Gujarat Election - 2022

પ્રતિનિધિ તરીકે લોકો ગુનેગારોને કેમ ચૂંટે છે?

ચૂંટણી પહેલા અને ચૂંટણી સમયે રાજકીય પક્ષોનું વલણ બદલાઈ જતું હોય છે. ચૂંટણી પહેલા રાજકીય પક્ષો એવી વાત કરતાં રહે છે કે, અમે ગુનેગારોને ટિકિટ આપવામાં માનતા નથી પણ ટિકિટ દેવાનીવેળા આવે એટલે દાગી ઉમેદવારોની પસંદગી થતી રહે છે. અને આખા ભારતની વાત કરીએ તો આવું પ્રમાણ દર ચૂંટણીએ વધતું જાય છે. કોઈ પક્ષ એમાં બાદ નથી. સવાલ એ છે કે, પક્ષો તો માથાભારે ઉમેદવારોને ટિકિટ આપે છે પણ લોકો આવા ઉમેદવારોને શ માટે ચૂંટે છે? આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ મળતો નથી.ગુજરાતમાં પહેલા તબક્કાની ચૂંટણીમાં 89 બેઠક 788 ઉમેદવારો લડી રહ્યા છે. અને એમાં 167 ઉમેદવારો એવા છે જેમની સામે ગુનાઓ નોંધાયેલા છે. એટલે 21 ટકા દાગી છે/. અને એમાં 100 એટલે કે 13 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ છે. 211 તો કરોડપતિ ઉમેદવાર છે. 2017ની સરખામણીએ વાત કરીએ તો દાગીઉમેદવારોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે પહેલા તબક્કામાં 932 ઉમેદવારો હતા અને એરમાં દાગી ઉમેદવારોનું પ્રમાણ 137 એટલે કે 15 ટકા હતું અને ગંભીર ગુના હોય એવા ઉએમદ્વારો 78 એટલે 8 ટકા હતા. એડીઆરે આભ્યાસ કર્યા બાદ આ તારણો આપ્યા છે.

2017માં ચૂંટાયેલા ધારાસભ્યોની વાત કરીએ તો 31 ટકા ધારાસભ્યો સામે ગુના છે. અને એમાં 13 ટકા સામે તો ગંભીર ગુનાઓ છે. અને આ ગુનાઓ કેવા છે? પાંચ વર્ષથી વધુ જેલની સજા થાય એવા. સરકારી મિલકતને નુકસાન પહોંચાડવું , ખૂન, લૂંટ,, બળાત્કાર , હુમલો , અપહરણ , ભષ્ટાચાર અને મહિલા પર અત્યાચાર. અને સમસ્યા તો એ છે કે, આવા લોકોની ચૂંટાવાની સંખ્યા વધતી જાય છે. અને આ ટ્રેન્ડ માત્ર ગુજરાતમાં જ નહીં આખા દેશમાં અને દુનિયામાં છે. 2014માં લોકસભામાં દાગી સભ્યોનું પ્રમાણ 40 ટકા રહ્યું. અને એમાં 21 ટકા સામે ગંભીર ગુના હતા. બ્રાજિલમાં 60 ટકા ધારાસભ્યો એક સમયે દાગી હતા. નાઈજીરિયામાં પણ આ જ સ્થિતિ છે. અને 2016માં ન્યુયોર્ક રાજ્યમાં 30 ટકા સભ્યો દાગી હતા.

