Comments

બંધારણ માટેનું રાહુલ ગાંધીનું ટેલેન્ટ શોવાળું આમીરખાની રૂદન

દેશની લોકશાહી બચાવવા રાહુલ ગાંધી અરધા અરધા થઇ રહ્યા છે. સારું છે કે એ પાર્ટટાઇમ પોલિટિકસ કરે છે. નહીં તો સાવ દુબળા બની ગયા હોત. બાકીના સમયમાં ઇટલી, યુરોપ જઇ શરીર જમાવી આવે છે. ખભા અને ગળા પર ચરબીના થર એમને સાવ દુબળા બનતાં રોકે છે. રાહુલ ગાંધીએ હમણાં અશોક ગેહલોત સાથે પત્રકાર પરિષદ યોજી. એ શું કહેવા માગે છે તે સમજાતું નથી અને બીજો શું કહે છે તે સમજાતું નથી. વર દિવ્યાંગ અને કન્યા અપલખણી એવી એક કહેવત છે. રાહુલના કહેવામાં એક વાકય સતત આવતું હતું કે નરેન્દ્ર મોદી સરકાર દેશમાં તમામ લોકશાહીય સંસ્થાઓનું અવમૂલ્યન કરી રહ્યા છે.

આ લખનાર કે જનતાને એવું લાગતું નથી. એવું થતું હશે તો પણ લાગતું નથી. કારણ કે લાખો ડુકકર (પોર્ક) જમી ગયા પછી મતપ્રાપ્તિ માટે કોઇ ભારધ્વાજ ગૌત્ર અને જનોઇ ધારણ કરી લે તો પણ વો ભૂલા ના કહલાતા. કોંગ્રેસના શાસનમાં ઇન્દિરા ગાંધી સમયને બાદ કરીએ કે જયારે ઇમરજન્સી લદાઇ હતી, તો પણ હમણાંના શાસન સુધી એવાં મોટાં કાળાં કામો થયાં છે કે ભાજપ સરકારની ભૂલો થતી હશે તો પણ ગણનામાં લેવા જેવી નથી લાગતી. થોડા નજીકના ભૂતકાળમાં ફલેશબેકમાં જઇએ. વાતને દસ વરસ પણ થયાં નથી.

સોનિયા ગાંધીની અપાવન નિશ્રામાં કેબિનેટે એક કાનૂનને મંજૂરી આપી દીધી હતી. ગુંડાઓ, ખૂનીઓ, ભ્રષ્ટાચારીઓને સાંસદ બનતાં રોકી શકાય નહીં. દેશમાંથી પ્રચંડ વિરોધ થયો અને કાનૂનની કોંગ્રેસી વકીલાત દરમિયાન જ તેનો મુસદ્દો પ્રેસ સમક્ષ ટોપલીમાં પધરાવવો પડયો. અહીં બે સવાલ જાગે. શું બાબા સાહેબની ઇચ્છા આ દેશને ગુંડાઓને હવાલે સોંપવાની હતી? શું બંધારણનો આત્મા તેમ ઇચ્છે છે? એ વખતે તો તમે બંધારણને નેવે મૂકવા તૈયાર થયા હતા. બંધારણના ઘડવૈયા મહાન આંબેડકરજી માટે તમને, કોંગ્રેસને એટલું માન તો કયારેય હતું નહીં એટલે તો છેક ૧૯૯૦ માં એમને ભારતરત્ન અપાયો અને તે પણ વી.પી. સિંહની સરકારે આપ્યો. એ અગાઉનાં પાંત્રીસ વરસમાં નેહરુ ખાનદાનનાં ઘણાં ગેરલાયકોને પણ આ એવોર્ડ અપાઇ ચૂકયો હતો અને હવે બંધારણીય સંસ્થાઓના જતનની વાત કરી રહ્યા છો. રાહુલજી અને કોંગ્રેસી સ્વાર્થલોલુપો, બીલાડીના માફક લોહીની લિપસ્ટિક હજી જોઇ શકાય છે.

