SURAT

પહેલાં નોરતે પડેલાં વરસાદના લીધે ચિંતા થતી હોય તો આ આગાહી સાંભળી લો

સુરત: આજથી નવરાત્રીનો (Navratri) પ્રારંભ થયો. છે. કોરોના (Corona) મહામારી બાદ આ વર્ષે પહેલી વાર તમામ નિયંત્રણ હટાવ્યા બાદ પહેલી નવરાત્રી હોવાને કારણે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. તે વચ્ચે આજે પહેલા જ દિવસે સવારે વરસાદનું ઝાપટુ પડતા ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતાનો મોજુ કરી વળ્યું છે.

સુરત, સૌરાષ્ટ્ર, વડોદરા, અમદાવાદમાં આજે દિવસ દરમિયાન વરસાદ વરસતા ખૈલેયાઓ અને આયોજકો ટેન્શનમાં મુકાયા છે. ઘણા ઠેકાણે પાર્ટી પ્લોટમાં પાણી ભરાઈ જતા ગરબા આયોજકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સુરતમાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડતા પાર્ટી પ્લોટમાં કાદવ જમા થયો હતો. વડોદરામાં આજે બપોરે વરસાદ પડ્યો હતો, જેમાં કારેલીબાગ, વારસિયા, ખોડિયાનગર, આજવા રોડ, વેમાલી, માંડવી, વાઘોડિયા રોડ વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો અને આકાશમાં વાદળો ઘેરાયેલા છે. હજુ વરસાદ પડે તેવી શક્યતા છે. અમદાવાદમાં પણ 10 મિનીટ સુધી જોરદાર વરસાદ વરસ્યો હતો, જેના લીધે પાર્ટી પ્લોટમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વરસાદ બંધ થતા જ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરનારા માટી નાંખવા દોડધામ કરી મુકી હતી. અમરેલીના ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રસ્તા પર પાણી વહેતા થયા હતા.

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીએ ટેન્શન વધાર્યું
આજે સોમવારે પહેલું નોરતું છે ત્યારે વહેલી સવારથી જ રાજ્યભરમાં વરસાદ (Rain) વરસી રહ્યો હોય ખૈલેયાઓના મનમાં નવરાત્રી બગડશે તેવી ચિંતા ઉભી થઈ છે. ત્યારે અમદાવાદના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે જેના લીધે ખૈલેયાઓનું ટેન્શન વધી જશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે તા. 8 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. ચક્રવાતના લીધે ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત નવરાત્રિમાં 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદ પડશે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. 5 ઓક્ટોબર સુધી દરિયામાં પવનોનું જોર વધશે અને 8થી 12 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસારમાં હવાનું હળવું દબાણ ઉભું થશે, તેથી ચક્રવાતની શક્યતા બને.

આજથી શહેરમાં શેરી ગરબાની રમઝટ જામશે, ખૈલૈયાઓમાં ભારે થનગનાટ
શક્તિ અને ભક્તિના પર્વ મનાતા નવરાત્રિપર્વ(Navratri)નો સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે, જેને લઈ ખૈલેયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે તેમજ માતાજીની ભક્તિનું પણ પર્વ હોય આસ્થાળુઓ માટે પણ આ નવ દિવસ ભક્તિ અને પુજનના દિવસો બની રહેશે. આ વખતે ખૈલૈયાઓ માટે આનંદની વાત એ છે કે પુરેપુરા નવ દિવસની નવરાત્રિમાં રમવાનું મળી રહેશે. વળી સરકારે પણ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી રાત્રે 12 વાગ્યા સુધી ગરબા(Garba) રમવાની છુટ આપી હોય મોડે સુધી રમઝટ ચાલુ રહેશે.

શેરીઓમાં તડામાર તૈયારીઓ
છેલ્લા થોડા વરસોથી શહેરમાં પ્રોફેશનલ ગરબાના આયોજનોનું પ્રમાણ એકદમ ઘટી ગયું છે. હવે ઇન્ડોર સ્ટેડીયમ સહીત પાર્ટી પ્લોટ કે અન્ય જગ્યાએ યોજાતા પ્રોફેશન ગરબા સિમિત થઇ ગયા છે. માત્ર ત્રણ ચાર જગ્યાએ પ્રોફેશનલ આયોજનો છે. જો કે શેરીએ શેરીએ અને મહોલ્લાઓમાં નવરાત્રીની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરાઈ હોય આ વરસે સુરતમાં શેરી ગરબાઓ ધુમ મચાવશે અને લોકો ઘર આંગણે પરંપરાગત ગરબીઓનું પણ વ્યાપક પ્રમાણમાં આયોજન કરી રહ્યા છે.

Most Popular

To Top