Columns

જ્ઞાનવાપી મસ્જિદમાં હિન્દુઓના પૂજાના અધિકાર માટેની લડાઈ હજુ પૂરી નથી થઈ

કોઈ પણ સામાન્ય બુદ્ધિ ધરાવનાર વ્યક્તિ પણ કહી શકે કે જ્ઞાનવાપી સંસ્કૃત શબ્દ છે, માટે તે મસ્જિદનું નામ હોઈ શકે નહીં. કાશીના વિશ્વનાથ મંદિરને તોડીને તેના પર જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી હતી તે ઐતિહાસિક તથ્યનો કોઈ ઈનકાર કરી શકે તેમ નથી. તેમ છતાં આ તથાકથિત મસ્જિદમાં પૂજા કરવાના અધિકાર માટે ભારતના હિન્દુઓને કાનૂની લડાઈ લડવી પડે તે આપણી ન્યાયવ્યવસ્થાની બલિહારી છે.

જે રીતે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે લાંબી લડાઈ ચાલી હતી તેમ મથુરામાં શ્રીકૃષ્ણની જન્મભૂમિ પર કૃષ્ણ મંદિરના નિર્માણ માટે અને કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા કરવા માટે પણ કાનૂની લડાઈ છેક ૧૯૩૬ થી ચાલી રહી છે. હવે વારાણસીની જિલ્લા કોર્ટનો ચુકાદો હિન્દુઓની તરફેણમાં આવતાં જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા કરવાનો અધિકાર માગતો કેસ ટકી શકે તેવો છે, તેવું કોર્ટે ઠરાવ્યું છે, પણ ખરેખરો પૂજાનો અધિકાર માન્ય કરાવવા લાંબી લડાઈ બાકી છે, જે કદાચ હાઈ કોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી લડાશે. આ જ્ઞાનવાપી સંકુલ અંગે બે કેસો ચાલી રહ્યા છે.

પહેલો કેસ ૧૯૩૬ માં દીન મોહમ્મદ વિરુદ્ધ રાજ્ય સચિવનો છે, જેમાં દીન મોહમ્મદે જ્ઞાનવાપી મસ્જિદ અને તેની આસપાસની જમીનો પર પોતાનો અધિકાર વ્યક્ત કર્યો હતો. તેનો કેસ નંબર ૬૨/૧૯૩૬ જે એડિશનલ સિવિલ જજ બનારસ સમક્ષ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોર્ટે તેને મસ્જિદની જમીન તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. દીન મોહમ્મદ આ મામલો લઈને અલ્હાબાદ હાઈ કોર્ટમાં ગયો અને જ્યારે ૧૯૩૭ માં નિર્ણય આવ્યો ત્યારે હાઈ કોર્ટે મસ્જિદના માળખા સિવાયની તમામ જમીન પર વ્યાસ પરિવારનો અધિકાર જાહેર કર્યો અને તેમના પક્ષમાં ચુકાદો આપ્યો. ત્યારથી આજ દિન સુધી વ્યાસ પરિવાર જ્ઞાનવાપી મસ્જિદની નીચે આવેલા ભોંયરાની સંભાળ રાખે છે અને ત્યાં પૂજા-અર્ચના કરે છે.

