી બહાર નીકળી જવાની જાહેરાત કરી હતી. જો બોરિસ જોનસનના સમર્થકો હવે ધાર્યા મુજબ ઋષિ સુનાકને ટેકો આપશે તો ઋષિ સુનાક બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન બની જશે.

ઋષિ સુનાકની પત્ની અક્ષતા નારાયણ મૂર્તિની પુત્રી છે અને તે ભારતીય નાગરિક છે, તે બાબત પણ ઋષિને નડી હતી. અક્ષતા પાસે ઇન્ફોસિસના અબજ ડોલરના શેરો છે, તે સાંભળીને જ બ્રિટીશરોની આંખો પહોળી થઈ જતી હતી. બ્રિટનમાં વેલ્થ ટેક્સ ન ભરવો પડે તે માટે તેમણે બ્રિટનની નાગરિકતા સ્વીકારી નહોતી, તે વાત બ્રિટીશરોને હજમ થઈ નહોતી. ટેકનિકલી તેમાં કાંઈ ખોટું નહોતું, પણ બ્રિટીશરો માને છે કે દુનિયાના બધા દેશોની સંપત્તિ પર તેમનો હક્ક છે. તે હક્ક કોઈ ડૂબાડવા માગતું હોય તો બ્રિટીશરો તેમને માફ કરી શકતા નથી.

ઋષિ સુનાકની છાપ પણ કોઈ આપબળે આગળ આવેલા સ્ટ્રગલર તરીકેની નથી. તેમનો પરિવાર કેનિયા છોડીને આવ્યો ત્યારે પણ તે ગર્ભશ્રીમંત હતો. તેમની માતા ફાર્મસીની માલિક હતી. ઋષિ સુનાકના પરિવાર પાસે જે અઢળક ધનદોલત છે તેને કારણે જ રૂઢિચુસ્ત મતદારો અને તેમના વચ્ચે દિવાલ ઊભી થઈ ગઈ હતી. અક્ષતા મૂર્તિ અને ઋષિ સુનાકનાં લગ્ન ૨૦૦૯માં થયા હતા. તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સાથે ભણતાં હતાં. ઋષિ સુનાક અને અક્ષતાની કુલ સંપત્તિ ૭૩ કરોડ પાઉન્ડ જેટલી છે. તે પૈકી અક્ષતાની વ્યક્તિગત સંપત્તિ લગભગ ૫૦ કરોડ પાઉન્ડની છે.

અક્ષતા મૂર્તિ ભારતની નાગરિક હોવાથી તેણે બ્રિટનમાં સંપત્તિવેરો ભરવો પડતો નથી. આ રીતે અક્ષતાએ સંપત્તિવેરામાં આશરે બે કરોડ પાઉન્ડની બચત કરી હતી. ઋષિ સુનાક અને અક્ષતા મૂર્તિ પાસે બ્રિટનમાં ચાર સ્થાવર મિલકતો છે, જેમાં કેનસિંગ્ટનમાં આવેલા ૭૦ લાખ પાઉન્ડની કિંમતના વૈભવશાળી બંગલાનો પણ સમાવેશ થાય છે. ભારતીય મૂળના ઋષિ સુનાક બ્રિટનના વડા પ્રધાન બને તે વાત રંગભેદની માનસિકતા ધરાવતાં કેટલાંક બ્રિટીશ નાગરિકો હજમ કરી શકતાં નથી. ઋષિ સુનાકે બ્રિટનના વડા પ્રધાન બનવાની રેસમાં ઝંપલાવી દીધું તે પછી સત્તાધારી રૂઢિચુસ્ત પક્ષના એક સભ્યે લોકપ્રિય રેડિયો એલસીબીના કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘‘ઋષિ સુનાક બ્રિટનને પ્રેમ કરતા નથી; કારણ કે તેઓ ગોરી ચામડીના નથી.’’હકીકતમાં ઋષિ સુનાકનો તો જન્મ પણ બ્રિટનમાં થયો હતો.

તેમનાં માતાપિતા મૂળ ભારતીય હતાં, પણ કેનિયામાં સ્થાયી થયાં હતાં. કેનિયામાં રાજકીય અસ્થિરતા થતાં તેઓ બ્રિટનમાં વસ્યાં હતાં. ઋષિ સુનાકનો જન્મ બ્રિટનમાં થયો હતો અને તેમણે ઉચ્ચ શિક્ષણ પણ બ્રિટનની યુનિવર્સિટીઓમાં જ લીધું હતું તેથી વિરુદ્ધ બોરિસ જોનસનનો જન્મ અમેરિકામાં થયો હતો. ઋષિ સુનાક તો જન્મથી જ બ્રિટીશ નાગરિક છે, તેમ છતાં કેટલાંક રેસિસ્ટ લોકો માને છે કે તેઓ કાળી ચામડી ધરાવતા હોવાથી તેમને બ્રિટનના વડા પ્રધાન બનાવવા જોઈએ નહીં.  ઋષિ સુનાક જ્યારે નાણાં પ્રધાન હતા ત્યારે તેમણે કરવેરા વધારીને બ્રિટનના અર્થતંત્રને મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