બંધારણે તો કેબિનેટની વ્યવસ્થા કરી છે. તો એ વટહુકમ જાહેરમાં ફાડીને સત્તાવાર રીતે રદ કરવાનો તમને કોઇ અધિકાર ન હતો. તમારી પાસે કોઇ સત્તા કે લોકસ સ્ટેન્ડાઇ ન હતી. તો રાજકુમારની માફક વર્તવાની સત્તા તમને શું બંધારણે આપી હતી? માણસને ભલે પોતાની ગંદકી એટલી ખરાબ ન લાગતી હોય પણ બીજા તરફ નાકનું ટીચકું ચડાવતાં અગાઉ તે સાફ તો કરવી જ જોઇએ.

કઇ જગ્યાએ લોકશાહીના અધિકારોનું હનન થાય છે? રહીશ કુમાર, દીપક શર્મા, અશોક વાનખેડે જેવાં મુરખાઓના સ્વર્ગમાં રાચતાં પત્રકારો ચોવીસે કલાક મોદી સરકાર વિષે અફવા ફેલાવવામાં કશું બાકી રાખતાં નથી. કોઇ પણ સરકાર ભૂલ ન કરે તેવું ન જ બને. પણ કશુંક સારું જ કરતી હશે ને? વૈશ્વિક સંદર્ભમાં આજે ભારતમાં જે બની રહ્યું છે તે પ્રમાણમાં ઘણું સારું છે. કોરોના વિષયમાં સરકારની સિધ્ધિઓને પોલિયો સાથે બિનતાર્કિક સરખામણી કરીને નીચી પાડવાનો પ્રયત્ન હરસનો અતિદુર્ભાવ ગણાય એટલું સમજી શકે એટલી ચતુર પ્રજા છે જ. રવિશંકર પ્રસાદે રાહુલને યોગ્ય જવાબ આપ્યો છે કે તમારા લવારાઓનો પ્રજા તમને યોગ્ય લાગે એવો પ્રતિભાવ ન આપે તો તેમાં ભારતીય જનતા પક્ષ શું કરે?
રાહુલે અમેઠી છોડીને વાયનાડ, એક અલગ સમૂહના મતદારો વચ્ચે જતું રહેવું પડયું. એ ગયા એ હકીકત જ બંધારણીય ભાવનાનો છેદ ઊડાડે છે.

ત્રણ હજાર જેટલા શીખોની કતલ બાદ ‘નો બડી કીલ્ડ જેસિકા’ની માફક કોઇને સજા ન થઇ. એ માટે કોંગ્રેસે અલગ બંધારણ રચ્યું હતું. સુપ્રીમ કોર્ટે બંધારણની ભાવના સાથે નખશિખ અનુરૂપ બેસે તેવો ચુકાદો શાહબાનુ કેસમાં આપ્યો હતો. કોંગ્રેસ સરકારે નવો કાયદો રચી તે ચુકાદાને નિરર્થક બનાવી દીધો ત્યારે બંધારણને આત્મા ન હતો શું? બોફોર્સ, સબમરીન, હેલિકોપ્ટર અને નેશનલ હેરાલ્ડ વગેરે કૌભાંડો બંધારણની કઇ કલમ અંતર્ગત રચવામાં આવ્યા હતા?

વિદેશી મહાનુભાવો સાથે સત્તાવાર દ્વિપક્ષી વાટાઘાટોમાં સોનિયા ગાંધી ભારતીય પક્ષકાર તરીકે કઇ બંધારણીય હેસિયતથી બેસતા હતાં અને બાજુના સોફા પર બેસીને વડા પ્રધાન મનમોહન સિંહ માત્ર કુરનીશ બજાવતા હતા? બધી ચેનલો પર, યુટયુબ ચેનલો પર, જાહેર કાર્યક્રમોમાં વકતાઓ, સંપટ સરલ જેવા કોમેડીઅનો ઘણી વખત અતાર્કિક કોમેડીઓ કરે છે. કોઇની ધરપકડ થઇ? કોંગ્રેસના સહયોગથી અર્ણવ ગોસ્વામીની ધરપકડ થઇ છે. કોંગ્રેસના સહયોગથી હનુમાન ચાલીસા ગાનારા સાંસદ અને વિધાનસભાના સભ્ય પર રાજદ્રોહના કેસ થયા છે. લાંબો સમય જેલમાં પૂરી દેવાયા. એક અભિનેત્રીને શરદ પવાર સામેના વકતવ્યમાં મહિનો સુધી વગર કામ ચલાવ્યે પૂરવામાં આવી. રફાલ કેસમાં સુપ્રીમ કોર્ટની અવમાનના કરવા બદલ રાહુલને પણ થોડા દિવસો કે મહિનાની સજા થઇ શકી હોત.

