National

રેશનકાર્ડ બનશે સંપૂર્ણ ડિજિટલ: હવે કતારમાં ઊભા રહેવાની ઝંઝટ ખતમ, એટીએમ જેવી સુવિધાથી મળશે રાશન

ડિજિટલ ઇન્ડિયા… ગુજરાત સરકાર ડિજિટલ પરિવર્તનની દિશામાં આગળ વધી રહી છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગને તેમના હકનું અનાજ સંપૂર્ણ વજન અને સારી ગુણવત્તા સાથે સરળતાથી મળી શકે. સરકાર પાસે લાંબા સમયથી એવી રજૂઆતો આવતી હતી કે સસ્તા અનાજની દુકાનો પર લાભાર્થીઓને નક્કી કરેલા વજન કરતાં ઓછું અનાજ આપવામાં આવે છે અને બાકીનો જથ્થો ગેરરીતે વેચાઈ જાય છે, એટલે કે બ્લેક માર્કેટિંગ થાય છે. ઘણીવાર દુકાનદારો સ્ટોક ન હોવાનું કહીને અથવા હેરાનગતિ કરીને લોકોને પરત મોકલતા હતા. હવે ટેક્નોલોજી આધારિત પારદર્શક સિસ્ટમ અમલમાં આવતા આવી ગેરરીતિઓ પર અસરકારક નિયંત્રણ આવશે અને વચેટિયાઓની દખલ ઘટશે. આ નવી વ્યવસ્થામાં ગમે ત્યારે જેમ ATMમાંથી રોકડ ઉપાડી શકાય એમ ગમે ત્યારે સ્માર્ટ કાર્ડથી અનાજ લઈ શકાશે.

પોતાના સંબોધનમાં અમિત શાહે જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ડિજિટલ ઇન્ડિયાનો વિસ્તાર હવે ખાદ્ય અને પુરવઠા પ્રણાલી સુધી પહોંચી ગયો છે. તેમણે ઉલ્લેખ કર્યો કે પીએમ મોદીએ દેશના સંસાધનો પર પ્રથમ હક ગરીબો, દલિતો, પછાત અને આદિવાસી સમાજને આપ્યો છે. એક સમય એવો હતો જ્યારે દેશના આશરે 60 કરોડ લોકો પાસે બેંક ખાતું નહોતું, પરંતુ આજે તેમના નેતૃત્વ હેઠળ વિશ્વના કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં મોટો હિસ્સો ભારતમાં થાય છે. આ નવી ડિજિટલ વ્યવસ્થાથી ગરીબોને રાશન વિતરણની પ્રક્રિયામાં રહેલો ભ્રષ્ટાચાર સંપૂર્ણ રીતે દૂર થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.

અનાજ વિતરણ માટે અન્નપૂર્ણા મશીન જેવી આધુનિક સુવિધાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જે માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજ વિતરણ કરી શકે છે. વેન્ડિંગ મશીન મારફતે 1 કિલોના પેકિંગમાં અનાજ મળશે અને ભવિષ્યમાં 24 કલાક અનાજ ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા વિકસાવવામાં આવશે. ગુણવત્તા સુધારવા માટે ચણા અને તુવેર દાળનું વિતરણ સીલબંધ પેકિંગમાં કરવામાં આવશે.દસ્તાવેજીકરણ અને વિતરણ પ્રક્રિયામાં પણ મહત્વનો બદલાવ કરવામાં આવી રહ્યો છે. હવે લાભાર્થીઓને રેશનકાર્ડ બુક રાખવાની કે સાથે રાખવાની જરૂર નહીં રહે. સરકાર ‘ડિજિટલ કૂપન’ સિસ્ટમ અમલમાં મૂકી રહી છે, જેના હેઠળ લાભાર્થીના મોબાઈલ પર મળેલા કૂપનના આધારે જ દુકાન પરથી અનાજ આપવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી બોગસ રેશનકાર્ડ અને ડુપ્લિકેશન પર કડક નિયંત્રણ આવશે અને હકદાર લોકો સુધી જ અનાજ પહોંચશે.

વડા  પ્રધાનના ‘મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ના મંત્રને આજે એક નવા ક્ષેત્રમાં જમીન પર ઉતારવાનું કામ થઈ રહ્યું છે. આ નવી વ્યવસ્થાથી ગેરરીતિઓ અને બોગસ રેશનકાર્ડ પર નિયંત્રણ આવશે. લાભાર્થીઓને તેમના હકનું અનાજ સમયસર અને યોગ્ય પ્રમાણમાં મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. યોજનાનો પ્રારંભ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદથી આજથી શરૂ થશે. સાબરમતી વિધાનસભા ક્ષેત્રના રાણીપ, ચાંદલોડિયા અને નારણપુરા વિસ્તારોમાં નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. પ્રયોગ સફળ રહ્યા બાદ તેને તબક્કાવાર સમગ્ર રાજ્યમાં વિસ્તૃત કરવામાં આવશે, જ્યાં ‘અનાજ ATM’ અને ડિજિટલ કૂપન સિસ્ટમ અમલમાં આવશે. દેશના તમામ રાજ્યોના સહકારી મંત્રીઓ 17 અને 18 ફેબ્રુઆરીએ ગુજરાતમાં ભેગા થવા જઈ રહ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકાર મંત્રીઓની બીજી રાષ્ટ્રીય પરિષદ યોજાશે. આ મહત્વપૂર્ણ બેઠકમાં દેશના સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટેના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને મંત્રણાઓ થશે. ગુજરાતમાં યોજાતી આ પરિષદ સહકારી આંદોલન માટે એક અસરકારક અને દિશાદર્શક મંચ તરીકે ઉભરી આવશે.

Most Popular

To Top