કોરોના દરમિયાન તેમણે નોકરી ગુમાવનારાં બ્રિટીશ નાગરિકોને તેમના પગારના ૬૦ ટકા ઘેર બેઠાં આપીને તેમને ટકાવી રાખ્યાં હતાં. તેથી વિરુદ્ધ લિઝ ટ્રુસ કરવેરા ઘટાડવાનાં હિમાયતી હતાં. તેમણે જાહેર કર્યું હતું કે જો તેઓ વડાં પ્રધાન બનશે તો કરવેરામાં ૪૧ અબજ ડોલરનો ઘટાડો કરશે. આ ઘટાડાને કારણે જે ખાધ ઊભી થશે તે તમે કેવી રીતે પૂરશો? તેના જવાબમાં તેઓ કહેતાં હતાં કે તેઓ લોન લઈને ખાધ ભરપાઈ કરી દેશે. તેમનો આ જવાબ અર્થશાસ્ત્રના નિષ્ણાતો હજમ નહોતા કરી શકતા, પણ મતદારોને તો કરવેરામાં ઘટાડો કરવાની વાત ગમતી હતી.

આ કારણે જ તેઓ ટોરી પક્ષનાં નેતાં બનવાની હોડમાં આગળ નીકળી ગયાં હતાં અને વડાં પ્રધાન પણ બની ગયાં હતાં. વડાં પ્રધાન બન્યાં પછી તેમણે પોતાના મિની બજેટમાં કોર્પોરેટ વેરામાં જોરદાર ઘટાડો કર્યો હતો અને સરકારી ખર્ચાઓ વધારવાની જાહેરાત કરી હતી. તેને કારણે માર્કેટમાં ધરતીકંપ આવ્યો હતો અને બોન્ડના ભાવો તૂટી ગયા હતા. લિઝ ટ્રસને પોતાનો હોદ્દો બચાવવા તમામ જાહેરાતો પાછી ખેંચીને નાણાં પ્રધાન બદલવાની ફરજ પડી હતી. લિઝ ટ્રસ ચૂંટણીમાં આપેલાં વચનો પાળવામાં નિષ્ફળ જતાં તેમણે રાજીનામું આપ્યું હતું.

ઋષિ સુનાક ભલે બ્રિટનના વડા પ્રધાન બની જશે, પણ તેમના માથે કાંટાળો તાજ મૂકવામાં આવ્યો છે. આજે બ્રિટન જે અપરંપાર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, તેમાંથી તેને બહાર લાવવામાં ઋષિ સુનાકનું પાણી મપાઈ જવાનું છે. બ્રિટનમાં ફુગાવો ૪૦ વર્ષની ટોચ પર પહોંચ્યો છે. રશિયા દ્વારા બળતણના પુરવઠામાં કાપ મૂકવામાં આવ્યો હોવાથી બળતણના ભાવોમાં બેફામ વધારો થયો છે. બ્રિટનના સામાન્ય પરિવારના ઊર્જા ખર્ચમાં એક વર્ષમાં ૫૦ ટકા વધારો થયો છે. શિયાળો આવતાં પરિસ્થિતિ વધુ કથળવાની સંભાવના છે. ફુગાવો ત્યારે ૧૩.૩ ટકાની નવી ટોચ પર પહોંચી જશે.

બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી ગયું તેને કારણે પેદા થયેલી સમસ્યાઓ હલ થઈ નથી. પાઉન્ડની કિંમત ઘટી રહી છે ત્યારે ઋષિ સુનાકની અગ્નિપરીક્ષા થવાની છે. બ્રિટીશ રાજ માટે એક વખત કહેવાતું હતું કે તેમાં સૂર્ય ક્યારેય આથમતો નથી. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટીશ સંસ્થાનો એક પછી એક સ્વતંત્ર થવા લાગ્યાં તેમ બ્રિટીશ સામ્રાજ્ય સંકોચાતું ગયું. આજે તે બ્રિટન પૂરતું મર્યાદિત થઈ ગયું છે. કોરોના, લોકડાઉન અને યુક્રેન યુદ્ધને કારણે બ્રિટનમાં મોંઘવારી, ગરીબી અને બેકારી વધી રહી છે. બ્રિટનનો સૂર્ય હવે આથમી ગયો છે.

Most Popular

To Top