Columns

આચરણ વિનાનો ધાર્મિક બાહ્યાચાર માત્ર દંભ છે

ધર્મ એટલે ઈશ્વર અને માનવ વચ્ચેનો સંબંધ. આ સંબંધ સાચવવા કેટલાક નીતિ – નિયમો બનેલ હોય છે. જેમાં અમુક નિયમો ઈશ્વરે જાતે આ ધરતી પરના તેમના વસવાટ દરમિયાન આપેલ હોય છે; જ્યારે કેટલાક ધર્માચાર્યો દ્વારા ઈશ્વરે આપેલ નિયમોને કેન્દ્રમાં રાખીને ઘડવામાં આવે છે. આ નિયમો ઈશ્વર અને મનુષ્ય વચ્ચે ધર્મસેતુ બની રહે છે. માણસે આ નીતિનિયમોનું પાલન કરવાનું રહે છે, જેથી મોક્ષ પામી શકાય. પરંતુ તે માત્ર પ્રભુ, પ્રભુ કરવાથી જ નહીં, પણ પ્રેકટિકલ આચરણ કરવું ખાસ જરૂરી હોય છે. ખંતથી આચરણ કરવાનું હોય છે. આચરણ વિનાનો માત્ર બાહ્યાચાર ઈશ્વરને માન્ય હોતો નથી. તે દંભ ગણાય છે. આ સંદર્ભમાં ઈસુ ભગવાને તેમના ઉપદેશમાં કરેલ સ્પષ્ટતા જોઈએ.

સંત લુકે રચેલા બાઈબલમાં સ્વર્ગમાં પ્રવેશ મેળવવા માટે ઈસુને એવું કહેતાં ટાંક્યા છે કે ‘’સાંકડા દરવાજેથી દાખલ થવા માટે મન મૂકીને પ્રયત્ન કરજો કારણ હું તમને કહું છું કે ઘણા અંદર(સ્વર્ગમાં) દાખલ થવા ફાંફાં મારશે પણ દાખલ થવા પામશે નહીં. સાંકડો દરવાજો એટલે ખૂબ જ કપરો માર્ગ. જેમાં માન – અપમાન, તિરસ્કાર વગેરે સહન કરવા પડે છે. ધાર્મિક અને નૈતિક નીતિઓનું ખંત અને ઈમાનદારીથી પાલન કરવું પડે છે. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, ગરીબોને અને જરૂરતમંદોને સહાય વગેરે વગેરેનો સમાવેશ થાય છે.’’

ઈસુ કહે છે ‘’માત્ર પ્રાર્થના કરવાથી મોક્ષ મળે નહીં પણ ઈશ્વરે આપેલ આદર્શનું પાલન કરવું પડે.’’ ઈસુ કહે છે ‘’જે દંભી આચરણ કરશે, તેમને સ્વર્ગમાં પ્રવેશ મળશે નહીં. તેમના માટે સ્વર્ગના દરવાજા બંધ થઈ જશે. તેઓ દરવાજો ખટખટાવશે અને કહેશે કે પ્રભુ અમારા માટે બારણાં ઉઘાડો પણ પ્રભુ જવાબમાં કહેશે કે તમે ક્યાંના છો તેની મને ખબર નથી. ત્યારે તેઓ દલીલ કરશે કે ‘અમે આપની સાથે બેસીને જમ્યા છીએ અને આપે અમારા ફળિયામાં ઉપદેશ આપ્યો છે.’ પણ તે તેમને કહેશે તમે ક્યાંના છો તે મને ખબર નથી. અધર્મ આચરનારાઓ તમે મારા મોં આગળથી ચાલ્યા જાઓ’’.

સંત માત્થી રચિત બાઈબલમાં આ અંગે ઈસુને ટાંકતા આ પ્રમાણે કહ્યું છે – ‘’જે કોઈ મને ‘પ્રભુ, પ્રભુ’ કરે છે તે બધા ઈશ્વરના રાજ્યમાં (સ્વર્ગમાં) પ્રવેશ પામવાના નથી, પરંતુ જે કોઈ મારા પરમ પિતા – પ્રભુની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે. કયામતના (છેલ્લા જજમેન્ટના) દિવસે ઘણા મને કહેશે ‘પ્રભુ, પ્રભુ અમે તમારા નામે નહોતા બોલ્યા? અને તમારા નામે અશુધ્ધ આત્માઓને નહોતા કાઢ્યા? અને તમારા નામે અનેકાનેક ચમત્કારો નહોતા કર્યા?’ પણ ત્યારે હું તેમને રોકડું પરખાવીશ કે હે અધર્મના આચરનારાઓ! હું તમને ઓળખતો નથી. મારી આગળથી દૂર ચાલ્યા જાઓ!’’.

