Editorial

રસીકરણ સામે ધર્મગુરુઓનો વિરોધ: ગરીબ દેશોની કઠણાઇ

હાલમાં ઝિમ્બાબ્વેમાં ઓરીના રોગચાળાથી બાળકોમાં મૃત્યુઆંક વધીને ૭૦૦ પર પહોંચ્યો છે એવા અહેવાલ આવ્યા છે. છેલ્લા થોડાક મહિનાઓમાં આટલો મૃત્યુઆંક થયો છે. આ ગરીબ અને આર્થિક રીતે મુશ્કેલીગ્રસ્ત એવા આફ્રિકન દેશમાં  ઓરીનો રોગચાળો નવી વાત નથી. તેમાં આટલા બધા બાળકો થોડા જ મહિનાઓમાં ભરખાઇ જાય તે આઘાત જનક છે તો ખરું, પરંતુ આજે અહીં ચર્ચા આ બાબતે એક જુદા વિષયની કરવાની છે. આ ઝિમ્બાબ્વેમાં કેટલાક ખ્રિસ્તી ધાર્મિક  સંપ્રદાયો એવા છે કે જેઓ રસીકરણનો વિરોધ કરે છે અને તેમના પ્રભાવ હેઠળ જીવતા લોકો નાના બાળકોને ઓરી, અછબડા જેવા રોગો માટેની રસી મૂકાવતા નથી અને બાળકો આવા રોગચાળાઓનો ભોગ બનીને ટપોટપ મરે છે.

આ ધાર્મિક  જૂથો ફક્ત રસીકરણનો જ નહીં પરંતુ તમામ પ્રકારની આધુનિક દવાઓ અને આધુનિક સારવાર પધ્ધતિઓનો વિરોધ કરે છે અને પોતાના ભૂવાઓ કે ઉંટવૈદો પાસે લોકો સારવાર કરાવે તેવો આગ્રહ રાખે છે! અને ફક્ત ઝિમ્બાબ્વેમાં જ નહીં,  વિશ્વના અનેક દેશોમાં આ પ્રકારની સ્થિતિ છે. અફઘાનિસ્તાન જેવા દેશોમાં અને પાકિસ્તાનના અફઘાન સરહદ સાથેના ગામડાઓમાં પોલીયો રસીકરણના વિરોધના બનાવો પણ બને છે અને રસીકરણ અભિયાન સાથે જોડાયેલા કર્મચારીઓ  પર હુમલાના બનાવો પણ બને છે. આપણા ભારતમાં પણ કેટલાક રાજ્યોના ઉંડાણવાળા અને પછાત વિસ્તારોમાં, અરે કેટલાક શહેરી વિસ્તારોમાં પણ રસીકરણનો વિરોધ કરનારા ધર્મગુરુઓ છે. ઉંડાણના ગામડાઓમાં તો હજી પણ ભગત  ભૂવાઓનો નોંધપાત્ર પ્રભાવ છે. આજના આધુનિક યુગમાં પણ દુનિયાના અનેક ભાગોમાં આવી સ્થિતિ પ્રવર્તે છે તે એક મોટી કઠણાઇ છે.

 દોઢ કરોડની વસ્તી ધરાવતા દેશ એવા ઝિમ્બાબ્વેમાં આધુનિક દવાઓના વિરોધ એવા કેટલાક ધાર્મિક સંપ્રદાયોનો પ્રભાવ ઘણા મોટા સમૂહો પર છે તેથી કેટલાક લોકો રસીકરણને ફરજિયાત બનાવવાની માગણી કરી રહ્યા છે. આ દક્ષિણ  આફ્રિકન દેશના આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી હતી કે એપ્રિલમાં શરૂ થયેલા આ રોગચાળાથી આ સપ્તાહના અંત સુધીમાં ૬૯૮ બાળકોનાં મોત થયા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે પહેલી સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં ૩૭નાં મોત થયા  હતા. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે ૪ સપ્ટેમ્બરના રોજ ૬૨૯૧ કેસ નોંધ્યા હતા.

