Dakshin Gujarat

રાજપીપળા નજીક હનુમાન મંદિરના પૂજારી સાથે મહિલાએ મોબાઈલ પર કર્યું આવું કામ

રાજપીપળા: (Rajpipla) નર્મદા જિલ્લાના રાજપીપળા નજીકના નાવરા ગામ સ્થિત હનુમાન મંદિરના પૂજારીને (The Priest of the Temple) અમદાવાદની ભેજાબાજ ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી 75 લાખની ખંડણી માંગતાં ખળભળાટ મચી ગયો છે. રાજપીપલા નજીકના નાવરા ગામે આવેલા હનુમાન મંદિરના પૂજારી રવિન્દ્રભાઇ ઉર્ફે રમેશભાઇ ગોધનભાઇ પટેલે આપેલી ફરિયાદ મુજબ તેઓ નાવરા ખાતેના અંબામાતા, હનુમાનદાદા અને બહુચર માતાના મંદિરના મઢમાં પૂજારી તરીકે સેવા કરી મંદિરના ઉપરના માળે પત્ની તથા સંતાનો સાથે રહે છે.

  • રાજપીપળા નજીક નાવરાના હનુમાન મંદિરના પૂજારીને હનીટ્રેપમાં ફસાવી 75 લાખની માંગ
  • અમદાવાદની ભેજાબાજ ટોળકીના 4 સભ્ય સામે ફરિયાદ નોંધાઈ, ડિસ્ટ્રિક્ટ કોર્ટે આગોતરા જામીન રદ કર્યા

આ મંદિરે અગાઉ રાજપીપળા ખાતે રહેતા નરેશ રમેશચંદ્ર ગંગવાણી તથા તેનો ભાઈ પવન ગંગવાણી દર્શન કરવા આવતા હતા. જેથી પૂજારી રવિન્દ્ર સાથે તેમને પરિચય થયો હતો. તેમની સાથે આવતા નરેશભાઇ તેમની પત્ની રોશનીબેન ઉર્ફે હેમાબેન સાથે પણ પૂજારીનો પરિચય થયો હતો. ગત 28 નવેમ્બર-22ના રોજ પવનભાઈ મંદિરે સેવામાં આવ્યા ત્યારે એમણે પૂજારીને જણાવ્યું હતું કે, મારાં ભાભી રોશનીબેનનું લગ્નજીવન ટકતું નથી. આથી તે સંદર્ભમાં તમારી સાથે એ વાત કરવા માંગે છે. તો તમારો નંબર આપો કહી ફોન નંબર લઇ ગયા હતા. શરૂઆતમાં તો રોશનીબેન ફોન પર ભક્તિની વાત કરતા મેસેજ કરતા હતા, પણ બાદ કાવતરારૂપે લોભામણી વાતો કરતા મેસેજ કરવા લાગ્યા.

એક દિવસે તો રોશનીબેને પૂજારીને વિડીયો કોલ કરી ખરાબ વર્તન કરી ગંદી વાતો કરી ઉત્તેજીત કરતાં કહ્યું કે, હું તમારા પ્રેમમાં છું. દરમિયાન ગત તા.28 ફેબ્રુઆરી-2023ના રોજ પવનભાઈ રાજપીપળા આવી પૂજારીના જૂના આવેલા વિકેશ પટેલને જણાવ્યું કે, મારી પાસે રમેશભાઈ ભૂવાના રોશની સાથે વિડીયો કોલમાં વોટ્સએપ મેસેજમાં તેમજ ફોન દ્વારા અશ્લીલ વાતો કરતાં વિડીયો અને ઓડિયો ક્લીપ છે. ત્યારબાદ વારંવાર અલગ અલગ નંબર પરથી એ પૂજારી પર દબાણ કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 75 લાખ રૂપિયાની માંગ કરવામાં આવતાં પૂજારી રવિન્દ્ર ઉર્ફે રમેશભાઇ પટેલે આમલેથા પોલીસ સ્ટેશનમાં જરૂરી પુરાવા સાથે કુલ 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બાદ આમલેથા પોલીસે અમદાવાદના નરોડાના નંદીગ્રામ વિસ્તારમાં રહેતા નરેશ રમેશચંદ્ર ગંગાણી, પવન રમેશચંદ્ર ગંગવાણી, રોશની ઉર્ફે હેમા નરેશ ગંગવાણી અને રમેશચંદ્ર ગંગવાણી સામે હનીટ્રેપનો ગુનો નોંધ્યો હતો. બાદ આરોપીઓએ આગોતરા જામીન અરજી કરી હતી. જો કે, સરકારી વકીલ જિતેન્દ્ર ગોહિલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે એમની આગોતરા જામીનઅરજી નામંજૂર કરી છે.

Most Popular

To Top