એક ભણેલીગણેલી યુવાન સ્ત્રી ઈશ્વરમાં ખાસ માને નહીં. એક દિવસ તેને હાર્ટએટેક આવ્યો. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી. બાયપાસ સર્જરી કરવાનું નક્કી થયું. ઑપરેશન માટે O.T.માં લઈ જતી વખતે બહાર ભગવાનનો એક ફોટો જોયો. આમ તો ભગવાનમાં માને નહીં પણ જીવનની કટોકટીની ઘડીએ ઈશ્વરમાં શ્રદ્ધા જાગી. બે હાથ જોડીને તેણે ઈશ્વરને પૂછ્યું, ‘હે ભગવાન શું મારો અંતિમ સમય આવી ગયો છે?’ ‘હજુ તો તારી પાસે 45 વર્ષ જેટલો સમય છે.’ ઈશ્વરે જવાબ આપ્યો. ઓપરેશન સફળ રહ્યું.

સારું થઈ જતાં હોસ્પિટલમાંથી છુટ્ટી આપવામાં આવી પણ તેણે હોસ્પિટલ છોડી નહીં. હોસ્પિટલમાં જ રહી શરીરને સુંદર બનાવવા એક પછી એક સર્જરી કરાવી. પાતળા થવા, શરીરની ચરબી ઉતારવા, ચહેરાને સુંદર લુક અપાવવા પ્લાસ્ટિક સર્જરી કરાવી. થોડા આડાઅવળા દાંતની ટ્રીટમેન્ટ કરાવી એક સરખા સુંદર બનાવડાવ્યા. બ્યૂટીશ્યનને બોલાવી બ્યૂટી ટ્રીટમેન્ટ કરાવડાવી, વાળને કલર કરાવ્યો અને બ્યૂટી ક્વીન બનીને મનોમન હરખાતી હોસ્પિટલ છોડીને ઘરે જવા નીકળી. તે મનોમન હરખાતી હતી કે હજુ તો જિંદગી માણવા માટે મારી પાસે સાડા ચાર દાયકા જેટલો સમય છે.

પણ ઈશ્વરની યોજના અલગ હતી. બ્યૂટી માટેનું છેલ્લું ઓપરેશન પૂરું થયા બાદ તે આનંદ અને ઉત્સાહ સાથે નવી મળેલ જિંદગીના 45 વર્ષ મોજથી માણવાના અભરખા સાથે ઘરે જવા નીકળી. ત્યાં રસ્તામાં રોડ ક્રોસ કરતાં એક ગંભીર અકસ્માતમાં તેનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ બાદ તેનો ભગવાન સાથે ભેટો થતાં તેણે ભગવાનને પૂછ્યું, ‘ભગવાન તમે નહોતું કહ્યું કે હજુ તારી પાસે 45 વર્ષ જેટલી જિંદગી બાકી છે. તો આમ કેમ બન્યું? મને અહીં કેમ બોલાવી લીધી?’ ત્યારે ભગવાને માત્ર એટલો જ જવાબ આપ્યો, ‘હું તને ઓળખી જ ન શક્યો!’ આ તો થઈ ભૌતિક દેહની વાત પણ આધ્યાત્મિક જીવનમાં પણ આવું બનતું હોય છે. માણસ એક પછી એક ભગવાન બદલતો હોય છે. ‘પથ્થર એટલા પૂજે દેવ’ની નીતિ અપનાવતો હોય છે. અધાર્મિક આચરણ કરે પણ પોતે ધાર્મિક હોવાનો દંભી દેખાવ કરે, ત્યારે ઈશ્વર અંત સમયે તેને કહેશે – ‘હું તને ઓળખી ન શક્યો!’

Most Popular

To Top