Comments

પ્રવેશ આપો અને પરીક્ષા લો… શિક્ષણનાં આ બે જ કામ છે?

કોઇ પણ રાજય કે દેશમાં કોઇ એક અધિકારી કે બે – પાંચ અધિકારીઓના ‘તુક્કા’થી આખું શિક્ષણ હિલોળે ચડતું હોય તે દેશ કે રાજયના શિક્ષણમાં ગુણવત્તાની રીતે કદી ભલીવાર આવે નહીં. ગુજરાતમાં સરકારી અને સરકારના આર્થિક સહયોગથી ચાલતી શાળાઓમાં શિક્ષણ વિભાગના આદેશથી હવે વિદ્યાર્થીઓની દર મહિને પરીક્ષા લેવાની છે. લેવાઇ રહી છે. હવે જરા વિચારો કે એક શાળા જયાં એક હજાર વિદ્યાર્થી અભ્યાસ કરે છે ત્યાં સાત વિષયના દર મહિને સાત પેપરની પરીક્ષા લેવાની. લેખિતમાં લેવાની એટલે પરીક્ષા નાની કે મોટી લો તો પણ સાત હજાર પૂરવણી ‘કાગળ’ વપરાવાના. જો એક સત્રમાં ત્રણ વખત આવી પરીક્ષા થાય તો સાત ગુણ્યા ત્રણ એકવીસ હજાર કાગળ પૂરવણી વપરાવાના.

આપણે ‘પેપરલેસ’ થવા માંગીએ છીએ. પણ વર્તનમાં કાગળ અને કાગળ પર લખેલા નિયમો નીચે દબાતા જઇએ છીએ. આ માત્ર કાગળનો બગાડ નથી સમય – શકિતનો બગાડ છે  અને સૌથી મોટો ભોગ તો આમાં ‘શિક્ષણ’નો લેવાય છે, જેના માટે આ આખું તંત્ર ચાલે છે. આપણે સૌ જાણીએ છીએ કે ‘પરીક્ષાનું નામ પડતાં જ વિદ્યાર્થી એક અલગ માનસિકતામાં આવી જાય છે. શિક્ષણની સાતત્યભરી પ્રક્રિયામાંથી નીકળી તે પરીક્ષાના ટૂંકા ગાળાના લક્ષ્યમાં પરોવાય છે. હવે વિદ્યાર્થીઓના બે ભાગ પડી ગયા છે. એક જે શાળામાં માત્ર ‘નોંધણી’ માટે પ્રવેશ લે છે. શિક્ષણ તો અલગ મેળવે છે. પર્સનલ ટયુશનથી કે કલાસીસમાં જઇને એટલે શાળા કક્ષાએ રોજ પરીક્ષા લેવાય કે માસિક પરીક્ષા લેવાય તેમને ફેર નથી પડતો.

આવા કિસ્સામાં વિદ્યાર્થીને દર મહિને સાત વિષયની સાત પૂરવણીના લગભગ પચાસથી સિત્તેર રૂપિયા ખર્ચ થાય છે. ભારતમાં અત્યારે રાજકીય રીતે ‘મફત’ ની ચર્ચા ચાલી છે. ખરેખર તો શિક્ષણ જેવી પાયાની જરૂરિયાત માટે માતા-પિતાને જે ‘ખર્ચ’ કરવો પડે છે તેની ચર્ચા કરવાની જરૂર છે. જો શિક્ષણ પાણી વીજળી જેવી પાયાની સુવિધાઓ વાજબી દરે આપવાથી સરકારો લૂંટાઇ જતી હોય, અર્થતંત્ર ખાડે જતા હોય તો એવી સરકારો અને એવા અર્થતંત્ર ભલે ખાડે જતા!

આવા કિસ્સામાં વિદ્યાર્થીને દર મહિને સાત વિષયની સાત પૂરવણીના લગભગ પચાસથી સિત્તેર રૂપિયા ખર્ચ થાય છે. ભારતમાં અત્યારે રાજકીય રીતે ‘મફત’ ની ચર્ચા ચાલી છે. ખરેખર તો શિક્ષણ જેવી પાયાની જરૂરિયાત માટે માતા-પિતાને જે ‘ખર્ચ’ કરવો પડે છે  તેની ચર્ચા કરવાની જરૂર છે. જો શિક્ષણ પાણી વીજળી જેવી પાયાની સુવિધાઓ વાજબી દરે આપવાથી સરકારો લૂંટાઇ જતી હોય, અર્થતંત્ર ખાડે જતાં હોય તો એવી સરકારો અને એવા અર્થતંત્ર ભલે ખાડે જતાં!