કુલ મૃત્યુનો હાલ જાહેર કરાયેલો આંકડો બે સપ્તાહ પહેલા જ જાહેર કરાયેલા આંકડા કરતા ચાર ગણો વધારે છે, જ્યારે મંત્રાલયે જણાવ્યું હતું કે ૧પ૭  બાળકોના મોત આ રોગથી થયા છે. મૃત્યુ પામેલા મોટા ભાગના બાળકો તેમના કુટુંબોની ધાર્મિક માન્યતાઓને કારણે રસી મૂકાયા વગરના હતા એમ જાણવા મળે છે. ડોકટરોના એક સંગઠનના પ્રમુખ ડો. જોહાનેસ મારીસાએ જણાવ્યું હતું કે  સરકારે હાલના સામૂહિક રસીકરણ અભિયાનને વધુ વેગ આપવો જોઇએ અને ખાસ કરીને રસી વિરોધી ધાર્મિક જૂથોને લક્ષ્ય બનાવીને જાગૃતિ કાર્યક્રમો યોજવા જોઇએ.  ઝિમ્બાબ્વે જેવા દેશોમાં કેટલાક ખ્રિસ્તી પંથો આધુનિક દવાઓનો વિરોધ  કરે છે અને પોતાના પંથના સભ્યોને બની બેઠેલા ધર્મગુરુઓ પાસે સારવાર કરાવવાનો આગ્રહ રાખે છે!

ઝિમ્બાબ્વેની સરકારે ઓરી સામે સઘન રસીકરણ શરૂ કર્યું છે પરંતુ તેને આવી ધાર્મિક માન્યતાઓના અવરોધ નડે છે. ગરીબ આફ્રિકન  દેશોમાં ખૂબ અંધશ્રદ્ધાઓ પ્રવર્તે છે. ત્યાં ગરીબ દેશોમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ધર્મગુરુઓનો પ્રભાવ ખૂબ પ્રવર્તે છે. ત્યાં ખ્રિસ્તી ધર્મના અનેક સંપ્રદાયો છે અને તેમાના અનેક સંપ્રદાયોમાં તો બની બેઠેલા ધર્મગુરુઓનો પ્રભાવ હોય છે.  ધર્મનું પણ છીછરું જ્ઞાન ધરાવતા આવા ધર્મગુરુઓ પોત પોતાની માન્યતાઓ ત્યાંની ગરીબ પ્રજા પર ઠોકી બેસાડે છે. પોપ ગમે તેટલી આધુનિકતાની તરફેણ કરતા હોય પરંતુ આ બની બેઠેલા પાદરીઓ તો ગરીબ પ્રજાને અંધશ્રદ્ધાના જ ડોઝ  પીવડાવ્યે રાખે છે.

રસીકરણનો વિરોધ ફક્ત ગરીબ આફ્રિકન દેશોમાં થાય છે તેવું નથી. આપણે અગાઉ જોઇ ગયા તેમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ કેટલાક કટ્ટરવાદી મુસ્લિક ધાર્મિક જૂથો રસીકરણનો વિરોધ કરે છે. ત્યાં તો પોલિયોની રસી આપનારા  કાર્યકરો પર હુમલાના બનાવો પણ નોંધાયા છે. જો કે આ માટેનું કારણ કંઇ જુદું છે. પાકિસ્તાનના અફઘાનિસ્તાન સાથેના સરહદી વિસ્તારોમાં કેટલાક ત્રાસવાદીઓની હાજરીની ભાળ મેળવવા માટે અમેરિકાએ બનાવટી રસીકરણ કેમ્પો ગોઠવ્યા  હતા, આ કેમ્પોમાં રસીકરણના નામે તે વિસ્તારના લોકોના બ્લડ સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા.

આના પછી તે વિસ્તારના કટ્ટરવાદીઓએ રસીકરણનો જ સખત વિરોધ કરવા માંડ્યો અને તમામ રસીકરણ કેમ્પોને શંકાની નજરે જોવા  માંડ્યા. રસીકરણનો વિરોધ રસી ઉત્પાદક દવા કંપનીઓ અને વિવિધ સરકારોને શંકાની નજરે જોતા મૂડીવાદ વિરોધીઓ પણ કેટલીક વખતે કરે છે. હાલમાં કોવિડની રસી સામેનો કોન્સ્પાયરી થિયરિસ્ટોનો વિરોધ જાણીતો છે. જો કે  રસીકરણનો વિરોધ મોટે ભાગે અંધશ્રદ્ધા જેવા કારણોને લઇને જ વધુ થાય છે. લોકોને અંધશ્રદ્ધામાં સબડતા રાખવા માગતા ધર્મગુરુઓ ફક્ત રસીકરણનો જ નહીં, તમામ આધુનિક દવાઓ અને આધુનિક સારવાર પદ્ધતિઓનો વિરોધ કરે છે અને  લોકો પણ તેમની પાછળ દોરવાય છે તે એક મોટી કરૂણતા છે.

Most Popular

To Top