હાઈ કોર્ટે જો કે મસ્જિદના સંકુલમાં નમાજ પઢવાના મુસ્લિમોના અધિકારને માન્ય કર્યો હતો. ૧૯૩૭ થી ૧૯૯૧ સુધી બંને પક્ષો વચ્ચે કોઈ વિવાદ થયો ન હતો. મુસ્લિમો તેમની મસ્જિદોમાં જતાં હતાં, જ્યારે હિન્દુઓ તેમનાં મંદિરોમાં જતાં હતાં. જો કે આ મસ્જિદ પણ ૧૯૯૧ સુધી ઉજ્જડ રહી હતી, જેમાં માત્ર થોડા મુસ્લિમો જ નમાજ પઢતાં હતાં, પરંતુ બાબરીના ધ્વંસ પછી અહીં નમાજીઓની સંખ્યા અચાનક વધી ગઈ હતી અને ત્યારથી અહીં દરરોજ નમાજ થાય છે. ૧૯૯૧ માં સ્વામી સોમનાથ વ્યાસે કેસ દાખલ કર્યો અને તેઓએ જ્ઞાનવાપી મસ્જિદને આદિ વિશ્વેશ્વર મંદિર કહીને હિન્દુઓને સોંપવાની માગણી કરી હતી.  આ મામલો આજ સુધી ચાલે છે અને આ મામલાની સુનાવણી કરતી વખતે, ૧૯૯૬ માં કોર્ટે પ્રથમ વખત કોર્ટ કમિશન બનાવ્યું હતું અને પ્રથમ સર્વે ૧૯૯૬ માં કરવામાં આવ્યો હતો.

આ કેસમાં સોમનાથ વ્યાસ વતી વિજયશંકર રસ્તોગી વકીલ હતા. સોમનાથ વ્યાસના અવસાન બાદ તેમના પુત્ર કેદારનાથ વ્યાસ આ કેસ લડી રહ્યા હતા. ૨૦૨૦ માં કેદારનાથનું પણ અવસાન થયા પછી વિજયશંકર રસ્તોગી વાદીના મિત્ર તરીકે આ બાબતની વકીલાત કરી રહ્યા છે. મસ્જિદના ઢાંચાને મંદિર કે અસલ વિશ્વેશ્વર મંદિર ગણાવવાની અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી ત્યારે તેમાં અનેક તસવીરો પણ મૂકવામાં આવી હતી. તે તમામ તસવીરો તોડી પાડવામાં આવેલી રચનાની છે, જેમાં મંદિરને જોઈ શકાય છે. મંદિરના વિધ્વંસ પર બનેલી મસ્જિદની કેટલીક તસવીરો કોર્ટમાં પુરાવા તરીકે જોડવામાં આવી હતી. તેને ધ્યાનમાં રાખીને વર્ષ ૧૯૯૬ માં એક સર્વે પંચની રચના કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન બનારસ કોર્ટે પુરાતત્ત્વ ખાતા દ્વારા ખોદકામ કરવાનો આદેશ આપ્યો હતો.

૨૦૧૯ માં વિજયશંકર રસ્તોગીએ ભગવાન વિષ્ણુ વતી વારાણસીની જિલ્લા અદાલતમાં અરજી કરી હતી કે જ્ઞાનવાપી મસ્જિદના સમગ્ર વિસ્તારનો પુરાતત્ત્વ ખાતા દ્વારા સર્વે કરવામાં આવે અને શોધી કાઢવામાં આવે કે ત્યાં પ્રાચીન કાળમાં કોઈ મંદિર હતું કે નહીં? વારાણસીની કોર્ટે પુરાતત્ત્વ ખાતાના સર્વે માટે મંજૂરી આપી હતી, પણ મુસ્લિમ પક્ષકારો અલ્લાહાબાદ હાઈ કોર્ટમાં ગયા હતા. હાઈ કોર્ટે સર્વે પર મનાઇહુકમ આપતાં કહ્યું હતું કે જ્યાં સુધી બધા પક્ષકારોને સાંભળવામાં ન આવે ત્યાં સુધી પુરાતત્ત્વ ખાતા દ્વારા કોઈ સર્વે કરવામાં આવશે નહીં.

