SURAT

શું ભાદરવો પણ ભરપૂર રહેશે? દક્ષિણ ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ

સુરત: છેલ્લાં કેટલાંક દિવસથી સુરત (Surat) શહેરના લોકો ગરમી અને ઉકળાટથી હેરાન પરેશાન થઈ ગયા હતા, પરંતુ આજે સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં ઝરમર અને છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદ (Rain) વરસી રહ્યો છે. શહેરના વરાછા વિસ્તારમાં સૌથી સારો વરસાદ પડ્યો છે. સમગ્ર શહેરમાં સવારના 1 કલાકમાં સરેરાશ 1 ઈંચ વરસાદ પડ્યો છે, જેમાં સૌથી સારો વરસાદ વરાછા વિસ્તારમાં પડ્યો છે.

હવામાન વિભાગના (Weather Department) સૂત્રો અનુસાર વરાછાના એ ઝોનમાં સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લગભગ 1 કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ વરાછામાં વરસ્યો છે. આ ઉપરાંત વરાછાના અન્ય વિસ્તારો તેમજ લિંબાયત, રીંગરોડ, રાંદેર અને અડાજણ, પાલ વિસ્તારમાં પણ સવારથી સારો વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લીધે લોકોને ગરમીમાંથી છૂટકારો મળ્યો છે. લોકોએ ઝરમર વરસાદથી રાહત અનુભવી છે. તો બીજી તરફ વહેલી સવારથી જ વરસાદ વરસવા લાગતા ગણેશ ભક્તોમાં દોડધામ મચી ગઈ હતી. મંડપની ઉપર તાડપત્રી બાંધવા માટે ભક્તોએ દોડાદોડ કરી મુકી હતી. લોકો ગણેશ મંડળોની મુલાકાત લઈને સાથે આ ઉત્સવ ઉજવી રહ્યા છે, ત્યારે વરસાદ વીજનો ઊભું નહીં કરે તેવી પ્રાર્થના પણ કરવામાં છે.

સુરત જિલ્લામાં પણ વરસાદ વરસ્યો
અમદાવાદના અંબાલાલ પટેલે વર્તારો કર્યો હતો કે દક્ષિણ ગુજરાતમાં ગણેશ ચતુર્થીથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે, તે વર્તારો સાચો પડી રહ્યો હોય તેમ સુરત શહેર સહિત સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના અનેક ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લાના મહુવામાં સવારે 6 વાગ્યાથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો. સવારે મહુવા અને માંડવી તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ઉમરપાડામાં પણ વરસાદ વરસ્યો છે.

નવસારી અને જલાલપોરમાં રાતથી ગાજવીજ સાથે વરસાદ
નવસારીમાં બે દિવસથી વરસાદી માહોલ છે, ત્યારે બુધવારે મોડી રાતથી જ નવસારીમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. રાત્રિના 8 કલાક દરમિયાન નવસારીમાં 08 મિ.મી., જલાલપોરમાં 06 મિ.મી., ખેરગામમાં 40 મિ.મી.(1.6 ઇંચ) અને વાંસદા 02 મિ.મી. વરસાદ નોંધાયો છે.

ભરૂચમાં 14 દિવસના વિરામ બાદ ફરી વરસાદ
ભરૂચમાં પણ 14 દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી ત્રાટક્યો છે. ઉકળાટભર્યા વાતાવરણમાંથી લોકોને રાહત મળી છે. જિલ્લામાં સૌથી વધુ નેત્રંગ, અંકલેશ્વર, વાલિયા, વાગરા અને હાંસોટ તાલુકામાં વરસાદ પડ્યો છે. નોંધનીય છે કે ભરૂચ જિલ્લામાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Most Popular

To Top