કોલેજોમાં પણ સેમેસ્ટર સિસ્ટમ આવ્યા પછી સંચાલકો માટે ફી ભરો – ડીગ્રી મેળવોનું સૂત્ર અને અધ્યાપકો, કર્મચારીઓ માટે ‘પ્રવેશ આપો – પરીક્ષા લો’નો કાર્યક્રમ ચાલે છે. સરકારના શિક્ષણ વિભાગે અહીં પણ સત્રમાં લેવાતી આંતરિક ગુણાંકન પરીક્ષાને બદલે યુનિટ ટેસ્ટ, એસાઇમેન્ટ, મૌખિક પરીક્ષા જેવા વિકલ્પો સૂચવ્યા છે. પણ ઉત્સાહી પ્રિન્સિપાલશ્રીઓ આજે પણ રેગ્યુલર પધ્ધતિ મુજબ આંતરિક પરીક્ષા ગોઠવે છે અને કાગળ – સમય – શકિતનો બગાડ કરે છે.

જો કે એક વાત છે. આ તમામ બાબતો સરકારી શાળા કોલેજોને લાગુ પડે છે. ખાનગી શાળા – કોલેજોમાં સરકારના તમામ આદેશોનું ‘વ્યવહારુ’ પાલન થાય છે. માટે જ ઘણાને શંકા થાય છે કે સરકારી શાળા – કોલેજોમાં સતત પરીક્ષાઓ, શિક્ષક અધ્યાપકોને સરકારી કાર્યક્રમોની જવાબદારી, જાત જાતની ઉજવણીઓ આ બધા દ્વારા ‘શિક્ષણ’ને ખાડે નાખવાનું ગુનાહિત કાવતરું તો નહીં રચાતું હોય! જેથી બાળકના શિક્ષણ અને ભવિષ્યને લઇને ચિંતિત માતા-પિતા તેને સરકારી શાળા – કોલેજમાં મૂકે જ નહીં અને ખાનગી શાળા કોલેજમાં જ પ્રવેશ લે!

મુદ્દો ફી નો હોય, વસ્તુની કિંમતનો હોય, પાર્કીંગ ચાર્જનો હોય, બાગ-બગીચા, પૂલ પર પ્રવેશવાના ચાર્જનો હોય, ધાર્મિક સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાના વ્યાપારીકરણનો હોય કે જાહેર સેવાઓના ખાનગીકરણનો હોય, ગુજરાતના ઉચ્ચ મધ્યમ વર્ગનું રૂંવાડુંય નથી ફરકતું! આમ કેમ? આપણે આટલા પલાયનવાદી કેમ છીએ? શિક્ષકોને સરકારનું કામ કરે, કાર્યક્રમની ઉજવણી કરે, મતદાન યાદી તૈયાર કરે, પરીક્ષા લે, ગમે ત્યાં સુધી પ્રવેશ આપે…. પગાર તો મળવાનો જ છે. એણે પોતાના ‘વર્કીંગ અવર’માં સરકાર જે કહે તે કરવાનું છે અથવા શાળામાં બેસી રહેવાનું છે. શિક્ષણ બગડે છે તેની મૂળ ચિંતા તો વાલીએ કરવાની છે.

સમાજે કરવાની છે! પૂછવાનું તો આપણે છે કે આ સતત પરીક્ષાઓ જ લેશો કે ભણાવશો પણ ખરા! એક બાજુ મોટી મોટી વાતો થાય છે કે નવી શિક્ષણનીતિ જોરદાર આવી છે. એ આવનારી શિક્ષણનીતિ માટે મોટા મોટા સેમીનાર થાય છે. લેખ લખાય છે. પણ વર્તમાનમાં શિક્ષણ ક્ષેત્રે જે ચાલે છે તેની તો કોઇ વાત જ નથી કરતું! કોઇકે તો સરકારને કહેવું પડશે ને કે પરીક્ષા લો! પણ પહેલાં ભણાવો તો ખરા!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top