૨૦૨૧ ના એપ્રિલમાં વારાણસીની પાંચ હિન્દુ મહિલાઓ દ્વારા જિલ્લા અદાલતમાં અરજી કરવામાં આવી હતી કે તેમને જ્ઞાનવાપી મસ્જિદની દિવાલમાં કોતરવામાં આવેલી શૃંગાર ગૌરી, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન અને નંદીની દરરોજ પૂજા કરવાની પરવાનગી આપવામાં આવે. આ કેસની સુનાવણી કરતાં સિવિલ જજ રવિકુમાર દીવાકરે મસ્જિદની વીડિયોગ્રાફી કરવાનો આદેશ કર્યો હતો. આ વીડિયોગ્રાફી તા. ૧૭ મે ના પૂરી થઈ હતી, પણ તેનો હેવાલ લિક થઈ ગયો હતો. આ હેવાલ મુજબ મસ્જિદમાં જે સ્થળે મુસ્લિમો દ્વારા વજુ કરવામાં આવતું હતું ત્યાંથી શિવલિંગ મળી આવ્યું હતું. મુસ્લિમ પક્ષકારો તેને પાણીના ફુવારા તરીકે ઓળખાવતા હતા, પણ તેનો આકાર શિવલિંગ જેવો હતો.

વારાણસીની જિલ્લા અદાલતે આ શિવલિંગ ફરતે ચોકીપહેરો ગોઠવી દીધો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. મુસ્લિમ પક્ષકારો વતી અરજી કરવામાં આવી કે ૧૯૯૧ ના પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ હેઠળ આ કેસ ટકી શકે તેવો જ નથી. આ અરજી વારાણસીની કોર્ટે ફગાવી દીધી છે. જો કે તેને કારણે મસ્જિદમાં પૂજા કરવાનો રસ્તો ખુલ્લો થઈ જતો નથી. હજુ કેસ ચાલવાનો બાકી છે. જિલ્લા કોર્ટમાં જો ચુકાદો હિન્દુઓની તરફેણમાં આવશે તો પણ મુસ્લિમો હાઈ કોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી લડશે.

ફાઈનલ ચુકાદા માટે રાહ જોવી પડશે. અયોધ્યામાં જેમ રામ લલ્લા વતી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી તેમ કાશીમાં પણ શંકર ભગવાન વતી વિજય શંકર રસ્તોગી અને બીજા ચાર લોકો દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેમના કહેવા મુજબ આજે જ્યાં જ્ઞાનવાપી મસ્જિદ ઊભી છે ત્યાં ૨૦૫૦ વર્ષ પહેલાં વિક્રમાદિત્ય રાજાએ બંધાવેલું મંદિર હતું. ઇ.સ. ૧૬૬૯ માં મોગલ બાદશાહ ઔરંગઝેબના આદેશથી તે મંદિરનો કેટલોક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો અને ત્યાં મસ્જિદ ઊભી કરી દેવામાં આવી હતી.  અરજદારના કહેવા મુજબ ૧૮૭૧ માં એસિયાટિક સોસાયટી ઓફ બેંગાલ દ્વારા પ્રસિદ્ધ થયેલાં મા-અસીર-ઇ-આલમ ગિરિના પુસ્તકમાં આ તમામ માહિતી આપવામાં આવી છે.

મુસ્લિમોને ડર છે કે જે રીતે હિન્દુઓ દ્વારા અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તે રીતે તેઓ કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ પણ તોડી પાડવા માગે છે. અયોધ્યામાં બાબરી મસ્જિદની આજુબાજુની જમીન ખાલી કરાવવામાં આવી હતી, જેને કારણે મસ્જિદ દૂરથી દેખાઈ આવતી હતી. ત્યાર બાદ તેને તોડી પાડવામાં આવી હતી. તેવી જ રીતે યોગી આદિત્યનાથની સરકાર દ્વારા વારાણસીના ગંગા ઘાટથી કાશી વિશ્વેશ્વર મંદિર સુધી વિશાળ કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ કોરિડોર તૈયાર કરવા માટે પણ જ્ઞાનવાપી મસ્જિદની આજુબાજુનાં જૂનાં મકાનો તોડી પાડવામાં આવ્યાં છે. હવે મસ્જિદ પણ તોડી પાડવામાં આવશે, એવો તેમને ડર છે.  હિન્દુ પ્રજા પર આક્રમણનો કાળ પસાર થઈ ગયા પછી હવે જાગરણનો કાળ આવી ગયો હોય તેવું લાગે છે.

Most Popular

To Top