કોઇને કંઇ થતું નથી, કોઇની ધરપકડ થતી નથી તેનો પ્રજાને વધુ મલાલ છે. નેશનલ હેરાલ્ડ કેસ કોંગ્રેસ શાસનમાં હતી ત્યારે સુબ્રહ્મણ્યમ સ્વામીએ માંડયો હતો અને તેનો તાર્કિક અંત આવે તેને જ બંધારણનું અનુપાલન ગણાય. પણ કોંગ્રેસ નેતા ખડગેનો આગ્રહ છે કે ઇડીએ સોનિયાજીને ઘરે જઇને પૂછપરછ કરવી જોઇએ? શું આ વીઆઇપી કલ્ચરની વ્યવસ્થા બંધારણમાં છે? વી.પી. સિંહ, નરસિંહ રાવની અને અટલ સરકારે મામા કવાત્રોચીના બેન્ક ખાતાં સીઝ કરી રાખ્યાં હતાં અને સોનિયાએ સત્તા પર આવ્યા બાદ ખાસ ‘રાષ્ટ્રદૂત’ મોકલી કવાત્રૌચીના ખાતાં ખોલાવી આપ્યા? શું આવી કોઇ જોગવાઇ બાબા સાહેબ બંધારણમાં કરતા ગયા હતા? બંધારણીય ભાવનાનું રક્ષણ કરવું હોય તો પક્ષમાં આંતરિક ચૂંટણીઓ યોજવી જોઇએ. ક્રાઇમ પેટ્રોલ સિરિઝમાં એવા હજારો એપિસોડ છે જેમાં પતિના નિધન બાદ વિધવા પત્ની સિંદૂર, ચાંદલા ભૂંસી નાખે.

કંગનો ફોડી નાખે. ભૂખી મરવા પડે અને લાગે કે એનું સર્વસ્વ લૂંટાઇ ગયું છે. પાઘડીનો વળ છેડે આવે ત્યારે ખબર પડે કે એ ‘સાવિત્રી’એ રાજીખુશીથી, મિત્ર પુરુષ સાથે મળીને પતિની કતલ કરાવી છે. ભારતની રાજનીતિમાં ભાગ્યે જ કોઇ કેસ તાર્કિક અંત સુધી પહોંચ્યો છે. એ રીતે દરેક મળેલા જ લાગે. છતાં કોંગ્રેસનું બંધારણ માટેનું હૈયાફાટ રૂદન પેલી ટિપિકલ વિધવા જેવું જણાય છે, જે ગુનો પકડાઇ જવાના ભયથી આક્રંદ કરતી હોય છે. ઘણી ભોળી પ્રજા સમજી બેસે કે બિચારી પતિવિયોગમાં કેટલી દુ:ખી દુ:ખી થઇ ગઇ છે.

મોંઘવારીના વિરોધમાં કાળાં વસ્ત્રોનું પરિધાન કોઇક આવનારા બીજા શોકજનક સમાચારના સંદર્ભમાં જોવું પડશે. સમજાય તો સમજો કે આખા જગતમાં હાલ જે આર્થિક સ્થિતિ અને બેહાલી છે તેની સરખામણીમાં ભારતની સ્થિતિ સૌથી બહેતર છે. એકંદરે ખરાબ છે પણ એટલી ખરાબ નથી જેટલી બાકીના વિશ્વની છે. પણ તક મળી છે ત્યારે માત્ર ભારત પર જ દૂરબીન ગોઠવી રાખી સ્થિતિને મેગ્નીફાય કરવી તે બેઇમાની છે. તમામ રાજકીય પક્ષો તે નીતિનું કે અનીતિનું આચરણ કરતા હોય છે. પણ પ્રજાએ પોતાનું દૂરબીન નેશનલ હેરાલ્ડ પર ગોઠવી રાખ્યું હોય ત્યારે તમે કયાં સુધી કરતા રહેશો કે, ‘આ જુઓ. આ જુઓ. આ જુઓ.’ લોકોને તો લોહિયાળ લિપસ્ટિક જ દેખાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top