યુપી બિહારમાં પ્રમાણ વધુ છે. યુપીમાં છેલ્લી ચૂંટણીની વાત કરીએ તો 403 ધારાસભ્યો પૈકી 51 ટકા સામે ગુનાઑ છે. યોગી આદિત્યનાથ બુલડોજર બાબા તરીકે ઓળખાય છે એ રાજ્યમાં આ સ્થિતિ છે. સુપ્રીમ કોર્ટે 2020માં એવો નિર્દેશ કર્યો હતો કે, ગુનાહિત ઉમેદવારોની પસંદગી થાય તો જે તે પક્ષોએ એના કારણો આપવા જોઈએ. અને મજાની વાત એ છે કે, આ વર્ષમાં છ રાજ્યોમાં ચૂંટણી આવી અને એમાં આ મુદે રાજકીય પક્ષોએ દાગી ઉમેદવારોની પસંદગી કરવા માટે જે ક્ષુલ્લક કારણો આપ્યા છે એ જોઈ જવા જેવા છે. એમણે કહ્યું કે, આ ઉમેદવાર દાગી ભલે હોય પણ એ એમના મત વિસ્તારમાં લોકપ્રિય છે. એની સમાજ સેવા બોલે છે. અને એક જવાબ તો તૈયાર હોય છે કે, એમની સામેના જે કેસ છે એ મોટાભાગે રાજકીય હેતુ સરના છે. એટલે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશને બધા પક્ષો ઘોળીને પી ગયા છે.

ગુજરાતના એક અપક્ષ- માથાભારે ઉમેદવારની વાત કરીએ તો એ હવે તો લડતા નથી પણ લડતા હતા ત્યારે ઇવીએમ આવ્યા નહોતા. પ્રચારના દિવસો પૂરા થાય એટલે આ મહાશય એમના મત વિસ્તારમાં ખુલ્લી જિપમાં નીકળે અને લોકોને પૂછે કે, કોને મત આપશો? ડરના માર્યા લોકો એમ જ કહે કે, તમને જ આપીશું. એટલે આ ઉમેદવાર કહે તો આવવાની જરૂર નથી અને એના મત આ ઉમેદવારના ટેકેદારો નાખી દે. હવે આવું શક્ય બનતું નથી. પરષોતમ સોલંકીનો ઇતિહાસ જાણીતો છે પણ એમને અને એના ભાઈ બંનેને ટિકિટ ભાજપે આપવી પડી છે કારણ કે, એમનું કોળી જ્ઞાતિ પર પ્રભુત્વ છે. આવા દાખલા ભાજપ જ નહીં પણ દરેક પક્ષોના છે. મોદીએ 2014ની ચૂંટણી વેળા એવું વચન પણ આપેલું કે , દાગી ઉમેદવારોના કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટની જેમ ચલાવાશે પણ એવું બન્યું નથી.

સવાલ એ છે કે, લોકો આવા ઉમેદવારોને કેમ ચૂંટે છે? હવે ઉમેદવારે પોતાના સામેના ગુના જાહેર કરવા પડે છે , એ માટેની જાહેરખબર પણ મીડિયામાં આપવી પડે છે એનાથી શું ફેર પડશે? એ સવાલનો જવાબ એ પણ છે કે, આવા ઉમેદવારો એમના મત વિસ્તારમાં કે એમની જ્ઞાતિમાં રૉબિનહૂડની છાપ ધરાવે છે. 2017માં એડીઆર દ્વારા સર્વે કરાયો એમાં કેટલાક કારણો આવ્યા છે. એમાં 73 ટકા લોકો ભ્રષ્ટચારનો વિરોધ કરે છે પણ 44 ટકાને તો આવી માહિતી જ નથી હોતી કે, 71 ટકા એવા લોકો છે કે, ઉમેદવારો દ્વારા કોઈ વસ્તી કે રોકડ રકમ મતદારોને આપવી એ ગુનો છે. અને આશ્ચર્ય એ છે કે, 30 ટકા લોકો એવાય છે કે, ભેટ કે અન્ય ચીજ એ લઈ લે છે , રાજી રાજી. અને કોઈ પક્ષ રાજકારણમાંથી ગુનાખોરીની બાદબાકી માટે કાયદો લાવવા ઇચ્છુક નથી. કારણ કે, દાગી ઉમેદવારો જીતી શકે છે ને આર્થિક રીતે પણ એ મજબૂત હોય છે. લાગે છે કે, દાગી ઉમેદવારો ચૂંટાવાનું બંધ થાય એ દિવસો હજુ બહુ દૂર છે.

Most Popular

To Top